Updated: Feb 20th, 2023
માતૃભાષા
દિવસ
ગુજરાતના
આ સનદી અધિકારીઓ માતૃભાષામાં જ હસ્તાક્ષર કરે છે
વ્યકિતના
જીવનમાં માતૃભાષાનું આગવું મહત્વ રહેલું છે. હસ્તાક્ષર કોઇપણ વ્યકિતની હયાતી અને
ઓળખ બને છે ત્યારે તે ભાષાનું સન્માન કરવું દરેક વ્યકિતની ફરજ બને છે. કેટલાક
વર્ષોમાં માતૃભાષાને નવી પેઢી સુધી લઇ જઇને તેમને જોડીને માતૃભાષામાં હસ્તાક્ષર
કરવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. માતૃભાષા સાથે જીવનારા ઘણાં લોકોએ
પોતાના ઉચ્ચહોદ્દાએ રહીને પણ માતૃભાષામાં હસ્તાક્ષર કરીને નવયુવાનોને માતૃભાષા
સાથે જોડવાનું કામ કર્યું છે.
રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતીમાં હસ્તાક્ષર
ગાંધીજી
માતૃભાષાના સમર્થક હતા. તે માનતાં હતા કે,
જે વાત જે ભાષામાં કહેવાઈ હોય તે જ ભાષામાં બીજા લોકો સુધી પહોંચવી
જોઈએ. તો જ તેનો સાચો અર્થ સમજી શકાય.
આપણે
આપણી માતૃભાષામાં ગર્વથી બોલવું જોઈએ.
માતૃભાષામાં
જ હસ્તાક્ષર કરું છું
કોલેજમાં
અભ્યાસ કરતો હતો ત્યારે અંગ્રેજીમાં હસ્તાક્ષર કરતો હતો. માતૃભાષા મારી ઓળખ છે ત્યારે તેની સાથેનું કામયી જોડાણ
રહે તે માટે ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરવાનું પસંદ કર્યું હતું. બેંકથી લઇને
પાસપોર્ટ સહિતના બધા ડૉક્યુમેન્ટમાં ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરું છું. માતૃભાષા
પ્રત્યેનું માન તેમાં રહેલા જ્ઞાાનસાગરને શીખવા માટેનો લ્હાવો આપે છે. પરિવારમાં
મારી પત્ની અને આઠ વર્ષની દીકરી પણ ગુજરાતીમાં હસ્તાક્ષર કરે છે. અમે દિવસમાં બધા
સાથે મળીને માતૃભાષાને લઇને વિશિષ્ટ ચર્ચાઓ કરીએ છીએ. માતૃભાષાનું અને જન્મ આપનાર
માતાનું ઋણ ચૂકવવા માટે જીવન પણ ઓછું પડે છે. - ડૉ.જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી
કવિતા લખવાની પ્રેરણાથી માતૃભાષામાં તરબોળ થઇ ગયો
ઉચ્ચ અભ્યાસ અંગ્રેજી ભાષામાં કર્યો છે પણ
માતૃભાષા સાથે કાયમી જોડાયેલો રહ્યો છું. માતૃભાષાના પુસ્તકો વાંચવાના શોખના લીધે
મને ગમતા પુસ્તકોનું ખરીદી કરીને પરિવાર અને મિત્રોને આપું છું. દરેક ભાષા પ્રત્યે
માન છે. ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં પ્રભુત્વ ધરાવે છે તેને 'ગુજલીશ' કહે છે. ગુજલીશ થાય તેને ક્યારેય 'મુફલીસ' થવાનો ડર રહે નહીં. ગુજરાતી ભાષા સાથેના ઋણને લીધે હું ગુજરાતીમાં
હસ્તાક્ષર કરું છું. મને ગઝલ લખવાનો શોખ છે અને તેને લીધે ગઝલસંગ્રહ પણ લખ્યા છે.
