કિડની દાન થકી જીવનદાન - દુઃખ અડધું અડધું વહેંચી લઇ સુખને અકબંધ રાખ્યું
દીકરીએ માતા-પિતાને, પત્નીએ પતિને, કાકાએ ભત્રીજીને કિડની જ નહીં નવી જિંદગી આપી
મમ્મીને કિડની આપ્યાં બાદ જીવનમાં કંઇ સારું કામ કર્યાનો સંતોષ અનુભવું છું
'મને છેલ્લાં ૩૦ વર્ષથી ડાયાબિટીસ હતો. જેને લીધે મારી બંને કિડની કામ કરતી બંધ થઇ ગઇ. પરિણામે મને શ્વાસ ચડવા લાગ્યો, હું બે ડગલાં પણ ચાલી શકતી નહીં, શરીરમાં પાણી ભરાઇ જવાને લીધે શરીર ફૂલી ગયું હતું. આ ઉપરાંત બીજી નાની મોટી અનેક સમસ્યાઓ મને સતાવતી હતી. એક દિવસ છોડીને એક દિવસે ડાયાલિસીસ કરાવવું પડતું. આવી સ્થિતિમાં ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. પહેલાં તો મારા પતિએ મને કિડની આપવા તૈયાર થયા, પણ તેમની ઉંમર ૬૦થી વધારે હોવાથી ડૉક્ટરે ના પાડી, એટલે મારા બંને દિકરા અને દીકરી એમ ત્રણેય મને કિડની આપવા તૈયાર થઇ ગયાં. છેવટે મોટી દીકરી પાયલે મને આજથી ચાર વર્ષ પહેલાં કિડની આપી. એ અત્યારે ૨૯ની છે.' પાયલે કહે છે,'હું કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરું છું અને સાથે પીએચ.ડી.કરી રહી છું. હું કુંવારી હોવાથી માતાને કિડની ના આપી શકાય એ અંગે મને ઘણા લોકોએ સમજાવી પણ માતાથી વિશેષ કંઇ નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી અમે બંને નોર્મલ છીએ. એનું ડાયાબિટીસ પણ કન્ટ્રોલમાં રહે છે અને ઘરનું તમામ કામ તે કરી શકે છે. તેને પહેલાં જે શ્વાસની અને નાની મોટી સમસ્યા સતાવતી હતી એ દૂર થઇ છે. હું પણ પહેલાંની જેમ જીમમાં જાઉં છું, કોઇપણ તકલીફ વગર નોર્મલ લાઇફ જીવી રહી છું.'- સીતાબહેન અને દીકરી પાયલ દેસાઇ, ગોતા
મારું અને પત્નીનું બ્લડગુ્રપ અલગ હોવા છતાં તેણે મને કિડની આપી
'હું ઓફિસેથી પરત ફરતો હતો ત્યારે રસ્તામાં નસકોરી ફૂટી, મને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો. એ વખતે મારું બીપી બહુ વધારે હતું, દવા લીધા પછી સારું થઇ ગયું પણ આવું વારંવાર થવા લાગ્યું એટલે રિપોર્ટ્સ કઢાવ્યાં જેમાં મારી કિડની યોગ્ય રીતે કામ કરી રહી નથી, એવું બહાર આવ્યું. ડૉક્ટરે કહ્યું અત્યારે દવાથી ચાલે એમ છે. બે વર્ષ પછી તબીયત વધારે બગડી પરિણામે ડાયાલિસીસ પર રહેવાનો વારો આવ્યો. મારી ઉંમર ૩૮ વર્ષ હતી એટલે ડોક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાં કહ્યું. પરંતુ ઘરની કોઇ વ્યક્તિ સાથે મારું બ્લડ ગૂ્રપ મેચ થતું નહોતું. ડૉક્ટરના કહેવાથી આધુનિક સારવાર દ્વારા બે અલગ બ્લડગૂ્રપ ધરાવતી વ્યક્તિ કિડની આપી શકે છે. તેથી મારી પત્ની કૈલાસ જેનું બ્લડગૂ્રપ એ પોઝિટિવ હોવા છતાં તેણે મને કિડની આપી છે. અત્યારે મારી સ્થિતિ ઘણી સુધારા પર છે.' પત્ની કૈલાસબહેન કહે છે,'મને ઘણા લોકોએ સમજાવી કે બાળકો નાના છે અને તારી ઉંમર પણ નાની છે વળી બ્લડગૂ્રપ મેચ નથી આવતું તો કિડની આપવાનું રહેવા દે. પણ ડોક્ટર પર મને વિશ્વાસ હતો અને જીવીશું તો જોડે અને મરીશું તો જોડે એમ વિચારી કિડની આપી દીધી. એનાથી મને કોઇ તકલીફ નથી, મારા પતિની તકલીફો પણ દૂર થઇ ગઇ છે.'-ભરતભાઇ અને કૈલાસબહેન ઠાકોર, જગતપુર
