Get The App

'કોરોના વોરિયર્સ'નો ખરો સંઘર્ષ ઘરે આવીને શરૂ થાય છે

Updated: May 6th, 2020

GS TEAM

Google News
Google News

ભયંકર કોરોના વાઇરસને જડમૂળથી નાબૂદ કરવા તેની સામે જંગ લડી રહેલા રિયલ લાઇફ હીરો સામે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. પોતાના જીવના જોખમે રાત-દિવસ જોયા વગર કામ કરી રહેલા ડૉક્ટર્સ ખરા અર્થમાં હીરો છે. ઘરવાળા ઇચ્છે છે કે, તેઓ પોતાનો જીવ બચાવે , પોતાની ચિંતા કરે અને ઘરમાં જ રહે પરંતુ તેઓ આવું નથી કરી શકતા કારણ કે, આવી સંકટની સ્થિતિમાં તેઓ પોતાની જવાબદારી સામે તેઓને કંઇજ દેખાઇ નથી રહ્યું. આ કોરોના વોરિયર્સ બહાર તો જંગ લડી જ રહ્યા છે પરંતુ તેમનો ખરો સંઘર્ષ તેમના ઘરે આવીને શરુ થાય છે. મહિલા ડૉક્ટરને તેના બાળકો જીદ કરીને પાકીટ પકડી લે છે કે મમ્મી તું ન જઇશ, તને કોરોના થઇ જશે અને બાળકોને ઘરે રોતા મૂકીને મહિલા ડૉક્ટર કઠણ કાળજે પોતાનું કામ બખૂબી નિભાવી રહી છે આવી જ રીતે કોરોના સાથે લડતા લડતા એક પિતા અને એક પતિ છેલ્લાં કેટલાય દિવસોથી તેની પત્ની અને બાળકોની નજીક નથી જઇ શકતો તેઓ સ્વસ્થ રહે તે માટે અંતર જાણવી રાખે છે અને માત્ર ઇશારાથી જ વાતો કરે છે ડૉક્ટરોના ઘરના આ દ્રશ્યો ખરેખર હચમચાવી નાખે તેવા છે.

 મિત્ર ડૉક્ટરને પોઝિટિવ આવતાં જાતે હોમ આઇસોલેટ થયો છું, 8 વર્ષની દીકરી ભેટવા રડતી હોય છતાં ૨૦ દિવસથી મળ્યો નથી: ડૉ. દિપક મિશ્રા, મેડિકલ ઓફિસર, નારણપુરા

 'કોરોના વોરિયર્સ'નો ખરો સંઘર્ષ ઘરે આવીને શરૂ થાય છે 1 - image

ઠક્કરબાપા નગરમાં ડોર ટુ ડોર હાઉસ સર્વે કરતા અને કોરોના પોઝિટિવના સેમ્પલ લેતા મેડિકલ ડૉ. દિપક મિશ્રા અત્યારે ૧૨ કોરોના પોઝિટિવ દર્દીનો ઇલાજ કરી રહ્યા છે બપોર પછી તેઓ પાલડી કંટ્રોલ રૃમ પર પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓ કોરોનાના લક્ષણ ધરાવનાર પેશન્ટ ક્યોર થાય અને બીજાને ઇન્ફેક્શન સ્પ્રેડ ન કરે તે માટે સખત કામ કરી રહ્યા છે. આ અંગે વાત કરતા ડૉ. દિપક મિશ્રાએ કહ્યું કે, અમે એક સાથે ઘણા યુદ્ધ લડી રહ્યા છે છતા પણ અમે તૂટયા કે હાર્યા નથી.

