માની મમતા વરસાવતા પપ્પાના પાલવ નીચે પાંગર્યા
આજે ફાધર્સ ડે ના દિવસે એવા પિતાની વાત કરીએ જેઓએ સંતાનોને માની મમતા અને પિતાના પ્રેમ આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું.
નારિયેળની કોચલી જેવું વ્યક્તિત્વ ધરાવનાર પિતા સમય આવે ત્યારે સંતાનો પર સ્નેહની સરવાણી વરસાવીને માતાની અને પિતાની એમ બેવડી ભૂમિકા ભજવી જાણે છે. એક પિતા માટે મા જેવા કુણા અને પ્રેમાળ બનીને એકલે હાથે સંતાનોને ઉછેરવા એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. આજે ફાધર્સ ડે ના દિવસે એવા પિતાની વાત કરીએ જેઓએ સંતાનોને માની મમતા અને પિતાના પ્રેમ આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું.
પિતાએ જે આપ્યું છે તેને પરત કરવું અમારા માટે અશક્ય છે
'મમ્મી એમ.જી. સાયન્સમાં પ્રોફેસર હતી, તેને નાનકડી સર્જરી કરવાની હતી, પણ ડૉક્ટરની ભૂલને કારણે અચાનક તેમનું મૃત્યુ થયું. જે અમારા માટે શોકિંગ હતું. અમે ભાઇ-બહેન અને પપ્પા ત્રણેય ભાંગી પડયા હતાં. અમે એ વખતે નાના હતાં. પપ્પાએ બિઝનેસને પડતો મૂકીને મહિનાઓ સુધી અમારી સાથેને સાથે રહ્યાં હતાં. આજે મમ્મીને ગયાને ૨૪ વર્ષ થઇ ગયાં છે પણ અમારું બોન્ડિંગ જબરદસ્ત છે.' સમાજનો વિરોધ કરી જેની સાથે લવમેરેજ કર્યા હોય તે જીવનમાંથી જ એકાએક ગેરહાજર થઇ જાય તેની પીડા હસમુખભાઇ ભોગવી ચૂક્યાં છે. તે કહે છે,'અમે આઠમા ધોરણથી એકબીજાના પરિચયમાં હતાં. અમારા બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ જોરદાર હતું. તેથી તેના ગયાં પછી બીજા લગ્ન મારા માટે શક્ય જ નહોતા. બાળકો માટે હું ઊભો થયો. તેમને માતાની ખોટ ન સાલે તેનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું. એમને મોટા કરવામાં મને ઘણી તકલીફો પડી પરંતુ આજે તે બંને મળીને મારું ખૂબ ધ્યાન રાખે છે. દિકરો અને દીકરી બંને સારી રીતે સેટ થઇ ગયા છે એનો આનંદ છે.'-પિતા હસમુખભાઇ, અમિત દેસાઇ અને દીકરી લીના શાહ (નવરંગપુરા)
દીકરાની બીમારીને ચેલેન્જ તરીકે સ્વીકારી બેવડી ભૂમિકા અદા કરતા પિતા
અમુક વખત સંજોગો એવા ઘડાતા હોય છે કે પિતાએ મા અને બાપ બંનેની ફરજ અદા કરવી પડતી હોય છે. એમાં નરેશભાઇનો સમાવેશ થાય છે. તેઓ કહે છે, 'મારે બે દિકરા છે એમાં નાના દિકરા ધીરેનને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે. ધીરેન અત્યારે ૧૯ વર્ષનો છે. તેને સ્નાન કરવાથી માંડી તેની તમામે તમામ ક્રિયા આપણે કરવી પડે છે. પત્ની સુનિતાને સિવિયર આથ્રાઇટિસ છે. તેથી તે ઇચ્છે તો પણ ધીરેનની પૂરતી કાળજી રાખી શકે એમ નથી. ધીરેનને રોજ સવારે તૈયાર કરીને પછી જ કામ પર જઉં છું. કામને લીધે ઘણી વખત મારે બહાર ગામ જવાનું થાય તો ધીરેનના ટાઇમ પ્રમાણે મારું શિડયુલ ગોઠવું છું. અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ તેથી મોટા દિકરાની અને પરિવારના દરેક સભ્યની હૂંફ મળી રહે છે. મારી ગેરહાજરીમાં તેઓ ધીરેનને અને મારી પત્નીને સાચવી લે છે. ઇશ્વરને એવું લાગ્યું હશે કે અમે તેની સારી રીતે કેર કરી શકીશું એટલે તેને અમારા ઘરે મોકલ્યો હશે. અમે તેને ચેલેન્જની જેમ સ્વીકાર્યો છે.'-નરેશભાઇ શર્મા, (વસ્ત્રાલ)
મમ્મીની તમામ ફરજ પપ્પાએ બખૂબી નિભાવી છે
'મારી વાઇફ હંસાને બ્રેસ્ટ કેન્સર હતું. અમે અનેક સર્જરી કરાવી પણ ચાર વર્ષથી વધારે તે ન જીવી શકી. એ વખતે દીકરી ૧૨ વર્ષની હતી. બીજા લગ્ન કર્યા પછી દીકરીને દુઃખ પડે તો? એવું વિચારી લગ્ન ન કર્યા. તે ભણાવામાં હોશિયાર હતી એટલે તેને જેટલું ભણવું હતું એટલું ભણવા દીધી. એની મમ્મીના ગયા પછી એ જ મારું સર્વશ્વ છે. આજે તો તેના લગ્ન થઇ ચૂક્યા છે. એના ઘરે પણ દીકરી છે.' દીકરી માટે પિતા વહાલનો દરિયો હોય છે. જે અંગે રૃચિતા કહે છે, 'પપ્પાએ મમ્મીના ગયા પછી ક્યારેય માતાની ખોટ સાલવા દીધી નથી. એક ફ્રેન્ડ તરીકે રહ્યાં છે. મારા લગ્નથી માંડી શ્રીમંત, ડિલિવરી મમ્મી હોયને કરે એ રીતે જ એમણે કર્યું છે. સાસરે આવી ગયા પછી પણ દિવસમાં એક વખત અમે વાત ન કરીએ તો ચાલતું નથી.' -પિતા ઘનશ્યામભાઇ અને દીકરી રૃચિતા પટેલ (ઘાટલોડિયા)