સરપંચ દીકરીએ પિતાને કિડની ડોનેટ કરી
'પપ્પા અચાનક બીમાર પડી ગયાં. દિવસે દિવસે સ્થિતિ બગડતી જતી હતી. હું એમને લુનાવાડા મોટી હોસ્પિટલમાં લઇ ગઇ. એમની સોનોગ્રાફી અને અમુક ટેસ્ટ કર્યા બાદ અમને અમદાવાદ લઇ જવા ડોક્ટરે જણાવ્યું. અહીં હોસ્પિટલમાં તેમની સારવાર શરૃ કરવામાં આવી. તપાસ કરતાં ખબર પડી કે હેવી ડાયાબિટીસમાં પૂરતી કાળજી ના રાખવાને લીધે બંને કિડની ખરાબ થઇ ગઇ છે અને તેમને ડાયાલિસીસ પર રાખવામાં આવ્યાં. તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. મમ્મી નર્સ છે તેમણે કિડની આપવા કહ્યું પણ તેને પણ ડાયાબિટીસ હોવાથી તે કિડની આપી શકે એમ નહોતું. હું ઘરમાં મોટી છું અને મારાથી નાનો એક ભાઇ છે. મેં કિડની આપવાનું નક્કી કર્યું. એ વખતે મારી ઉંમર ૨૫ વર્ષ હતી,'હું કુંવારી અને છોકરીની જાત એટલે કિડની આપ્યાં બાદ મને કંઇ થઇ જાય તો?' એવું વિચારી પપ્પા મમ્મીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી, પણ હું એકની બે ન થઇ. કિડની આપી છતાં મને કોઇ તકલીફ નથી, હાલમાં ગામની સરપંચ બની છું. - હીના મોહનલાલ તાબિયાર, સંતરામપુર
કિડની લેનાર સ્ત્રી માતા ન બની શકે તે માન્યતા ખોટી છે
'હું એન્જિનિયરિંગના છેલ્લાં સેમિસ્ટરમાં હતી અને મને અશક્તિ લાગતી હતી, શરીર પર સોજા ચડી જતાં હતાં. તપાસ કરાવતા ખબર પડી કે પ્રોટીન લીકને લીધે બંને કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું છે. એક બાજુ લગ્ન થયાંને હજુ છ મહિના જ થયા હતા અને મારી ઉંમર ૨૩ વર્ષની હતી. પપ્પાએ અને મમ્મીએ બંનેએ કિડની આપવાનું નક્કી કર્યું. મમ્મીનું અને મારું બ્લડગુ્રપ મેચ ન થયું, પણ પપ્પાનું થઇ ગયું. પપ્પાના બધા રિપોર્ટ કરાવતા તેમને ડાયાબિટિશ આવ્યો. છેવટે મારા કાકા સાથે બ્લડગુ્રપ મેચ થતાં તેમણે કિડની આપી. આ વાતને છ વર્ષ થઇ ગયાં છે. તેઓ પહેલાંની જેમ બધાં કામ કરી શકે છે. સામાન્ય રીતે કિડની લેનાર વ્યક્તિને દવા લેવી પડતી હોય છે. હું પણ લઉં છું. મેં પ્રિ-પ્લાનથી દીકરાને જન્મ આપ્યો છે. તે હેલ્ધી છે અને તેને પણ છ મહિના થવા આવ્યાં છે. લોકોમાં એવી ગેરમાન્યતા છે કે કિડની લેનાર વ્યક્તિ લગ્ન ન કરી શકે અને જો લગ્ન કરી પણ લે તો એ માતા ન બની શકે. હકીકતમાં એવું નથી, હા, અમારે દવા લેવી પડતી હોવાથી પ્રિ-પ્લાન કરવામાં આવે તો કંઇ વાંધો આવતો નથી. બીજુ મારા હસબન્ડની જોબ ટ્રાન્સફરેબલ છે એ વખતે અમે અમદાવાદ હતાં અત્યારે પ્રાંતીજ છે પણ મને કોઇ તકલીફ પડતી નથી. હું સામાન્ય વ્યક્તિની જેમ નોર્મલ લાઇફ જીવું છું.- જલ્પાબહેન પટેલ, પ્રાંતિજ