પિતાને લંગ ડિસીસ છે એટલે મહિનાથી તેમના રૃમમાં ગયો નથી અને 20 દિવસથી દીકરીને રમાડી નથી

મારા પરિવારમાં ચાર સિનિયર સિટીઝન, પત્ની અને દીકરી સાથે હું રહું છું. મારી સાથે જે ડૉક્ટર મિત્ર હતા જેમની સાથે હું નિયમિત ઉઠતો બેસતો કામ કરતો તેમને કોરોના પોઝિટિવ આવતા જ મેં સમજીને મારી જાતને સેલ્ફ આઇસોલેટ કરી લીધો છે. ટુ બીએચકેમાં જ સાત સભ્યો રહીએ છીએ અને તેમાં પણ હું એક રૃમમાં સેલ્ફ આઇસોલેટ થયો એટલે તકલીફ પડે છે. ઘરમાં મારા પિતા લંગ  ડિસીસથી પીડાય છે. જો કોરોનાની અસર તેમના પર થાય તો આવા રોગવાળી વ્યક્તિ જલ્દી રિકવર થઇ શકતી નથી તેથી છેલ્લાં એક મહિનાથી મારા પિતાને મળવા નથી ગયો તેમના રૃમમાં પગ નથી મૂક્યો. મારી 8 વર્ષની દીકરી મારા વગર રહેવા ટેવાયેલી જ નથી. આખો દિવસ પપ્પા...પપ્પા.. પરંતુ પરિસ્થિતિ એવી છે કે આા સમયમાં પણ હું રાત્રે ઘરે જવું એટલે જાતે મારા કપડાં ધોવું, વાસણ ઘસું અને તરત રૃમમાં પૂરાઇ જઉં. આખો દિવસ તે મારી રાહ જોતી હોય, તે મારી સામે રોતી-કકળતી હોય છતા હું તેને છેલ્લા 20 દિવસથી દૂરથી જ જોઇ શકું છું આ સૌથી કરુણ પરિસ્થિતિ છે જે કોઇને કહી પણ ન શકાય.

દર્દીઓ જ સહકાર નથી આપતા, દર્દીએ ઝઘડો કર્યો કે 'ક્વૉરન્ટાઇનનું સ્ટિકર પણ નહીં મારવા દઇએ નીકળો અહીંથી'

હાલ કોરોના વાઇરસ ભારતમાં કોમ્યુનિટી સ્ટેજમાં પહોંચ્યું છે એવામાં નવી ગાઇડલાઇન પ્રમાણે જે લોકોને કોરોના વાઇરસના લક્ષણો ન દેખાતા હોય પણ કોરોના પોઝિટિવ હોય તેવા લોકોને હોમ આઇસોલેટ કરવાના છે એવામાં આટલા દિવસ થયા છતા લોકોમાં હજુ અવેરનેસ નથી આવી. લોકોને ઘરમાં રહેવું જ નથી, કેટકેટલું સમજાવવા છતા તેઓ ઘરની બહાર નીકળી જાય છે કાલની જ વાત છે કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વૉરન્ટાઇન કરવા ગયા તો પેશન્ટે ઝઘડો કર્યો કે ક્વૉરન્ટાઇનનું સ્ટીકર પણ નહીં મારવા દઇએ નીકળો અહીંથી, પોલીસે આવી પરિસ્થિતિ સાચવી લીધી. આ સાથે ઘણી જગ્યાએ એવું પણ થાય છે કે કોઇ એક વ્યક્તિને હોમ ક્વૉરન્ટાઇન કરવાની હોય પણ માત્ર એક રૃમ રસોડાના ઘરમાં 6-7 સભ્યો રહેતા હોય એવામાં અમારે તેમની સિવિલ ખસેડવા પડે છે. આ સાથે સાથે હેન્ડવૉશ ટેકનિક, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ, વિટામીન એ, સી અને ડી મળે તેવા ફ્ટ ખાવાનું કહીને અવેરનેસ લાવી રહ્યા છે.

