માતા ટિફિન સર્વિસનું કામ કરે છે જ્યારે પિતા ત્રણ દીકરીને ભણાવવા રોજના 17 કલાક ગાડી ચલાવે છે
10th RESULT- ફરજાનાબાનુની એક દીકરી સીએ, બીજી ફેશન ડિઝાઈનર છે અને ત્રીજી ડૉક્ટર બનવા માગે છે
'મે સ્કૂલનો ઝાંપો પણ જોયો નથી અને મારા પતિ પાંચમું ધોરણ પાસ છે એટલે અમારા જેવી જીંદગી અમારી દીકરીઓ ના જીવે તે માટે રોજ એક જ સપનું જોઇએ છીએ કે દીકરીઓ ખુબ ભણે અને તેમનું નામ રોશન કરે' આ શબ્દો છે લોકોના ઘરના ટીફીન બનાવતી ફરજાનાબાનુના. એફ.ડી. હાઇસ્કૂલમાં ભણતી અને જુહાપુરા ખાતે રહેતી નાયમા ખાન બોર્ડની પરીક્ષામાં ૯૯.૪૧ પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થઇ છે અને આ પ્રસંગે નાયમાની માતા ફરજાનાબાનુ અને પિતા યુસુફ ખાનના હૈયે હરખ સમાતો નથી. તેમની ત્રણેય દીકરીઓએ જાણે માતા-પિતાને ગરીબીમાંથી બહાર લાવવા જ છે અને એક સારુ જીવન આપવું છે તેવો દ્રઢ નિશ્ચય કરી જ લીધો છે. યુસુફ ખાનની સૌથી મોટી દીકરી નગમા સીએમાં ઓલઓવર ફર્સ્ટ આવી છે જ્યારે તેનાથી નાની દીકરી નાફિયા ફેશન ડિઝાઇનર થઇ ગઇ છે અને બન્ને બહેનોની સાથે ખભેથી ખભો મિલાવી આગળ વધવામાં નાયમાએ પણ પીછેહઠ કરી નથી. તેણીએ પણ બોર્ડની આ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ સાથે ઉતિર્ણ થઇ માતા-પિતાનું માન વધાર્યું છે. આ અંગે નાયમાએ કહ્યું કે, મારા પિતા ડ્રાઇવર તરીકે કામ કરે છે અને માતા ટિફિન બનાવીને ઘર ચલાવે છે પરંતુ તેઓએ અમારા ભણતરમાં ક્યારેય કચાશ રાખી નથી. માતા બિલકુલ ભણ્યા જ નથી અને પિતા ખૂબ જ ઓછું ભણ્યા છે એટલે તેમનું પહેલેથી સપનું છે કે અમારી દીકરીઓ ખુબ ભણે અને તેમનું સપનું સાકાર કરવા માટે અમે ત્રણેય બહેનોએ ખુબ મહેનત કરી છે. હું દિવસના ૮ થી ૧૦ કલાકની મહેનત કરતી અને ઉંઘ આવે ત્યારે મેથ્સ જેવો વિષય પકડતી. મેં ધાર્યું હતું એટલું પરિણામ આવ્યું છે અને હવે આગળ સાયન્સ લઇ ડૉક્ટર બનવાનો ગોલ સેટ કર્યો છે.
સંબંધીઓ કહેતા, દીકરીઓને તો પરણાવવાની જ છે, તો તેમના અભ્યાસ પાછળ આટલો ખર્ચ કેમ કરવાનો ?
અત્યારે હું અને નાયમાની માતા જેટલી પણ મહેનત કરીએ છીએ તે બધુ જ દીકરીઓને ભણાવવા માટે જ છે આજે તેઓ ભણશે તો તેમનું જીવન સુધરશે. અમે ભણ્યા નથી તો મોબાઇલ વાપરતા પણ નથી આવડતો એટલે કોઇની સાથે વાત કરવી હોય તો તેના માટે પણ ઓશિયાળા રહેવું પડે છે. આવું તેમની સાથે ન થાય એટલે આ જ સમય છે માતા-પિતાએ મહેનત કરવી જ પડશે. મારી ત્રણેય દીકરીઓ ભણવામાં ખુબ જ હોશિયાર છે એટલે દિવસની ૧૬-૧૭ કલાક ગાડી ચલાવીને પણ હું તેમને ભણવા માટે પૈસા ભેગા કરું છું. આવા સમયે મારા ઘણા સંબંધીઓ કહે છે કે, દીકરીઓને પરણાવવાની જ છે, તો તેની પાછળ આટલો ખર્ચો કેમ કરવાનો? પણ અમે બધા સામે સંઘર્ષ કરીને દિકરીઓને ભણાવી છે. - યુસુફ ખાન
પિતાની ફ્રુટની લારી પર બેસીને વાંચતી ઉમાદેવી 94%એ ઉત્તીર્ણ
હાટકેશ્વર સર્કલ, ખોખરા ખાતે રોડ ઉપર કેળાની લારી દ્વારા રોજગારી મેળવતા શ્યામ સુંદરભાઇની દિકરી ઉમાદેવી પ્રજાપતિ અત્યંત ગરીબ પરિવારમાંથી આવવા છતાં તેણે ધોરણ ૧૦માં ઝળહળતી સફળતા મેળવી છે. રાષ્ટ્રભારતી સ્કૂલમાં અભ્યાસ કરતી ઉમાદેવીએ ૯૪ ટકા ગુણ અને ૯૯.૩૭ પર્સનટાઇલ ગુણ મેળવી નબળી આર્થિક ૫રિસ્થિતિ અભ્યાસ અને આવડતમાં નડતરરૂપ નથી તે સાબિત કરી બતાવ્યું છે. આ અંગે વાત કરતા ઉમાદેવીએ કહ્યું કે, મારે ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારીઓ કરવાની હતી અને આ જ વર્ષમાં મારા દાદાની કિડની ખરાબ થઇ જવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. આ સમયે પપ્પાની લારીને ચલાવવાની સાથે સાથે વાંચવાનું પણ હતું એટલે ઘણી વખત હું લારી પર જ બેસીને વાંચતી હતી જેથી પિતાને મદદ પણ કરી શકું. હવે મારે સાયન્સ લઇ ડૉક્ટર બનવું છે.-ઉમાદેવી રાષ્ટ્રભારતી સ્કૂલ