કરોડોના ખર્ચે મૂકાયેલી એર ક્વોલિટી ઇન્ડેક્સ દર્શાવતી સ્ક્રિનને લોકો જાહેરાતનું બોર્ડ સમજી જોવાની તસ્દી લેતા નથી
આજે વિશ્વ પર્યાવરણ દિવસ
શહેરમાં પોલ્યુશનનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેની માહિતી નાગરિકોને આપવા માટે શહેરમાં પોલ્યુશન વોર્નિંગ આપી શકે તેની મોનિટરિંગ સિસ્ટમ ૨૦૧૭માં લોન્ચ કરાઇ હતી. ખૂબ જ ઓછી સિટીમાં આ સિસ્ટમ મૂકવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા જે તે વિસ્તારની તે ક્ષણની એર ક્વોલિટી ઇન્ફોર્મેશન સ્ક્રિનમાં બતાવવામાં આવે છે.
આનાથી એક થી ત્રણ દિવસ એડવાન્સમાં હવામાન ક્વોલિટીનું ફોરકાસ્ટ કરી શકીએ છીએ. આ પ્રોજેક્ટનો હેતુ નાગરિકોને એર ક્વોલિટીની સ્થિતિ દર્શાવી તેના વિશે અવેર કરવાનો છે. શહેરમાં આવી ૧૧ સ્ક્રિન 'ધ સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ'(એસએએફએઆર) જે સેન્ટર મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ટ્રોપિકલ મીટીઓરોલોજી, પુણે દ્વારા લગાડવામાં આવી છે.
શહેરમાં વસ્ત્રાપુર, સરદાર પટેલ સ્ટેડિયમ સેટેલાઇટ, એરપોર્ટ, રાયખડ, રખિયાલ, પિરાણા, બોપલ અને ગાંધીનગરમાં ગિફ્ટસિટી
અને લોકાવાડમાં આ સ્ક્રિન લાગેલી છે. આજે બે વર્ષ પછી સફર સ્ક્રિન દ્વારા જે ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે તે રિયલ ટાઇમની જગ્યાએ કલાકો સુધી અનઅપડેટ રહે છે. આવા મશીનને મેઇન્ટેઇન્સ કરવા ખૂબ ખર્ચાળ છે અને સતત મોનિટરિંગની પણ જરૃર પડે છે. આ સ્ક્રિન લગભગ ૧૫ કરોડના ખર્ચે લગાડવામાં આવી છે. છતાં ઘણા લોકોને તે સુધ્ધા ખબર નથી કે આ શું છે તો અડધા તો આ સ્ક્રિન તરફ માથું ઊંચું કરી જોવાની તસદી લેતા નથી.
૬ દિવસ પ્રદૂષણ સૌથી ખરાબ લેવલ પર હોય છે
સફર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકો મેળવવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા છે. સફર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરાર મુજબ શહેરમાં મૂકવામાં આવેલા સાઇન બોર્ડ પર એર ક્વોલિટી ઇન્ડેક્સની માહિતી આપવામાં આવે છે, જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અને તાપમાન અંગેની માહિતી દર્શાવાય છે.
સાઇન બોર્ડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જો રેડ કલરમાં દર્શાવાય તો હવાનું પ્રદૂષણ સૌથી ખરાબ લેવલ પર છે તેમ જાણવું તેવી જ રીતે યલ્લોમાં મોડરેટ અને ગ્રીનમાં સારૃ કહી શકાય છે. વર્ષ દરમિયાન અમદાવાદમાં ૬ દિવસ હવાનું પ્રદૂષણ સૌથી ખરાબ લેવલ પર હોય છે.
ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહેવાનું થાય ત્યારે જ આ સ્ક્રિન પર નજર જાય છે
આખા દિવસની ફિલ્ડ વર્કની જોબ હોવાથી અમદાવાદના દરેક વિસ્તારમાં જવાનું થાય છે પરંતુ બાઇક બાજુમાં ઊભું રાખીને એક ક્વોલિટી ઇન્ડેક્સ દર્શાવતી સ્ક્રિન પર શું અપડેટ આવે છે તે વાંચવાનો સમય મળ્યો નથી. ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહેવાનું થાય ત્યારે જ આ સ્ક્રિન પર નજર જાય છે. - જતીન પંડયા
આ સ્ક્રિનને હાઇલાઇટ નથી કરી તેથી કોઇ તેન સામે જોતું નથી
જ્યારે તમે કરોડો રૃપિયાનો ખર્ચ કોઇ વસ્તુ પાછળ કરો છો તો તેને તમારી એવી રીતે પબ્લિક સામે મૂકવી જોઇએ કે જેની પબ્લીક નોંધ લે પરંતુ આ સ્ક્રિનને એવી રીતે મૂકી દેવામાં આવી છે કે લોકો તેને અવગણી રહ્યા છે અને માત્ર ટીવી સ્ક્રિન કે એડવરટાઇઝમેન્ટ સમજી લે છે. - ચેતન વાઘેલા
સફર એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તેથી સ્ક્રિન પર જોવાની જરૃર નથી પડતી
મેં મારા સેલફોનમાં સફર એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે તેમાં ૧૧ જેટલા શહેરોનું પોલ્યુશન લેવલ જાણી શકાય છે. આપણા વિસ્તારમાં ટેમ્પ્રેચર અને એર પોલ્યુશન કેટલું છે તે હું આ એપપરથી જ જાણી લઉં છું, જેમાં આ સંજોગોમાં શું જાળવણી રાખવી તેની પણ માહિતી સતત અપડેટ કરતા રહે છે તેથી સ્ક્રિન પર જોવાની જરૃર નથી પડતી. -નિલમ સોલંકી
૪૪ ડિગ્રીમાં પણ આ સ્ક્રિન પર ઝીરો સેલ્સ.ટેમ્પ્રેચર દર્શાવતા હતા
થોડા સમય પહેલાની ઘટના છે ગરમીને કારણે સ્કિન બળતી હતી અને ૪૪ ડિગ્રી જેટલું તાપમાન હતું તે દિવસે આ સ્ક્રિન પર ઝીરો સેલ્સિયસ તાપમાન બતાવતું હતું. આ સ્ક્રિન પર આંકડા દર્શાવે છે તેનો ખ્યાલ નથી. આ ઉપરાંત કેટલા નંબર આવે તો વધુ ખરાબ પરિસ્થિતિ કહેવાય તેવા ઘણા પ્રશ્નો થાય છે. - ક્રિશ્ના દેસાઇ
બોર્ડમાં દર્શાવતા આંકડાનો અર્થ શું છે? તે ખ્યાલ નથી
વસ્ત્રાપુર તળાવ નજીક આવેલા રેસ્ટોરન્ટમાં ઘણી વખત જમવા ગયો છું, છેલ્લા ઘણા સમયથી ત્યાં સ્થાપિત કરાયેલા બોર્ડ પર નજર પડી, પહેલા તેમા દર્શાવતા આંકડાનો અર્થ શું છે? તે ખ્યાલ નથી. હું તે બોર્ડને માત્ર તાપમાન દર્શાવતું બોર્ડ તરીકે જાણું છું. - નરેશ રાખોલીયા
બોર્ડ પરથીજ હું એર ક્વોલિટી ઇન્ડેક્સની માહિતી મેળવું છું
મને એર ક્વોલિટી ઇન્ડેક્સના સાઇન બોર્ડ વિશેની માહિતી છે. હું અવારનવાર એર ક્વોલિટી ઇન્ડેક્સ અને તાપમાનની માહિતી બોર્ડ પરથી મેળવું છું. ઘણા લોકોને સાઇન બોર્ડ વિશેની માહિતી નથી પણ સમયાંતરે લોકોમાં અવેરનેસ આવશે. શહેરમાં સાઇન બોર્ડ મુકાયા તે સારી બાબત છે. - પાર્થી શાહ
એડવર્ટાઇઝમેન્ટનું બોર્ડ હશે, એક્યુઆઇ વિશે માહિતી નથી
મેં બોર્ડ પર દર્શાવતી માહિતીને વાંચી નથી. કદાચ તેના કારણે હું બોર્ડને એડવર્ટાઇઝમેન્ટના બોર્ડની જેમ ગણતી હતી. આજે મને ખબર પડી છે કે તેમા શહેરનું પ્રદૂષણનું લેવલ દર્શાવવામાં આવે છે. પરંતુ મને એ પણ ખબર નથી કે કેટલું પ્રદૂષણ હેલ્થ માટે ખરાબ હોય છે. - સંસ્કૃતિ પાઠક
છઊૈંની નહીં ટ્રાફિક અને તાપમાન વિશે ખબર છે
બોર્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સ દર્શાવે છે, તેની માહિતી નથી. ઉપરાંત હું બીજા બોર્ડના ડેટા કરતા ન્યૂઝપેપરના ડેટા પર વધારે વિશ્વાસ કરીશ. એક આર્ટિકલ મુજબ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ દિલ્હી કરતા પણ ખરાબ છે. - વૈષ્ણવી ઐયર