Get The App

શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે

આ વર્ષે અમદાવાદની સોસાયટીઓએ પ્રદૂષણને નાથવાનો, કોરોના વાઇરસ ભગાવવાનો અને વૃક્ષો બચાવવાનો સંકલ્પ કર્યો છે

Updated: Mar 6th, 2020

GS TEAM

Google News
Google News
શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે 1 - image

ફાગણ માસની પુનમને દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી, જેમાં દુર્જનો અને દુષ્ટો પર વિજય મેળવવામાં આવે છે તેવા આ ઉત્સવમાં આ વર્ષે અમદાવાદની સોસાયટીઓએ પ્રદૂષણને નાથવાનો, કોરોના વાઇરસ ભગાવવાનો અને વૃક્ષો બચાવવાનો સંકલ્પ કર્યો છે અને તેના પર વિજય મેળવવા માટે 'વૈદિક હોળી'થી આ પર્વને મનાવાશે. હોળીના દિવસને માત્ર બે દિવસથી વાર છે ત્યારે દરેક સોસાયટીઓમાં હોળીકા દહન માટેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે અને તેમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે પરંપરાગત રીતે છાણાંની હોળી પ્રગટાવવામાં આવે અને તેના માટે પશ્ચિમની સોસાયટીઓએ પણ કમરકસી છે.

શહેરનું વાતાવરણ સુધરે તેવો ઉદ્દેશ્ય

વૃક્ષોનો નાશ અટકે, વાતાવરણ શુદ્ધ થાય અને ગૌરક્ષણ પણ કરી શકાય તે માટે વૈદિક હોળીનો કોન્સેપ્ટ સોસાયટીમાં મૂકનાર નિવા ફાઉન્ડેશનના ફાઉન્ડર મનીષકુમાર નાસીતે કહ્યું કે, આ વર્ષે શહેરની દરેક સોસાયટી વૈદિક હોળી કરવા માટે જાગૃત થાય તે માટે દિવાળી પછી તરત જ પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. અમદાવાદ અને ગાંધીનગરની તમામ ગૌશાળાઓના સતત કોન્ટેન્કટમાં રહ્યો છું અને આ વર્ષે વૈદિક રીતે હોળી પ્રગટાવી શહેરનું વાતવરણ સુધરે તે માટે પ્રયત્ન કર્યો છે.

વૈદિક હોળીમાં કઈ સામગ્રી વપરાય છે ?

 વૈદિક હોળીને પ્રગટાવવામાં ગાયના છાણા, ગીર ગાય વલોણાનું ઘી, ભીમસેન કપૂર, ૩૨ જડીબુટ્ટીઓ ધરાવતી હવન સામગ્રી, નવગ્રહ ઔષધિ, સાત પ્રકારના ધાન્ય, માટલુ અને શ્રીફળનો ઉપયોગ થશે, જેમાં સાત ધાનમાં- ઘઉં, જુવાર,બાજરી, ચોખા, મગ, ચણા અને મકાઇ ૩૨ જડીબુટ્ટીમાં- હરડે, બહેડા, આંમળા, બીલી, વસા, અરડુસી,  હળદર,ગુલાબ, લીમડો, તમાલપત્ર,જાવીત્રી, સુગંધી વાળો, હાઉબેર, વાવડીંગ, શ્યામ તુલસી, રામ તુલસી, કાળી તુલસી, અરાગી, જાટામાસ્ત્રી, અપામાર્ગ, ફુળમખના, આમ્ર, કમળ કાકડી, ખારેક, ગુડબચ, નગોડ,વડ, પીપળ, દર્ભ, હર્વા, ખેર અને ખીજડો...

