ડર્યા વિના આ મહિલા એકલી જ કાર ડ્રાઇવ કરીને 10 વર્ષમાં હિમાલીયન વિસ્તારો, જંગલો અને ગામડાંઓ ખૂંદી વી છે
700 સીસીની કાર લઇને 2009માં પહેલી મનાલી ટ્રીપ કરી હતી
SOLO TRAVELLER ગૌરવી અધ્યારુ 10 વર્ષથી સોલો ડ્રાઇવ કરે છે
700 સીસીની કાર લઇને 2009માં પહેલી મનાલી ટ્રીપ કરનાર ગૌરવી અધ્યારુ કહે છે કે, 'હું માનું છું કે દરેક સ્ત્રીએ મોટા નહીં તો નાના પ્રવાસે વર્ષમાં એક વખત એકલાં જ નીકળવું જોઇએ. એનાથી કોન્ફિડન્સ વધે છે. ખરાં અર્થમાં વેકેશનને માણી ફ્રેશ થઇ જશો.'
મહિલાઓ ટુ વ્હિલર જેટલું સરળતાથી ચલાવી જાણે છે એટલી કાર ચલાવી શકતી નથી. એમાંય પહાડી વિસ્તારોમાં સેલ્ફ ડ્રાઇવ કરવાનો વારો આવે તો પુરુષોને પણ પરસેવો છૂટી જતો હોય છે, કારણ કે હાઇવે પર કાર ચલાવવી અને પહાડી એરિયામાં કાર ચલાવવી એમાં આસમાન જમીનનો ફરક છે. ગૌરવી અધ્યારુ માટે આ અઘરું કામ પેશન છે.
ગૌરવી અધ્યારુ 10 વર્ષથી સોલો ડ્રાઇવ કરે છે. આ દસ વર્ષમાં કાશ્મીર સિવાય મનાલી, સિમલા, લેહ-લદાખ એમ આખા હિમાલીયન વિસ્તારો ખૂંદી વળ્યાં છે. જજીસ બંગ્લો વિસ્તારમાં રહેતા અને ચાર દાયકા વટાવી ચૂકેલા ગૌરવીને નાનપણથી ફરવાનો શોખ હતો. તેઓ કહે છે,'અમે નાના હતા ત્યારે વેકેશન પડે એટલે પપ્પા અમને કારમાં બેસાડી ફરવા નીકળી પડે. પહાડી વિસ્તાર હોય તો પણ પપ્પા જ કાર ડ્રાઇવ કરે. એમનું ડ્રાઇવિંગ મને ખૂબ ગમતું. મેં મનોમન પપ્પાની જેમ કાર ચલાવવાનું નક્કી કરી લીધું હતું.
મોટા થયા એટલે ફ્રેન્ડર્સ અને હસબન્ડ મલય સાથે ફરવાનું શરૃ કર્યું. એમાં થતું એવું કે મારે ટ્રેકિંગ કરવું હોય કે, બીજી જગ્યાએ ફરવું હોય તો ફરવા ન મળતું. એટલે એકલાં જ ફરવા જવાનું નક્કી કર્યું. કાર તો પહેલેથી આવડતી જ હતી એક દિવસ મલય અને મમ્મી પપ્પાને સોલો ડ્રાઇવ કરીને મનાલી જવાની વાત કરી તો વિરોધ કરવામાં આવ્યો પરંતુ હું મક્કમ રહી. પહેલી વખતમાં ૭૦૦ સીસીની અલ્ટો લઇને નીકળી હતી. એ વખતે ૨૦થી ૨૫ દિવસમાં પરત ફરી. હવે બે મહિને પાછી આવું છું. હિમાચલમાં કાશ્મીર સિવાય બધું જ ખૂંદી વળી છું.
