જામીનને લગતા કાયદામાં તાકીદના સુધારાઓ એ સમયની જરૂરિયાત છે
જીએનએલયુ દ્વારા આયોજિત 'ક્રિમિનલ લૉ રિફોર્મ્સ' પરના વર્ચ્યુઅલ સેશન
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે ક્રિમિનલ લૉ રિફોર્મ્સ પર વર્ચ્યુઅલ કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ક્રિમિનલ વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ઓનલાઇન સેશનમાં વરિષ્ઠ એડવોકેટ અને કર્ણાટકના પૂર્વ એડવોકેટ જનરલ બી.વી.આચાર્ય, શેખર નાફેડે અને જોસેફ એરિસ્ટોટલ જોડાયા હતા. આ સેશનમાં બી.વી.આચાર્યએ કહ્યું કે, ન્યાયી સુનાવણી (ફેર ટ્રાયલ) માટે એક પ્રામાણિક તપાસ અધિકારી, પ્રામાણિક સરકારી વકીલ અને પ્રામાણિક ન્યાયાધીશની જરૂર હોય છે. દુર્ભાગ્યવશ આપણા દેશમાં, કેટલાક અપવાદોને બાદ કરતા સરકારી વકીલોનું ધોરણ જેવું હોવું જોઇએ તેવું નથી.
લગભગ તમામ રાજ્યોએ સરકારી વકીલની નિમણૂક કરતા પહેલાં હાઇકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાથે અગાઉથી પરામર્શ કરવાની જોગવાઇ કરી છે. સરકારી વકીલોની ગુણવત્તામાં સુધારો કરવા માટે અને સરકારી વકીલોની નિમણૂક માટે હાઇકોર્ટના નિરીક્ષણ હેઠળ યોગ્ય અને પારદર્શક પ્રક્રિયાની કાયદામાં જોગવાઇ જોઇએ.એડવોકેટ જોસેફ એરિસ્ટોટલે કહ્યું કે, ન્યાયી સુનાવણી માટે પ્રામાણિક તપાસ અધિકારી, પ્રામાણિક પબ્લિક પ્રોસિક્યુટર અને પ્રામાણિક ન્યાયાધીશની જરૃરિયાતની સાથે સાથે આ ત્રણ ઉપરાંત સિસ્ટમ અને સમાજ દ્વારા સુરક્ષિત એવા પ્રામાણિક સાક્ષીની પણ જરૂર છે.
ન્યાયતંત્રમાં શ્રેષ્ઠ પ્રતિભાને આકર્ષવા ન્યાયાધીશોનેે વધુ પગાર અને સારી વર્કિંગ કન્ડિશન ઓફર કરવી જોઇએ
જામીન સંબંધિત કાયદાઓ ખૂબ જ સમસ્યારૂપ છે, ખરેખર તો કાયદો નથી એમ કહેવું ખોટું નહીં ગણાય. જામીન અરજીઓનો નિકાલ કરવા માટે કોઇ સ્પષ્ટ (ક્રિસ્ટલ ક્લિયર) સિદ્ધાંતો નથી.જામીનને લગતા કાયદામાં તાકીદના સુધારાઓ એ સમયની જરૂરિયાત છે. આ ઉપરાંત ન્યાયાધીશોની પસંદગી અંગે વાત કરતા કહ્યું કે, પસંદગીની પ્રક્રિયાનાં કોઇ ખામી નથી પણ સમસ્યા એ છે કે સક્ષમ વકીલો ન્યાયાધીશ બનવા તૈયાર નથી. ન્યાયિક અધિકારીઓની સેલેરી પેકેજ એક મુખ્ય અવરોધક કાર્ય કરે છે. મારી દ્રષ્ટિએ, ન્યાયિક અધિકારીઓનું પગાર માળખું મંત્રાલયના બાબુઓના પગાર માળખામાંથી ડિ-લિન્ક કરવું જોઇએ અને ન્યાયતંત્રમાં શ્રેષ્ઠ પ્રતિભાને આકર્ષવા માટે ન્યાયાધીશોએ વધુ પગાર અને વધારે સારી વર્કિંગ કન્ડિશન ઓફર કરવી જોઇએ. - શેખર નાફેડે, એડવોકેટ