વૈદિક હોળીની એનર્જી પણ વધારે સમય સુધી રહે છે

શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે 2 - imageવૈદિક હોળી વિશે અમે ચાર વર્ષ પહેલાં સાંભળ્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષથી અમારી સોસાયટીમાં અમેઆજ રીતે હોળી પ્રગટાવીએ છીએ. જડીબુટ્ટી, સાત ધાન અને ઘીને કારણે હોળીને પ્રજવલ્લીત કરતાની સાથે જ વાતાવરણ એટલું જ સુવાસભર્યું થઇ જાય છે અને લાકડાના પ્રમાણમાં અમે જોયું તો છાણાંની હોળીની હીટ વધારે સમય સુધી રહે છે. અમારી સોસાયટીમાં તો આ થાય છે પરંતુ અન્ય સોસાયટીમાં પણ થાય એ માટે ૮-૧૨ સોસાયટીઓને અમારી સોસાયટીના મેમ્બરે સમજાવ્યા છે.- અમરિશભાઇ દેસાઇ , સીતા ટાવર, શિવરંજની ક્રોસ રોડ                  

વાત જ્યારે સ્વાસ્થ્ય અને પર્યાવરણની હોય ત્યારે ઢીલ ન કરવી જોઇએ 

શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે 3 - imageઅમારી સોસાયટીમાં છેલ્લા ૩૦ વર્ષથી સતત લાકડાની હોળી જ પ્રગટાવવામાં આવતી હતી પરંતુ આ વર્ષે જ્યારે સોસાયટીના મેમ્બર પાસે વૈદિક હોળી કરવાનો પ્રસ્તાવ મૂકી તેના ફાયદા જણાવ્યા ત્યારે સૌએ કહ્યું કે આ વર્ષેતો છાણાની જ હોળી થશે. જ્યારે વાત સ્વાસ્થ્ય અને પર્યાવરણની હોય ત્યારે તેમાં કોઇ ઢીલ ન કરવી જોઇએ અને છાણાંની હોળી કરવાથી વાતાવરણ પણ શુદ્ધ થશે. - જ્યોતિષ ગાંધી, મુરલીધર સોસાયટી, આંબાવાડી

હોળીમાં લાકડા બાળવાનો અર્થ નથી

શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે 4 - imageઅમારી સોસાયટીમાં ગયા વર્ષે પણ વૈદિક હોળી થઇ હતી અને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો તેથી આ વર્ષે પણ આ પરંપરાને અમે આગળ વધારવાના છીએ. વૈદિક હોલી પ્રગટાવવાનું ખાસ કારણ તો એજ કે છાણાથી ઓક્સિજન વધુ માત્રામાં મળે છે અને હોળીમાં લાકડા બાળવાનો કોઇ અર્થ નથી. છાણામાં એનર્જી ખૂબ હોય છે અને તેને કારણે તે લાંબા સમય સુધી પ્રગટેલી રહે છે. -હર્ષદભાઇ પટેલ,શાયોના સિટી વિભાગ ૩ અને ૪, ઘાટલોડિયા

દિવસમાં બે વખત હવન કરું છું એટલે વૈદિક હોળી પાછળનું વૈજ્ઞાાનિક કારણ જાણું છું

શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે 5 - imageઅમારી સોસાયટીમાં પ્રથમ વખત વૈદિક હોળીનો પ્રયોગ કરી રહ્યા છે. જ્યારે આના વિશે વાત કરવામાં આવી ત્યારે દરેક આ વાતને સહર્ષ સ્વીકારી કારણકે આનાથી સોસાયટીનું વાતાવરણ શુદ્ધ થશે. મારા ઘરમાં દિવસમાં બે વખત હોમ-હવન થાય છે એટલે વૈદિક હોળી પાછળનું વૈજ્ઞાાનિક કારણ જાણું છું. ગાયનું ઘી અને છાણ બાળવાથી તેમાથી ઘણા ઉપયોગી વાયુઓ નીકળે છે તે શ્વાસ લેવામાં અને વાતાવરણ માટે ખૂબ લાભદાયી છે. આ વર્ષે એલાઇટ-૩૨ સોસાયટી અને અમારી એમ બે સોસાયટીની એક સાથે હોળી પ્રગટાવાશે. - સંદિપભાઇ પંચાસરા,લા-ગ્રેસિયા સોસાયટી, મેમનગર