મે, જુનમાં હિમાચલમાં અને વિદેશમાં સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં જવાનું પસંદ કરું છું, કારણ કે ત્યારે હવામાન સારું હોય છે અને પ્રવાસીઓની ભીડ હોતી નથી. કોરોનાને લીધે આ વર્ષે ક્યાંય જઇ શકી નથી. આવતાં વર્ષે હિમાલય જવાની ઇચ્છા છે.'આપણે કોઇ ટ્રીપ પર નીકળીએ એટલે બધુ સમુ સુથરું ઉતરે એવું થતું નથી. એમ ગૌરવીને પણ સારા ખરાબ અનુભવો થયા છે. તેઓ કહે છે, 'એકલી કાર લઇને નીકળતી હોવાથી પૂરતી તૈયારી સાથે નીકળું છું, એટલે કંઇ થાય તો હેન્ડલ કરી શકું છું.'
2009માં પહેલી વખત અમદાવાદથી મનાલી 1500 કિ.મી. અંતર કાપીને ગયા.
યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં પણ સોલો ટ્રીપ કરી છે.
અત્યાર સુધી 10 વખત સોલો ડ્રાઇવ કરી છે.
સોલો ટ્રાવેલ દરમિયાન થયેલા અનુભવો
-મનાલીમાં સારસાઇ ફોરેસ્ટમાં જંગલી ગાય મારી પાછળ પડી હતી. દોડતા દોડતાં હું પડી ગઇ અને ડાબા હાથમાં ફેક્ચર થઇ ગયું. હાથમાં દુપટ્ટો બાંધી અઘરા સ્લોપ્સમાં જાતે ગાડી ડ્રાઇવ કરવામાં બહુ તકલીફ પડી હતી. આવી સ્થિતિમાં અમદાવાદ પહોંચતા ચાર દિવસ થયા હતાં.
-એક વખત શેવરોલ કાર લઇને નીકળી હતી મનાલી પહોંચવામાં ૬ કલાકની વાર હતી એમાં કારનું ઓઇલ ચેમ્બર તૂટી ગયું. મેં કંપનીમાં ફોન કર્યો. સ્નો ફ્લો થતો હોવાથી કંપનીના માણસને આવતાં ૨૪ કલાક થયા હતા.
-એક વખત અમે ત્રણ બહેનપણીઓ સિમલાથી આગળ સ્પિતી વેલી જતાં હતાં. રસ્તો બહુ વળાંક વાળો હોવાથી ૨૦થી વધારે સ્પીડે કાર ચલાવી શકાય એમ નહોતું. રાત થઇ ગઇ હતી, અમે રસ્તો ભૂલી ગયા. અમે જ્યાં હતાં ત્યાં દાવાનળ ફાટી નીકળ્યો હતો. કાર પાર્ક કરી સવાર પડે એની રાહ જોતા બેસી રહ્યાં.
-દહેરાદૂનથી મનાલી જતી હતી, પાંચ વાગી ગયા હતા. હજુ ૨૦૦ કિલોમીટર અંતર કાપી મારે સુંદરનગર પહોંચવાનું હતું, એટલે મારી કારની સ્પીડ વધારે હતી. મારી પાછળ ચાર છોકરાઓ પડયાં હતાં. કોફી શોપે કોફી પીવા મેં કાર ઊભી રાખી. તેઓ મારી કાર પાસે આવી કાચને ક્રોક કર્યો. મેં સહજતાથી કાચ ખોલ્યો તો એમણે કારની ચાવી લઇ લીધે અને કહ્યું હવે અહીં જ બે દિવસ સુધી ઊભી રહેજે. મેં પોલીસને ફોન કર્યો. ૧૦ જ મિનિટમાં પોલીસ આવી પહોંચી છોકરાઓને પકડી લીધા અને પોલીસ સ્ટેશન લઇ ગયાં. માફીનામું લખાવી સહી કરાવ્યાં બાદ એમને છોડયાં. તકલીફ પડે તો પર્સનલ નંબર આપી ફોન કરવા કહ્યું.