Get The App

50 વર્ષ પહેલાં પાંચ મિત્રએ 10 વિદ્યાર્થીને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું હતું

આજે હાલ F.D માં 18 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરે છે

Updated: Dec 11th, 2019

GS TEAM

Google News
Google News
50 વર્ષ પહેલાં પાંચ મિત્રએ 10 વિદ્યાર્થીને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું હતું 1 - image

૧૯૬૭માં પાંચ મિત્રો સિંધીવાડ, જમાલપુરની શેરીમાં નિયમિત વાતો કરતા એક સાંજે જ્યારે તેઓ વાતો કરી રહ્યા હતા ત્યારે તેમણે નોંધ્યુ કે તેમના વિસ્તારમાં બાળકો મોટા પ્રમાણમાં ડ્રોપઆઉટ કરી રહ્યા હતા. આ બાબત તેમને ચિંતાજનક લાગી. ભણતરમાંથી રસ ખોઇ રહેલા બાળકોમાં ફરીથી અભ્યાસ માટે રસ કેવી રીતે જગાવી શકાય? તે પ્રશ્નને હલ કરતા આ પાંચ મિત્ર કે જેઓ સરકારી નોકરી કરતા હતા, તેઓએ નિયમિત રીતે રાત્રે આ બાળકોને મફત ટયૂશન આપવાનું શરૃ કર્યું. બાળકોને રસ જાગ્યો. બાળકોને ભણતા જોઇને માતા-પિતાએ આ પાંચ મિત્ર પાસે સ્કૂલ શરૃ કરવાની વાત મૂકી.

એક પછી એક પાસાં તેની જગ્યાએ બેસતા ગયા અને એક નાનકડા ઓરડામાં ચાલુ કરેલા ટયુશન ક્લાસિસ સ્કૂલ અને કોલેજિસમાં ફેરવાઇ ગયા. આ કામને પુરા ૫૧ વર્ષ પૂર્ણ થયા છે અને આજે એ એફ.ડી. સ્કૂલ એન્ડ કોલેજિસ તરીકે વિસ્તર્યું છે. પાંચ મિત્રમાંથી આજે માત્ર એક અબ્દૂલ રહીમ શેખ હયાત છે અને તેઓ આજે પણ એફ.ડી.નું સંચાલન કરી રહ્યા છે.

જે બિલ્ડિંગ સવારે બંધ રહેતી તેના માલિક પાસે શાળા શરૂ કરવા વિનંતી કરી 

શરૃઆતમાં જમાલપુરના દર્ગાના એડમિનિસ્ટ્રેશન પાસેથી જુનિયર કે.જી.અને સિનિયર કે.જી.શરૃ કરવા માટે ૧૯૬૯માં મદદ મળી ત્યારબાદ વિદ્યાર્થીઓેની સંખ્યામાં સતત વધારો થતા એક ઓરડો નાનો પડયો કોઇ બિલ્ડિંગની જરૃર પડી. જમાલપુર વિસ્તારની એક બિલ્ડિંગ જે સવારે બંધ રહેતી તેના માલિક પાસે જઇને વિનંતી કરી અને એક સારા કામ માટે આ બિલ્ડિંગનો ઉપયોગ થશે માટે એક પણ રૃપિયો લીધા વગર તેઓએ આ બિલ્ડિંગ આપી. જેને 'ફલાહે દરેન' (એફ.ડી.) નામ આપવામાં આવ્યું જેનો અર્થ થાય છે દુનિયાની ભલાઇ માટે.

ધંધાકીય નહીં પરંતુ સોસાયટીની સેવા કરવાનો ઉદ્દેશ્ય 

એફ.ડી.નો હેતુ ધંધાકીય નહતો તેનો હેતુ માત્ર એજ્યુકેશન સોસાયટીને ફાળો આપવાનો હતો. મુસ્લિમ સમાજના છોકરાઓ ઉપરાંત છોકરીઓ પણ ધીમેધીમે આ બેનર હેઠળ ભણવા લાગી જેની નોંધ પૂર્વ સી.એમ.ચીમનભાઇ પટેલે લીધી હતી અને એફ.ડી.આર્ટસ કોલેજ શરૃ કરવા માટે તેઓએ જમીન આપી હતી. 

શરૂઆતના સમયમાં તહેવારના સમયે મસ્જિદ પાસે ઊભા રહીને ફંડ એકત્રિત કરતા

નોકરીની સાથે સાથે અમે પાંચેય મિત્રોએ બાળકોના અભ્યાસ માટે પુરતો સમય ફાળવ્યો. એક સારા કામમાં કુદરત સાથે આપે છે તેમ દરેકનો સાથ મળતો ગયો. પહેલાં દિવસે માત્ર બે બાળક ભણવા આવ્યા ત્યારે નિરાશ થયા હતા પરંતુ ત્યારબાદ બાળકોએ અને તેમના વાલીઓએ જે પ્રમાણે રસ દર્શાવ્યો તે અમારા માટે આનંદની વાત હતી. શરૃઆતના સમયમાં બાળકોના પુસ્તકો થી લઇને તમામ વસ્તુ ખરીદવા ફંડની જરૃર પડતી ત્યારે અમે તહેવારના સમયે મસ્જિદ પાસે ઉભા રહીને ફંડ કલેક્ટ કર્યો હતો અને લોકોએ પણ આ સારા કામમાં ખુલ્લા હૃદયે ડોનેટ કર્યુ છે. આની શરૃઆત એક નાનકડા ઓરડામાં ૧૦ છોકરાઓને ટયુશન આપવાથી કરી હતી આજે એફ.ડી.ની ૩૧ અલગ અલગ ઇન્સ્ટિટયૂશન છે જેમાં ૧૮ હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. - અબ્દુલ રહીમ શેખ, સ્થાપક


Tags :