Get The App

અનાજનો બગાડ અટકે અને ભૂખ્યાંને ભોજન મળે તે હેતુથી વાસણાના શાંતિ ટાવરના રહીશોએ આંગણામાં મૂક્યું 'હેપ્પી ફ્રિજ'

અન્નનો બગાડ અટકાવવા વાસણામાં આવેલા શાંતિ ટાવર્સના રહિશોએ અનોખું અભિયાન હાથ ધર્યું

Updated: Feb 27th, 2020

GS TEAM

Google News
Google News
અનાજનો બગાડ અટકે અને ભૂખ્યાંને ભોજન મળે તે હેતુથી વાસણાના શાંતિ ટાવરના રહીશોએ આંગણામાં મૂક્યું 'હેપ્પી ફ્રિજ' 1 - image

ઘરમાં વધેલું જમવાનું બગડી જાય છે અથવા કચરામાં નાંખવું પડે છે તેવી સ્થિતિમાં અન્નનો બગાડ અટકાવવા વાસણામાં આવેલા શાંતિ ટાવર્સના રહિશોએ અનોખું અભિયાન હાથ ધર્યું છે. ૧૦ માળના શાંતિ ટાવર્સમાં કુલ ૮૦ ફ્લેટ છે. સોસાયટીની બહાર મહાશિવરાત્રિના દિવસે 'હેપ્પી ફ્રિજ' મૂકવામાં આવ્યું છે. આ ફ્રિજ સાર્વજનિક છે. એમાં કોઇપણ વ્યક્તિ પોતાના ઘરમાં બચેલા ખાદ્ય પદાર્થોને પેપર, કે ડબ્બામાં પેક કરી ફ્રિજમાં મૂકી શકે છે. જે વ્યક્તિને ભૂખ લાગી હોય, એ પછી શ્રમજીવી હોય કે ગરીબ તે જાતે ફ્રિજ ખોલી એમાંથી જોઇતી વસ્તુ લઇને પોતાની ભૂખ સંતોષી શકે છે. સવારે સાડા પાંચથી રાતના ૧૨ વાગ્યા સુધી ફ્રિજને ખુલ્લું રાખવામાં આવે છે. હેપ્પી ફ્રિજ પાસે સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, બગડી ગયેલી કોઇપણ વસ્તુ ફ્રિજમાં મૂકવી નહીં. તેમના આ નવતર પ્રયોગને ગણ્યાં ગાઠયાં દિવસો થયા હોવા છતાં બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 

રહિશોના સહકારથી આ કોન્સેપ્ટને અપનાવી શક્યા

'અમારી સોસાયટીમાં ૨૪ કલાકની સિક્યોરિટી અને કેમેરા હોવાથી ફીડિંગ ઇન્ડિયા નામની એનજીઓએ અમારો સંપર્ક કર્યો અને અમને સમજાવ્યું કે, જો તમે ફ્રિજનું બિલ અને તેના મેઇન્ટેન્સનો ખર્ચ ઉપાડવા તૈયાર હોવ તો ફ્રિજ અમે પ્રોવાઇડ કરીશું. અમારી કમિટીએ આ વાત વધાવી લીધી અને આ એરિયાના તમામ લોકો લાભ લઇ શકે એ રીતે 'હેપ્પી ફ્રીજ' મૂક્યું છે. જીવરાજ મહેતા હોસ્પિટલ અને અમારી આસપાસના સ્લમ વિસ્તારમાં જઇને અમે ત્યાંના લોકોને ફ્રિજમાં મૂકેલું જમવાનું જાતે લઇ જમવા વિશે સમજાવ્યું. તેથી ફ્રિજમાં મૂકેલી વસ્તુ બે કલાકથી વધારે રહેતી નથી. જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે એને જોતા અમે સોસાયટીવાળા પાણીની પરબ શરૃ કરવાના છીએ.'- કૃણાલભાઇ શાહ, ચેરમેન

ભૂખ્યા માણસ સુધી અનાજ પહોંચે છે તેનો સંતોષ છે

'વધેલા રોટલી કે શાક સોસાયટીના બહાર ધૂળમાં પડયાં રહે જે કોઇ ભૂખી વ્યક્તિ તો લઇને ખાઇ શકવાની નથી. ઘણી વખત ગાય પણ ખાતી નથી માટે ખાસ કોન્સેપ્ટથી કોઇ ભૂખ્યા માણસના પેટ સુધી અનાજ પહોંચે છે. બીજું લેનાર વ્યક્તિ પણ પોતાની ઇચ્છા અનુસાર સંકોચ વગર જે ખાવું હોય એ લઇને ખાઇ શકે છે તેનો સંતોષ છે.' -કિન્નરીબહેન સુતરિયા, સોસાયટીના સભ્ય

દરેક વિસ્તારમાં આ સિસ્ટમ શરૂ થાય તો કોઇને ભૂખ્યા સૂવું ન પડે

'અમે શાંતિ ટાવર્સની બાજુની સોસાયટીમાં રહીએ છીએ. જ્યારે આ ફ્રિજ મૂકવામાં આવ્યું ત્યારે આ સોસાયટીનું પર્સનલ હશે એવું અમને લાગ્યું હતું પરંતુ જ્યારે એમણે જાહેરાત કરી કે આ સાર્વજનિક છે તો અમે બધા હવે તેનો ઉપયોગ કરીએ છીએ. જો દરેક વિસ્તારમાં આ સિસ્ટમ શરૃ કરવામાં આવે તો કોઇને ભૂખ્યા સૂવાનો વારો ન આવે.' - અમિતાબહેન શાહ, દીપ એપાર્ટમેન્ટ


Tags :