સાહિત્યમાં આપેલ પ્રદાનને લઇને ઘણાં સાહિત્યિક એવોર્ડ મળ્યા છે. માતૃભાષાનો પ્રેમ
દરેક નિરાશાને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. - રમેશ ચૌહાણ, ક્લાસ વન અધિકારી, રેવન્યુ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ
ચેક
બુકમાં હું ગુજરાતીમાં હસ્તાક્ષર કરું છું
માતૃભાષાનું
જ્ઞાાન જીવનના દરેક તબક્કે મહત્વનો ભાગ ભજવે છે. ઓફિસમાં માતૃભાષામાં વ્યવહાર કરીએ
છીએ. માતૃભાષા વ્યકિતને કોઇના કોઇ રીતે ઉપયોગી બને છે. માતૃભાષા સાથેના અનોખો
જોડાણને લઇને હું મારી ચેક બુકમાં ગુજરાતીમાં હસ્તાક્ષર કરું છું. ઓફિસના કામકાજ
માટેના પત્ર વ્યવહાર પણ માતૃભાષામાં કરીએ છીએ. બીજા સ્ટેટ કે બહારના લોકો સાથે
જ્યારે વાતચીત કરવાની હોય ત્યારે અમે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. - અનીસ
મોહમ્મદ માંકડ, આઇએએસ, સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ અપીલ્સ
આપણા
અસ્તિત્વની ઓળખ તો માતૃભાષા જ હોય છે
સાહિત્ય
અકાદમીનું અનોખું અભિયાન 'મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં જ'
માતૃભાષાનો
બહોળો પ્રચાર થાય અને આગવી ઓળખ ઊભી થાય તે માટે તે માટે ગુજરાત સાહિત્ય અકાદમી
દ્વારા 'મારા
હસ્તાક્ષર મારી માતૃભાષા' શીર્ષક સાથે અનોખા અભિયાનની શરૂઆત
કરી કરવામાં આવી છે. આ વિશે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે
વાત કરતાં કહ્યું કે, માતૃભાષા દરેક વ્યકિતના જીવનમાં
મહત્વનો ભાગ ભજવે છે. માતૃભાષાનું જ્ઞાાન આવનારી પેઢીને મળે અને માતૃભાષામાં
હસ્તાક્ષર કરે તે માટે અમે મારા હસ્તાક્ષર મારી માતૃભાષા અભિયાનની શરૂઆત કરી છે.
આધુનિક સમયમાં અંગ્રેજી ભાષાનો ક્રેઝ વધી રહ્યો છે અને તેને લીધે 95 ટકાથી વધારે
લોકો પોતાના હસ્તાક્ષર કરતા હોય છે. આપણને અંગ્રેજી સહિતની બીજી ભાષા સાથે વાંધો
નથી પણ હસ્તાક્ષર જેવી મહત્વની બાબત માતૃભાષામાં થાય તે હેતુથી ગુજરાતી સાહિત્ય
અકાદમી દ્વારા 2022માં 'મારા હસ્તાક્ષર મારી માતૃભાષા'
શીર્ષક સાથે અભિયાનની શરૂઆત કરી છે. ગુજરાતના ગામ, નગર અને શહેરમાં આ અભિયાનને વધુને વધુ લોકોને માતૃભાષા સાથે જોડવાનું કામ
કરે છે. હસ્તાક્ષર એ વ્યકિતની હયાતીની ઓળખ છે ત્યારે વધુમાં વધુ લોકોને તેમાં
જોડવા એ મારે અમે સતત કાર્યરત છે. ગત વર્ષે 21ફેબુ્રઆરીએ અભિયાનની શરૂઆત કરી છે જેમાં અત્યાર સુધીમાં એક લાખથી વધારે
લોકોએ હસ્તાક્ષર કર્યા છે. દરેક વ્યકિતને માતૃભાષા પ્રત્યેનું માન હોય છે જેને
લીધે આ પ્રકારનું અભિયાન એક નવી જ દિશા આપવાનું કામ કરશે.
વ્યકિત
પોતાના પરિવાર અને માતૃભાષાના સહારે જીવી રહ્યો છે અને તે એક શાંતિનો અનુભવ કરાવે
છે.