 ડૉક્ટર માતાએ સાત વર્ષના પુત્રને કહ્યું, તને કોરોના થશે તો સિવિલમાં એકલા રહેવું પડશે, મમ્મી સાથે નહીં આવે : ડૉ. બિંદિયા પટેલ, નરોડા અર્બન હેલ્થ સેન્ટર

 'કોરોના વોરિયર્સ'નો ખરો સંઘર્ષ ઘરે આવીને શરૂ થાય છે 2 - image

મમ્મીથી દૂર ન થવાય તે માટે દિકરો એક મહિનાથી માતાને દૂરથી જ જુએ છે

નરોડા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડૉ. બિંદિયા પટેલ છેલ્લાં બે મહિનાથી કોરોના સામે બાથ ભીડી રહ્યા છે. નરોડા વિસ્તારમાં કોરોના પોઝિટિવના જે પણ વ્યક્તિ નોંધાય તેમની સમસ્યા સમજી તેમને હોસ્પિટલાઇઝ કરવા અને ૧૪ દિવસ સુધી તેમની ખબર રાખી સતત રિપોર્ટ કરાવતા રહેવાનું કામ કરી રહ્યા છે આ ઉપરાંત દરેક વ્યક્તિને વ્યક્તિગત મળીને તેને અવેર કરવાનું કામ કરી રહ્યા છે.ડૉ. બિંદિયા પટેલે કહ્યું કે, હું છેલ્લા 12 વર્ષથી નરોડા વિસ્તારમાં જ કામ કરી રહી છું એટલે આ વિસ્તાર અને અહીંના લોકોથી વાકેફ છું એટલે વધારે વાંધો નથી આવતો અત્યારે ડોર ટુ ડોર સેમ્પલિંગની સાથે ઓપીડી અને સ્લમ એરિયામાંથી પોઝિટિવ કેસ શોધવાનું કામ ચાલુ છે.  પહેલાં સવારના 8થી રાત્રે10 વાગ્યા સુધી કામ ચાલતું હતું પણ હવે કામ સાથે યુઝ ટુ થઇ ગયા છીએ એટલે સાંજે 8 વાગ્યે નીકળી શકીએ છીએ.

મારા બે બાળકો અત્યારે મને સાચવી રહ્યા છે

અમે ઘરમાં પાંચ સભ્યો રહીએ છીએ. મમ્મી, મારા હસબન્ડ કે જેઓ પેથોલોજિસ્ટ છે અને મારા બે બાળકો જેમાં દિકરો સાત વર્ષનો અને દીકરી 12 વર્ષની છે. અત્યાર સુધી હું મારા બાળકોને સાચવતી હતી પણ અત્યારે મારા બાળકો મને સાચવી રહ્યા છે. હું ગાડીમાંથી ઉતરું એટલે મારી મોબાઇલ અને ચાવી સહિતની તમામ વસ્તુઓને સેનિટાઇઝ કરીને ઘરની બહાર એક બોક્સ મૂકેલું હોય તેમાં પાકીટ, પૈસા, ચાવી બધું જ બહાર જ એ બોક્સમાં મૂકી દઉં છું. ઘરમાં એન્ટર કરું એ પહેલાં મારા બાળકો બધી જ તૈયારી કરીને રાખે છે મારું પાણી ગરમ મૂકી દે, બાથરૃમમાં કપડાં મૂકી દે, બારી બારણા ખોલી નાખે જેથી મારે ક્યાંય અડવાનું ન રહે. નાહીને સ્ટીમ લીધા પછી જ ઘરમાં બીજે અડું છું. શરુઆતના 25-30 દિવસ ખૂબ તકલીફ પડી કારણ કે દીકરી મોટી છે એટલે તે સમજે પરંતુ દિકરો સાત વર્ષનો છે એટલે તે મને જોઇને તરત દોડતો ભેટવા આવે તેને સમજાવવું અઘરું પડી ગયું હતું પછી મેં તેને કહ્યું કે કોરોના વાઇરસ જેને લાગી જાય તેની પાસે કોઇ જતું નથી, તું મને અડીશ અને તને કોરોના થશે તો તારે સિવિલમાં એકલા રહેવું પડશે, મમ્મી સાથે નહીં આવે. એ દિવસે દિકરાએ આંખમાં ઝળઝળીયા સાથે કહ્યું, સારું તને નહીં અડુ પણ તને રોજ જોઇ તો શકીશ.. એ દિવસથી મમ્મીથી દૂર ન થવાય તે માટે મારા બાળકો મને એક મહિનાથી દૂરથી જ જુએ છે.

Tags :