શહેરની હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને રોજનું 8 કરોડનું નુકસાન થઇ રહ્યું છે
હોટેલ અને રેસ્ટોરેન્ટ બિઝનેસ 95 ટકા DOWN
કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનો ૯૫ ટકા બિઝનેસ પડી ભાંગ્યો છે. કોરોના વાઇરસનો ખોફ એટલો વિકરાળ બની ગયો છે કે હોટેલ અને રેસ્ટોરન્ટની છેલ્લા દસ દિવસથી આવક શૂન્ય થઇ ગઇ છે. આવા કપરાં સમયમાં આ ઇન્ડસ્ટ્રીએ બધા ખર્ચા વચ્ચે કેવી રીતે સર્વાઇવ કરવું તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમદાવાદમાં અંદાજિત છ હજાર હોટેલ અને રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ તમામના ખોટની કિંમત આંકીએ તો રોજની ૮ કરોડની ખોટ થઇ રહી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સાથે અનેક નાના નાના બિઝનેસ જોડાયેલા છે, જેમને આ ઇન્ડસ્ટ્રી ઠપ થવાથી મોટું નુકસાન થશે તેવી ચિંતા સેવી છે. ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૃપે ૩૧ માર્ચ સુધી તમામ રેસ્ટોરન્ટને બંધ રાખવાનું કહેવાયું છે. જે નિર્ણયને તમામ ઇન્ડસ્ટ્રીએ માન્ય રાખ્યો છે. જ્યાં સુધી કોરોના વાઇરસનું જોખમ ઘટી જાય નહીં ત્યાં સુધી રેસ્ટોરન્ટો બંધ રહેશે તેવું અમદાવાદના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના માલિકોનું કહેવું છે.
હતાશ થવાની જરૂર નથી, આવનારા ભવિષ્યમાં 20થી 25 ટકા બિઝનેસમાં વધારો થશે
'હું ૪૦ વર્ષથી આ ફિલ્ડમાં છું. હું માનું છું કે કોરોના વાઇરસને લીધે બધા ધંધા ઠપ થઇ ગયાં છે. તેથી ?વેપારીઓ સરકાર પાસે રાહત માટે અપીલ કરવાની વેતરણમાં છે પરંતુ આ સમય અપીલ માટે યોગ્ય નથી. અત્યારે તો બધાએ ભેગા થઇ આવી પડેલાં સંકટમાંથી બહાર નીકળવાની જરૃર છે. એ પછી માંગણી કરી જ શકાય છે. બીજું અત્યારે ભલે ધંધા ઠપ થઇ ગયાં પરંતુ બધુ નોર્મલ થશે એ પછી ૨૦થી ૨૫ ટકાનો બિઝનેસમાં વધારો જરૃરથી થશે. ભારતીય ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે, કારણે કે કોઇ ભારતીય એકાદ વર્ષ સુધી વિદેશ ફરવા જવાનું વિચારશે જ નહીં, એવી જ રીતે સુખી સંપન્ન પરિવારમાં વિદેશમાં જઇને લગ્ન કરવાનો જે ટ્રેન્ડ હતો એ બંધ થઇ જશે એનો ફાયદો વેપારીને થશે. તેથી હતાશ થવાની જરૃર નથી, આ ખરાબ સમય પણ જતો રહેશે.' -નરેન્દ્રભાઇ સોમાણી, પ્રમુખ- ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (ધ ગ્રાન્ડ ભગવતી )
બર્ડફ્લુ વખતે 5-10 ટકા, કોરોનામાં 80 થી 90 ટકા બિઝનેસ ડાઉન થયો
