સખત મહેનત અને ધગશ શાસ્ત્રીય સંગીત શીખવાના મુખ્ય પાસાં છે
યુનિ. ઓફ રાજસ્થાનના મ્યુઝિક ડિપા. દ્વારા 'સંગીતની દુનિયા' વેબ સિરીઝ
ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિક યુનિવર્સિટી ઓફ રાજસ્થાન દ્વારા 'સંગીતની દુનિયા' ઇન્ટરનેશનલ વેબ સિરીઝનું આયોજન કરાયું હતું. આ વેબ સિરીઝમાં વિશ્વના જાણીતા સંગીતજ્ઞાો પોતાની કારકિર્દીના અનુભવો સહિત વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી, જેમાં પ્રથમ દિવસે જાણીતા સિતારવાદક મંજુબહેન મહેતા, સંગીત સંકલ્પના ફાઉન્ડર મુકેશ ગર્ગ અને રાજસ્થાનની યુનિ.ના મ્યુઝિક ડિપાર્ટમેન્ટના હેડ અંજલિકા શર્મા જોડાયા હતા. વેબ સિરીઝમાં પ્રથમ દિવસે જાણીતા સિતારવાદક મંજુબહેન મહેતાએ 'સંગીતના મારા અનુભવો' વિષય પર વાત કરતા કહ્યું કે, સંગીત એ શાસ્ત્રીય સંગીતનો પાયો છે.
સંગીત વ્યકિતના મનને આનંદ આપવાનું કાર્ય કરે છે. મારા અનુભવ મુજબ દરેક ગુરુની સંગીત શીખવવાની પદ્ધતિ અલગ હોય છે. એકપણ દિવસ બ્રેક લીધા વિના ૪૦ વર્ષથી નિયમિત રિયાઝ કરું છે અને તેનાથી મને ઘણો જ આનંદ મળે છે. જ્યારે દિલ્હીમાં મારો એક કાર્યક્રમ હતોે ત્યારે હું મારા ગુરુજી પંડિત રવિશંકરજીને આમંત્રણ આપવા ગઇ હતી ત્યારે તેમને મને કહેલું કે હું કાર્યક્રમ જોવા આવું છું ત્યારે મેં તેમને કહેલું કે ગુરુજી તમારી સામે શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ મારાથી થઇ શકે તેમ નથી ત્યારે તેમને મને કહ્યું કે સારું હું નહીં આવું તો પણ તેઓ હોલમાં આવીને સંગીત સાંભળ્યું હતું ત્યારબાદ તેમને મને બોલાવીને સારું પરફોર્મન્સ આપ્યું છે તેમ કહ્યંુ હતું જે મારા જીવનનો સોનેરી દિવસ હતો. સખત મહેનત અને ધગશ શાસ્ત્રીય સંગીત શીખવાના મુખ્ય પાસા છે તેમ મારું માનવું છે.