Get The App

દિવ્યાંગ કન્યાઓના જીવનમાં 'કુસુમ'ની મહેંક

વસ્ત્રાપુરમાં રહેતા અનંતભાઇ અને કુસુમબહેન શિક્ષણરૂપી જ્ઞાાન દીપકથી અંધજનમંડળની કન્યાઓના જીવનમાં અજવાળાં પાથર્યા છે

Updated: Nov 28th, 2019

GS TEAM

Google News
Google News
દિવ્યાંગ કન્યાઓના જીવનમાં 'કુસુમ'ની મહેંક 1 - image

વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા કુસુમબહેન પંડયા સ્કૂલમાં શિક્ષિકા હતા. તેથી બાળકોની વચ્ચે રહેવું તેમને ગમતું હતું. તેઓ નિવૃત્ત થયા એ દરમિયાન પોતાના બંને સંતાનો લગ્ન કરી વિદેશ સેટ થયાં. તેથી કુસુમબહેન બાળકોથી અલગ થઇ ગયાં. હવે કરવું તો શું કરવું? એવો વિચાર મનમાં આવતો અને તેમણે એક રૃમ ભાડે રાખી બાળકોને વિનામૂલ્ય શિક્ષણ આપવાનું શરૃ કરવાનું વિચાર્યું. જેથી ફરી બાળકોની વચ્ચે જીવનને જીવંત બનાવી શકાય. એ દરમિયાન એક સંબંધી દ્વારા તેઓ વસ્ત્રાપુરના અંધજન મંડળના સંપર્કમાં આવ્યાં અને આ બાળકોને મદદરૃપ થવાનું વિચાર્યું. જે અંગે કુસુમબહેન કહે છે, 'પ્રિન્સિપાલ સાથે મળીને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે રિડિંગ કરવાનું શરૃ કર્યું. તેમની સામે કેવી રીતે રિડિંગ કરવું, સમજાવવું આ બધામાં સેટ થવામાં સ્કૂલમાં ટિચર હતી એટલે બે દિવસ લાગ્યા.આજે ક્યારે બે દાયકા પુરા થઇ ગયાં એની ખબર ના પડી.'

સાત દાયકા વટાવી ચૂકેલા કુસુમબહેને સવારે મળવું હોય તો અંધજન મંડળ જવું પડે. એ આઠ વાગ્યા પછી ત્યાં જ મળે. ગુજરાતી, સંસ્કૃત, સમાજશા, ઇકોનોમી જેવા વિષયનું જ્ઞાાન પીરસ્તા કુસુમબહેન કહે છે, 'આ વિદ્યાર્થીઓ અંધ હોવા છતાં તેમની યાદશક્તિ, અવાજ પારખવાની અને સુંઘવાની શક્તિ ગજબની હોય છે. તેઓ એટલા પ્રેમાળ અને લાગણીશીલ હોય છે કે જે દિવસે તેમને મળવાનું ન થાય ત્યારે ચેન પડતું નથી. અંધ બહેનો અથવા તો જેમની આંખનું વિઝન ઓછું થઇ ગયું છે એવી બહેનો માટે આ જ કેમ્પસમાં મહિલા મંડળ ચાલે છે. આ બહેનો જાતજાતની વસ્તુઓ બનાવે છે આ ઉપરાંત ગરબા, સંગીત વગેરેનો પ્રોગ્રામ પણ આપવા જાય છે. એ વખતે અમારા જેવી વોલેન્ટરી બહેનો તેમને તકલીફ ન પડે માટે તેમની સાથે રહે છે. એમાં અઠવાડિયામાં બે દિવસ જઇને ટ્રેઇનરની સાથે તેમને વિવિધ પ્રકારની એક્ટિવિટી કરાવું છું.

મંદબુદ્ધિના બાળકો લાગણીશીલ હોય છે, તેમની સાથે સામાન્ય બાળકોની સરખામણીએ ખૂબ ધીરજથી કામ લેવું પડે છે.'આ દંપતીની સવારથી શરૃ થતી વિવિધ પ્રવૃત્તિઓ છેક સાંજ સુધી ચાલે છે. તેઓ કહે છે, 'દરેક ઉંમરના અલગ અલગ પડાવ હોય છે. એમાં જીવનનો આનંદ લૂંટવાનો હોય છે. તેથી સમયનો સદ્ઉપયોગ કરી તન અને મનને વ્યસ્ત રાખવામાં આવે તો નિવૃત્તિ પછી પણ તંદુરસ્ત અને આનંદ ભર્યું જીવન જીવી શકાય છે.'

શરીર સાથ આપશે ત્યાં સુધી પ્રવૃત્ત રહીશ

'સંસારમાં ડૂબેલી હતી ત્યાં સુધી સોશિયલ એક્ટિવિટી કરવાનો મને વિચાર નહોતો આવ્યો પણ નિવૃત્ત થયા બાદ સવારે યોગ કરવાથી શરૃ કરીને સાંજ સુધી એક પછી એક અલગ અલગ સોશિયલ એક્ટિવિટીમાં બિઝી રહું છું. સામાજિક પ્રવૃત્તિ દ્વારા પ્રવૃત્ત રહેવામાં ઉંમરના હિસાબે ફિઝિકલી થોડો થાક લાગે છે પરંતુ તેનાથી રાત્રે સરસ ઊંઘ આવી જાય છે. અને મેન્ટલી જે આનંદ આવે છે એ અવર્ણનીય છે. જ્યાં સુધી મારું શરીર ચાલશે ત્યાં સુધી હું આ રીતે પ્રવૃત્ત રહીશ.' - કુસુમબહેન પંડયા, ૭૨ વર્ષ

હું સાયન્સ, કોર્મસના વિષયો ભણાવું છું

'મારી વાઇફ અંધજન મંડળમાં નિયમિત જતી, જ્યારે તેની તબીયત સારી ન હોય ત્યારે એના બદલે મને મોકલતી. સાચું કહું તો હું એક વકીલ હોવાથી મને ભણાવવાના કામમાં ખૂબ જ કંટાળો આવતો, એટલે તેના કહેવાથી પરાણે જતો. પછી તો ધીરે ધીરે મને આત્મસંતોષ થવા લાગ્યો અને મેં સાયન્સ, કોમર્સના વિષયોમાં રિડિંગ કરવાનું શરૃ કર્યું. છેલ્લા દસ વર્ષથી અમે પતિ-પત્ની સાથે જઇએ છીએ. સમાજમાંથી આપણને ઘણું મળ્યું છે તો રિટાયર્ડ થયા પછીનો સમય એવો છે, જેમાં  સમાજને પરત કરી શકાય. એ માટે જેમાં રસ પડે એવી કોઇપણ સોશિયલ એક્ટિવિટી કરવી જોઇએ. એનાથી છેલ્લાં શ્વાસ સુધી કંઇક કર્યાનો સંતોષ થશે.' - અનંત પંડયા, ૭૯ વર્ષ   


Tags :