હાલ ધંધાની ખુબ ખરાબ પરિસ્થિતિ છે. હોટેલની લીડી કોઇ ચડવા તૈયાર નથી. છતા અમારેતો હોટલ બંધ ન કરી શકાય. આવક બંધ થઇ જવા છતા કોર્પોરેશનનો ટેક્સ, ઇલેક્ટ્રીસીટી અને સ્ટાફ સેલરી તો ચૂકવવી જ પડે. મારે ત્યા ૩૦૦ લોકોનો સ્ટાફ છે. હાલ કોઇની સેલરી બંધ નથી કરી અમે તમામના મેડિકલ રિપોર્ટ કરાવ્યા છે. હોટલમાં આખા દિવસના ૩ થી ૫ લોકો આવે છે. હોટલમાં ૧૪૦ રૃમ છે જે તમામ ખાલી છે. એક દિવસની આવક ૨૫થી ૩૦ લાખની હોય છે જે બંધ થઇ ગઇ છે અને મહિને ૮૫ લાખ પેરોલ અને ૫૦ લાખ ઇલેક્ટ્રીસીટીના તો ચૂકવવા જ પડશે. બર્ડફ્લુ વખતે ૫ થી ૧૦ ટકા જ્યારે કોરોનામાં તો ૮૦ થી ૯૦ ટકા બિઝનેસ ડાઉન છે. -સપન જાની, ક્રાઉન પ્લાઝા
આ સ્થિતિ વધુ લાંબી ચાલશે તો ત્રણ રેસ્ટોરન્ટ બંધ કરવાનું વિચાર્યું છે
'આજથી ૩૧ માર્ચ સુધી રેસ્ટોરન્ટ બંધ રાખવા સી.એમ. સાહેબે સૂચન કર્યું છે. એનો અમલ અમે કરીશું. આમ તો કોરોના વાઇરસને લીધે લોકોની સંખ્યા ઘટી ગઇ હતી. હવે સદંતર બંધ રહેશે એટલે આવક બંધ થઇ જશે. તો સામે અમારા મિર્ચ મસાલા અને ટોમેટોઝના ચાર-ચાર આઉટલેટ બંધ રહેતાં સ્ટાફની ટોટલ સેલેરી આશરે ૭૫ લાખ થાય છે, એ જાવક તો ચાલું જ રહેશે. બીજું એમને બે ટાઇમ જમવાનો ખર્ચ ઉપરાંત રેસ્ટોરન્ટનું ભાડુ એમ મહિને ૨૦ લાખ. આમ ટોટલ અઢી-ત્રણ લાખનો ફટકો પડશે. આવી સ્થિતિમાં સ્ટાફને છૂટા ન કરી શકાય, પરંતુ અમારાથી ખેંચાશે ત્યાં સુધી જરૃર ખેંચીશું પણ આ સ્થિતિ વધારે સમય સુધી ચાલશે અને તળિયું આવી જશે તો ન છૂટકે ત્રણ રેસ્ટોરન્ટ બંધ કરવાનું નક્કી કર્યું છે.' - રુષાદ જિનવાલા, મિર્ચ મસાલા અને ટોમેટોઝ
રોજનું લાખ રૂપિયાનું નુકસાન છે, હજુ બધું રાબેતા મુજબ થતાં એપ્રિલ આવી જશે
'અમારો આ ફેમિલી બિઝનેસ છે. કોરોના વાઇરસને લીધે દુનિયા અને દેશમાં જે સ્થિતિ સર્જાઇ છે એને જોતા અમે સરકારની ગાઇડલાઇન અનુસાર ચાલીશું. એ પ્રમાણે રેસ્ટોરન્ટમાં ટોટલી સટડાઉન થઇ ગયું છે. સારા સમયમાં અમારો સ્ટાફ હંમેશા અમારી સાથે ઊભો રહ્યો છે એટલે અમે અત્યારે તેમની સાથે ઊભા રહીશું. બધી રેસ્ટોરન્ટનો કુલ થઇ અમારો આશરે ૩૦૦ લોકોનો સ્ટાફ છે. એ લોકો નાના માણસો છે એટલે તેમનો પગાર જ્યાં સુધી રેસ્ટોરન્ટ શરૃ નહીં થાય ત્યાં સુધી પણ ચાલુ રહેશે. આ ઉપરાંત પર્સનલ હાઇજિનની અમે એમને ટ્રેનિંગ આપી છે. આપણે બધા ભેગા થઇ પ્રિકોશન રાખીશું તો જલદી એમાંથી બહાર આવી જઇશું. અત્યારની સ્થિતિ જોતા મને એવું લાગે છે કે, બધુ રાબેતા મુજબ થતાં એપ્રિલ આવી જશે.' - આબિદ અલી, ફૂડ ઇન બ્રાન્ડ
મોટો ઇકોનોમિક ફટકો પડયો છે