કપૂરને કારણે વાતાવરણમાંના વાઇરસ અને મચ્છર દૂર રહે છે

શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે 6 - imageઅમારી સોસાયટીમાં પહેલી વખત વૈદિક રીતે હોળી પ્રગટાવાશે. જ્યારે આ વિશે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દર વર્ષે કેટલા લાકડા હોળીમાં બળે છે અને તેને કારણે પર્યાવરણને કેટલું નુકસાન થાય છે અને તેની સરખામણીમાં છાણાનો ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણને નુકસાન તો નથી થતું ઉપરાંત ગૌમાતાનું જતન થાય છે. જંગલો ઓછા થઇ રહ્યા છે ત્યારે આ પગલુ ભરવુ ખુબ જરૃરી છે અને હોળીમાં કપૂર હોમવાને કારણે વાતાવરમમાં રહેલ ખરાબ વાયરસ અને મચ્છર દૂર રહે છે. - જિતેનભાઇ દવે ,શ્રી હરિ અર્જુન એપાર્ટમેન્ટ, ચાણક્યપુરી

વૈદિક હોળીથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પર્યાવરણના રક્ષણમાં ભાગ ભજવી શકીએ છીએ

શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે 7 - imageવૈદિક હોળીનો આ વર્ષે અમને પહેલો અનુભવ થશે. અત્યાર સુધી લાકડા પર છાણા મુકીને હોળી પ્રગટાવતા હતા અને અત્યાર સુધી અમે સોસાયટીના મેમ્બર જ ઝાડ કાપીને લાકડુ લઇ આવતા હતા. પણ આજે જ્યારે આ કોન્સેપ્ટ વિશે સાંભળ્યું ત્યારે કેટલાય ઝાડ કાપ્યા તેનું દુઃખ થાય છે. હોળીએ ખરેખર એક યજ્ઞા છે અમે ૨૦૦ કિલો છાણાની હોળી પ્રગટાવવાના છીએ. એક સાથે દરેક જગ્યાએ આ પ્રમાણે થશે તો પ્રદૂષણનું લેવલ નીચુ જશે અને વૈદિક હોલી કરી દરેક પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પર્યાવરણ માટે ભાગ ભજવી શકીએ છીએ. - ધર્મેન્દ્રભાઇ ચાવડા,અલંકાર એપાર્ટમેન્ટ, મકરબા રોડ

વૃક્ષ બચાવવાનો સૌથી સારો ઉપાય છે વૈદિક હોળી

શહેરની જે સોસાયટીઓમાં 30 વર્ષથી લાકડાં સળગાવી હોળી થતી ત્યાં આ વર્ષે છાણાંથી 'વૈદિક હોળી' પ્રગટાવાશે 8 - imageવૈજ્ઞાાનિક રીતે સાબીત થયું છે કે ૩૨ ઔષધિઓને હોમવાથી દરેકના સ્વાસ્થ્યમાં ખૂબ જ સારો પ્રભાવ પડે છે અને સૌથી મોટો ફાયદો છે કે એનાથી વૃક્ષો કપાતા અટકસે અને વૃક્ષો બચાવવાનો સૌથી સારો ઉપાય છે વૈદિક હોળી. સોસાયટીના સભ્યો સામેથી જ વૈદિક હોળી કરવા માટે માંગ કરે છે અને  આના માટે દરેક નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ થવાનો છે તેથી સ્વાસ્થ્યને કોઇ નુકસાન નથી માત્ર ફાયદો છે. - સુનિલ કાયસ્થા, સગુન ક્લાસીક સોસાયટી, સિંધુભવન

     


Tags :