આ
અભિયાનથી ઘણાં સનદી અધિકારીઓ માતૃભાષામાં હસ્તાક્ષર કરતા થયા છે
માતૃભાષાનું
જ્ઞાાન વ્યકિતને લાગણી સાથે જોડવાનું કામ કરે છે. દરેક વિચારને એક સરળ રીતે રજૂ
કરવા માતૃભાષા મહત્વનો ભાગ ભજવે છે. હસ્તાર અભિયાનને લઇને ઘણાં લોકોને જોડવાનું
કામમ કર્યું છે અને તેને સરકારના ઘણાં સનદી અધિકારીઓ પોતાના હસ્તાક્ષર પોતાની
માતૃભાષામાં કરતા થયા છે જે અમારા માટે ગર્વની વાત છે. હસ્તાક્ષરને લઇને અમે ગીત
તૈયાર કર્યું છે અને તેનાથી માતૃભાષાનો બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં ઉપયોગી બની
રહ્યું છે.
આ
સવાયા ગુજરાતી, જે વ્યવહારે ગુજરાતી બન્યા છે
દરેક
વ્યકિતને પોતાની માતૃભાષા સાથેનો અનોખો સંબંધ હોય છે. એક જ સ્થળે ઘણાં વર્ષો સુધી
કોઇ પ્રદેશમાં રહેતા હોવાથી તેઓ સ્થાનિક ભાષા શીખવી જરૃરી બને છે ત્યારે સરકારના
વિવિધ વિભાગમાં સેવા આપતા અધિકારીઓએ ગુજરાતી ભાષાને ઊંડાણપૂર્વક શીખીને તેમાં ઘણું
સાહિત્યસર્જન કર્યું છે. ગુજરાતી ભાષા શીખીને તેઓ સવાયા ગુજરાતીઓ બન્યા છે.
ગુજરાતીમાં
શીખ્યો અને ગીત પણ લખું છું
હું
મૂળ રાજસ્થાનનો છું અને હિન્દી મારી માતૃભાષા છે. ગુજરાતમાં સેવા આપી રહ્યો છે
જેને લીધે ગુજરાતી શીખવાની ઇચ્છા થઇ હતી. મારી ડયુટી પછીના સમયમાં ગુજરાતી ભાષા
શીખી અને તેને લીધે આજે હું ગુજરાતીમાં ગીત લખું છું. ગુજરાતી ભાષા શીખ્યા પછી
જાણીતા કવિઓની બુક્સ વાંચી રહ્યો છું. મારી ઓફિસમાં આવતા દરેક ગુજરાતી લોકો સાથે
ગુજરાતીમાં વાત કરું છું. આવનારા સમયમાં પણ ગુજરાતી ભાષામાં વધુ સારી પકડ મેળવીને
સાહિત્યસર્જનમાં પ્રદાન કરવાની ઇચ્છા છે. - ડૉ.મનીષકુમાર બંસલ, આઇએએસ, રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ
પાંચ
મિત્રોનો માતૃભાષા પ્રેમ - સાહિત્યને લોકો સુધી પહોંચાડયું
આર્ટિફિશિયલ
ઈન્ટેલિજન્સનાં સમયમાં અત્યારે જાણે લોકોએ પુસ્તકો વાંચવાનું જ બંધ કરી દીધું છે.
દરેક વ્યક્તિને પોતાના સવાલનો જવાબ એક ક્લિક માત્રથી મળી જાય છે અને તેના લીધે
લાઈબ્રેરીનાં પગથિયાં ચડવાની તસ્દી કોઈ લેતું નથી. આવા સમયમાં પાંચ મિત્ર એ એક
અનોખી શરૂઆત કરી છે, જેમાં તે લોકોને વિનામૂલ્યે પુસ્તક વાંચવા માટે આપે છે. ગવર્નમેન્ટ કોમર્સ
કોલેજમાં અભ્યાસ કરતાં હર્ષ અને તેના ચાર મિત્રો જયેશ, નિલેશ,
તીર્થ અને દર્શિલે 'વાંચે વિશ્વ પુસ્તક પરબ'
શરૂ કરી છે. તેઓ દર રવિવારે પૂર્વ વિસ્તારના સરદાર ચોક, કૃષ્ણનગર ખાતે પુસ્તક પરબનું આયોજન કરે છે, જેમાં
કોઈપણ વ્યક્તિ ગમતું પુસ્તક વાંચવા લઈ જઈ શકે અને વાંચ્યા પછી તેને પરત કરવાનું
હોય છે.
