દેશમાં ગમે ત્યાં હોઈએ, દિવાળી તો અમદાવાદમાં જ મનાવીએ છીએ
હૈદરાબાદ,પૂના, બોમ્બે, બરોડા, ભરૃચ, રાજકોટ અને સુરતથી અમદાવાદ આવી એક જ પરિવારના ૩૨ સભ્યોએ શહેરની સંસ્કૃતિ અને વારસાને જાણીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે
દિવાળીની ઉજવણી માટે અનોખો રસ્તો શોધી કાઢતા એક પરિવારના ૩૨ સભ્યોએ આપણા હેરિટેજને જાણીને આ વર્ષે દિવાળીની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે અને તે માટે તેઓ દેશના ખૂણે ખૂણેથી ભેગા થઇ 'પદ્મેન્દુ મિલન-૨૦૧૯'નું આયોજન કર્યું હતું. સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા તેજલબેન વસાવડાનો પરિવાર ભલે વર્ષ દરમિયાન દેશમાં ગમે ત્યાં હોય પરંતુ દિવાળી તો અમદાવાદમાં જ આવીને મનાવે છે જે પરંપરા ૨૦૧૩થી જાળવાઇ રહી છે. આ વખતે દિવાળીની થીમ હેરિટેજ રાખી છે તેથી ગાઇડ ઝલક પટેલ સાથે હેરિટેજ વૉક કરી.
દિવાળીના તહેવારની ઉજવણી સંસ્કૃતિ અને વારસાને જાણીને થવી જોઇએ
આ અંગે વાત કરતા તેજલબહેને કહ્યું કે, દર વર્ષે અમારી દિવાળીની થીમ જુદી હોય છે. દિવાળીના આગલા દિવસે અમે એક્ટિવિટી નાઇટ રાખીએ છીએ જેમાં દરેક સભ્યને એક એક તહેવાર આપવામાં આવે છે જેની તે તૈયારી કરે અને દિવાળીની આગલી રાત્રે તે તહેવારનું મહત્વ, તેની પ્રાચીનકથાઓ અને તે વિષય પર વાત કરી એક્ટ કરવાનું હોય છે. આ વર્ષે અમે દિવાળી સેલિબ્રેશનની થીમ હેરિટેજ રાખી છે જેથી આપણી સંસ્કૃતિ અને વારસાને જાણી અને માણી શકીએ તે માટે કાળીચૌદશના દિવસે હેરિટેજ વૉક કરી.