Get The App

ઘઉં અથવા જવનો લોટ ચોંટાડીને પખાવજની બાજુઓ ટાઇટ કરીને સ્વર મેળવાય છે - પંડિત ભવાની શંકર

પખાવજનો 'ધા' સમગ્ર બ્રહ્માંડમાં ગૂંજે છે

Updated: Jan 10th, 2020

GS TEAM

Google News
Google News
ઘઉં અથવા જવનો લોટ ચોંટાડીને પખાવજની બાજુઓ ટાઇટ કરીને સ્વર મેળવાય છે - પંડિત ભવાની શંકર 1 - image

ભારતીય સંગીતના તમામ તાલવાદ્યોમાં શિરમોર સમાન વાદ્ય એટલે પખાવજ. આ વાદ્યનો અવાજ અને વાઇબ્રેશન્સની અસર અને તાકાત શું છે, તેને વગાડવા માટે કેવી રીતે તૈયાર કરાય છે વગેરે ખૂબીઓ અંગે વિસ્તૃત મુલાકાતમાં પખાવજના મહારથી કલાકાર પંડિત ભવાનીશંકરે કેટલાક વર્ષ અગાઉ એક વિસ્તૃત મુલાકાતમાં વાત કરેલી એ વાચકો સમક્ષ ફરીથી રજૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું, ''પખાવજ ભારતનું સૌથી પ્રાચીન વાદ્ય છે અને એવું કહેવાય છે કે શંકર ભગવાનને તે સૌથી વધુ પ્રિય છે અને શાસ્ત્રો પ્રમાણે સૌ પ્રથમ તેમણે વગાડેલું. એટલા માટે જ શિવ તાંડવમાં હંમેશા પખાવજ જ વગાડાય છે.

પખાવજનો 'ધા' જો પરફેક્ટ વાગે તો એ સમગ્ર બ્રહ્માંડમાં ગૂંજે છે એટલી એની અસર અને તાકાત છે. પખાવજના પુરા વાઇબ્રેશન્સથી વાતાવરણમાં નેગેટિવ એનર્જી દૂર ભાગે છે અને પોઝિટિવ એનર્જી વધે છે એવું કહેવાય છે. પખાવજ મોટે ભાગે સીસમના ઝાડના થડને પોલુ કરીને બનાવવામાં આવે છે. તેના પર બંને બાજુ ચામડુ લગાવાય છે. બેઝને મજબૂત કરવા માટે વગાડવાના બે દિવસ પહેલાં તેના પર ઘઉં અથવા જવનો લોટ પાણીમાં પલાળીને ચોંટાડવામાં આવે છે.

તેમાં રસપ્રદ વાત એ છે કે તમારે જે સ્વર મેળવવો હોય જેટલો બેઝ જોઇ તો હોય એ પ્રમાણે લોટ ચોંટાડવો પડે છે. એ સૂકાય એમ ચામડું ખેંચાઇને ટાઇટ થતું જાય અને સ્વર મળતો જાય. એ પછી લોટ ઉખાડી નાખીને હાથથી પખાવજને ફાઇન ટયુન કરાય છે. પખાવજને વગાડવા માટે આટલી બધી પ્રક્રિયાઓ કોઇને અઘરી કે કંટાળાજનક લાગે પરંતુ ભારતીય સંગીત પરંપરા માટે આનંદની વાત એ છે કે નવી પેઢીના કલાકારો મોટી સંખ્યામાં પખાવજ શીખી રહ્યા છે. વચ્ચે બે દાયકાનો સમય એવો આવી ગયો કે પખાવજ શીખનારા બહુ ઘટી ગયા હતા, પરંતુ હવે ભારતની આ પરંપરા આગળ ધપ્યા કરશે એમાં કોઇ શંકા કે ચિંતા નથી. 

સપ્તક ૨૦૨૦માં આ વખતે પખાવજના સેશન્સ અને કલાકારોની સંખ્યા વધુ ત્યારે આ સંદર્ભમાં પંડિત ભવાનીશંકરની આ વાત ઘણી પ્રસ્તુત છે. પખાવજની તાકાત વિશે એમણે એક રમૂજી કિસ્સો પણ કહેલો કે મુંબઇમાં ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં ભારતના સિદ્ધહસ્ત કલાકારો પોતાની કલા રજૂ કરી રહ્યા હતા ત્યારે અડધો કલાક પછી તબલાંના એક ઉચ્ચ કોટીના કલાકારે ભવાનીશંકરના પખાવજની ઇમ્પેક્ટ જોઇને ધીમેથી ચીઠ્ઠી સરકાવી, જેમાં લખેલું, ''યાર ભવાની, હમારે લીએ તો કૂછ તો છોડો''


Tags :