એકાંકીમાં ક્રાંતિકારી, દેશપ્રેમી અને નિષ્ઠાવાન વસંતનું જીવંત પાત્રચરિત્ર ઘણી પસંદ આવી છે
ગુજરાતી સાહિત્ય પરીષદ ખાતે 'ઇતિહાસનું એક પાનું' વિષય પર ઉષા ઠાકરનું વક્તવ્ય યોજાયું
બહેનોની આંતરિક શકિતમાં વધારો થાય તેમજ સમાજમાં પોતાના વિચારો રાખી શકે તે હેતુથી ગુજરાતી સાહિત્ય પરીષદ ખાતે છેલ્લાં ૪૦ વર્ષથી બહેનો દ્વારા દર મહિનાના ત્રીજા બુધવારે અભિરુચીની બેઠકનું આયોજન કરાય છે. આ બેઠકમાં બહેનો દ્વારા વર્ષભરના વિષય સાથે વક્તવ્યનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષનો વિષય 'સાહિત્યમાં રાષ્ટ્રભાવના' રાખવામાં આવ્યો છે અને જેમાં ઉષા ઠાકરે ગુલાબદાસ બ્રોકરનું એકાંકી 'ઇતિહાસનું એક પાનું' વિષય પર વક્તવ્યનું આયોજન કરાયું હતું.
આ વક્તવ્યમાં ઉષા ઠાકરે કહ્યું કે, ગુલાબદાસ બ્રોકરે નાટક, વાર્તા, એકાંકી વગેરે જેવા અનેક સાહિત્ય સ્વરૃપમાં ખેડાણ કર્યું છે. જેમાં તેમની ઇતિહાસનું એક પાનું એકાંકીમાં રાષ્ટ્રભાવના જોઇ શકાય છે. એકાંકીમાં વસંત અને સરલા એ મુખ્ય પાત્રો છે અને તેમાં રાવસાહેબ ક્રિમીનલ ઇન્સ્પેકટર છે. વસંત અને સરલા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે સાથે વસંત રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલો છે. પ્રસ્તુત એકાંકીમાં ૧૯૪૨ની ભારત છોડો ચળવળના સંદર્ભે વસંત અને સરલાના પાત્ર દ્વારા આઝાદીની ઇતિહાસ ઘટનાનું એક પાનાનું આલેખન કરવામાં આવ્યું છે.
૮ ઓગસ્ટે મહાત્મા ગાંધી સહિત બધા જ મુખ્ય દેશ નેતાઓને અંગ્રેજ સરકારે પકડીને જેલમાં મોકલી દીધા હતા. ત્યારબાદ નેતાવિહીન જનતાની પ્રવૃત્તિમાં બે ભાગ પડયાં હતા તેમજ લોકો ભૂગર્ભમાં ચાલી જઇને ત્યાંથી ક્રાંતિકારી અનુયાયીઓ દ્વારા ક્રાંતિકારી ચળવળનો સંચાર કરવા લાગ્યા હતા. આ અનુયાયીઓમાં વસંત અને તેની પ્રિયતમા સરલા જેવા કલ્પિત પાત્રો દ્વારા સત્યતાનું નિરૃપણ કર્યું છે. એકાંકીમાં ક્રાંતિકારી, દેશપ્રેમી અને નિષ્ઠાવાન વસંતનું જીવંત પાત્રચરિત્ર થતું હોવાથી એકાંકી લોકોને ઘણી પસંદ આવી છે. વસંતે સરલાને પ્રેમ કરે છે છતાં તે મરી ગઇ છે અમ કહી દીધું હતું. રાષ્ટ્રપ્રેમને પામવા અંતગ પ્રેમીનું બલિદાન આપીને સાચો દેશભક્ત બનીને લોકોના હૃદયમાં સ્થાન પામે છે.