આ નાટક શિક્ષણ વ્યવસ્થા પર છે કે શિક્ષણ વ્યવસ્થા જ એક નાટક??
જીએલએસઆઇસીની થિયેટર ક્લબ ખૂબ જાણીતી છે. જીએલએસઆઇસીના ફ્રેશર્સ અને સિનિયરો દ્વારા જીએલએસ ઓડિટોરીયમ ખાતે એક રમુજથી ભરેલ અને કટાક્ષપૂર્ણ નાટક 'રિફંડ' રજૂ કરાયું હતું. નાટકમાં ૧૫થી વધારે કલાકારે કામ કર્યું છે અને તેમની નાટય અને સંચાલન કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. નાટકમાં શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કરાયો છે અને શિક્ષણને આજે એક રમત બનાવીને અમુક સમયે આ ક્ષેત્રમાં સમાધાનકારી ગુણવત્તા ઉત્પન્ન કરવા કેવી રીતે અરાજકતા અને અર્થવ્યવસ્થા ઊભી થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
'રિફંડ' નાટક વિશે
નાટકની શરૃઆત એક એવા વ્યક્તિથી થાય છે કે જે છેલ્લા ૧૫ વર્ષથી સારી નોકરીની શોધમાં છે પરંતુ તેને નોકરી મળતી નથી ઘણી મહેનત કરવા છતાં પણ તે નોકરીમાં ક્યાય ટકી શકતો નથી તેનું એક કારણ એ પણ છે કે તે સ્કૂલ અને કોલેજમાં જે શીખ્યો છે નોકરીમાં કોઇ પણ જગ્યાએ તે વિષયને લગતું કોઇ કામ હોતુ જ નથી. તે વ્યક્તિ એટલો કંટાળી જાય છે કે ૧૫ વર્ષ પછી તે પાછો તેની સ્કૂલે જાય છે અને ત્યાં જઇને તેના પ્રિન્સિપાલ અને શિક્ષકને કહે છે કે મેં ભણવાના જે પૈસા ચૂકવ્યા હતા મને તેનું 'રિફંડ' આપો. સ્કૂલનો આ સીન ખૂબ રમુજ ઊભું કરે છે પરંતુ શિક્ષકોએ સાથે મળીને નક્કી કરે છે કે કંઇ પણ થાય પરંતુ આ વિદ્યાર્થીને રિફંડના એક પણ પૈસા નથી આપવો આ માટે તેવો તેની પરીક્ષા લે છે અને બધા જ સવાલોના જવાબ ખોટા આપવા છતા શિક્ષકો તેને પાસ કરવા મથે છે. અંતે શિક્ષણ વ્યવસ્થાની જીત થાય છે અને વિદ્યાર્થીને રિફંડ મળતું નથી અને વિલા મોંએ પાછું ફરવું પડે છે. પાછા ફરતા તે દર્શકોને પ્રશ્ન પૂછે છે કે આ નાટક શિક્ષણ વ્યવસ્થા પર છે કે શિક્ષણ વ્યવસ્થા જ એક નાટક?? આ પ્રશ્ન પર દર્શકો વિચારતા રહી જાય છે.