આ
વિશે હર્ષ પટેલ કહે છે કે,
'અત્યારે લોકોમાં વાંચનનું પ્રમાણ ઘટયું છે પરિણામે ગુજરાતી ભાષાનું
સ્તર પણ ઓછું થયું છે. અમારી આ પુસ્તક પરબમાં જેમ જેમ લોકો જોડાતાં ગયાં તેમ ઘણા
વાચકોએ પણ પોતાનાં પુસ્તકો દાન કરવાનું શરૂ કર્યું અને આજે અમારી પાસે 2000થી વધુ
પુસ્તકો છે જેમાં નવલકથા, આત્મકથા, નાની
વાર્તા વગેરે ઘણા પ્રકારનાં પુસ્તકો છે.'
સદા સૌમ્ય
શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી - ઉમાશંકર જોશી
ભાષા-સાહિત્ય
ભવનમાં માતૃભાષામાં લખાયેલા પુસ્તકોનું રસદર્શન કરાવાની અનોખી પહેલ
આજે
21 ફેબુ્રઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ અને આપણી માતૃભાષા એટલે વૈભવશાળી ગુજરાતી.
કવિ નર્મદે કહ્યું હતું કે,
'મને ફાંકડુ અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી
આવડવાનો ગર્વ છે.' અત્યારે જ્યારે લોકો અંગ્રેજી ભાષા પાછળ
ઘેલા થયા છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીનાં ભાષા ભવનમાં માસ્ટર્સ અને પીએચ.ડી.
સ્કોલર દ્વારા એક અનોખી શ્રેણી શરૂ કરવામાં આવી છે, આ 'સામ્પ્રત સાહિત્યવિમર્શ શ્રેણી' નામની આ શ્રેણીમાં
વિદ્યાર્થી સ્વેચ્છાએ પોતાને ગમતી બૂક પસંદ કરી તેને વાંચી અને તેનો આસ્વાદ અન્ય
વિદ્યાર્થીઓને કરાવે છે.
આ
વિશે સમિતિના સભ્ય હેમિલ બિહોલા કહે છે કે,
'કોરોના સમયે વિદ્યાર્થીઓ કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહે તે માટે
અમારા અધ્યાપકોએ કોઈ પ્રવૃત્તિ કરવાનું સૂચન કર્યું હતું. કોરોનાના સમયમાં અમે આ
પ્રવૃત્તિ ઓનલાઈન કરી હતી ત્યારબાદ કોલેજ શરૂ થતાં હવે સમયાંતરે અમે આ શ્રેણી
અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરીએ છીએ. આ શ્રેણી અંતર્ગત અમે ત્રણ પ્રકારના સાહિત્ય
રજૂ કરીએ છીએ, જેમાં સાંપ્રત ગુજરાતી, ભારતીય
સાહિત્ય (ભારતની કોઈપણ ભાષામાં લખાયેલ અને ગુજરાતીમાં અનુવાદિત સાહિત્ય), વિશ્વ સાહિત્ય (વિશ્વની કોઈપણ ભાષામાં લખાયેલા અને ગુજરાતીમાં અનુવાદિત
સાહિત્ય)નો સમાવેશ કરવામાં આવે છે. દરેક વ્યાખ્યાનમાં કોઈ એક પ્રકારનાં સાહિત્યના
પુસ્તકોનું રસદર્શન કરાવવામાં આવે છે. મેં વર્ષા અડાલજાની મંદોદરી પુસ્તકનો રિવ્યૂ
કર્યો હતો.'