'અમારો વાઇલ્ડ લાઇફ સફારી રિસોર્ટ છે, એમાં ટોટલ ૩૨ રૃમ છે, એનું માર્ચ, એપ્રિલ અને મે સુધીનું બુકિંગ કેન્સલ થઇ ગયું છે. વેકેશનનો આ સમય અમારો પીક ટાઇમ છે, જેમાં અમે આખા વર્ષની કમાણી કરી લેતાં હોઇએ છીએ. આ ઉપરાંત અમારે ત્યાં ઓલિમ્પિક શૂટિંગ રેન્જ છે. એમાં ત્રણ મોટી કોમ્પિટિશન થ?વાની હતી એ પણ કેન્સલ થઇ ગઇ છે. આ બધુ એક સાથે થવાને લીધે બે -અઠી કરોડનો ફટકો પડયો છે. હજુ લોકોમાં હાઇજીન અને અવેરનેસનો અભાવ છે, કોરોના અમારા સુધી નહીં પહોંચી શકે એવું વિચારે છે. એ ગ્રંથિમાંથી બહાર આવશે તો સ્થિતિ ઝડપથી થાળે પડશે, નહીંતર મહિનાઓ લાગી જશે. તેમ છતાં કોરોનાના ડરમાંથી બહાર નીકળી ટ્રાવેલ કરવાની હિંમત કરવામાં હજુ લોકોને સમય લાગશે.'- મુઝાહિદ મલિક, વાઇલ્ડ લાઇફ સફારી રિસોર્ટ, રણ ઓફ કચ્છ
રમખાણોમાં છ મહિના હોટેલ બંધ રહી હતી, પરંતુ અત્યારે સ્થિતિ અલગ છે
'અમારી અમદાવાદ અને મુંબઇ એરપોર્ટ પાસે હોટેલ છે. કોરોનાની અસર તમામે તમામ બિઝનસ પર પડી છે. સરકારે આપણા સૌના હિતને ધ્યાનમાં લઇને જે પગલું લીધુ છે એ યોગ્ય જ છે અને અમે તેમની સાથે છીએ. સરકારે હોટેલ બંધ કરવાનું સૂચન આપ્યું નથી, પરંતુ અત્યારે સ્ટાફને બાદ કરતાં હોટલો ખાલી જેવી છે. અમારો ટોટલ ૨૦૦થી ૨૫૦ નો સ્ટાફ છે, એમાંથી મોટાભાગના લોકો બહારગામના છે એટલે એમની માટે હોટલમાં જ રહેવા જમાવાની સગવડ છે. અત્યારે કોરોનાના ડરથી અને ટ્રાન્સપોટેશન બંધ હોવાથી ઘરે જવાને બદલે તેઓ અહીં જ પોતાની જાતને સેફ માને છે. તેથી એમની માટે હોટલમાં રસોડું ચાલું છે. ૧૯૮૬માં રમખાણોને લીધે છ મહિના અમારી હોટેલ બંધ રહી હતી, એ વખતે આટલી મોંઘવારી નહોતી એટલે ઝડપથી ઊભા થઇ ગયાં પણ અત્યારે સ્થિતિ તદ્દન અલગ છે. જોઇએ આગળ શું થાય છે.' - પ્રકાશ મુલચંદાની, રિવેરા સર્વર પોટીકો, હોટેલ એરર્પોટ ઇન્ટરનેશનલ
આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હજારોની સંખ્યામાં બેરોજગાર થશે
ફૂડ બિઝનેસ મોટેભાગે શૂન્ય થઇ ગયો છે. હોટેલમાં સંપૂર્ણ પણે હાઇજિનનું ધ્યાન રાખી રહ્યા છે છતાં ૯૦ ટકા બિઝનેસ ઠપ છે. ડાઇનિંગ સંપૂર્ણપણે બંધ છે. હાલ ય્મારે ત્યા ૪૫ લોકોનો સ્ટાફ છે જે તમામ હાલ ચાલુ પેરોલ પર છે. તેમને તે આપવું જરૃીરી છે કારણકે નહી તો આ સમયમાં તે અને તેમના પરિવાર કેવી રીતે સર્વાઇવ કરશે. ઇન્ડસ્ટ્રીમાં કોઇને તેનો પ્રામાણિક સ્ટાફ છોડવો નથી પણ જેની જેટલી હોલ્ડિંગ કેપેસિટી હશે તેઓ તેટલું સાચવી શકશે. કારણકે તેઓ ઘરે જાય અને પાછા ન આવે તો.. અને કદાચ આની ખરી અસર ૨-૩ મહિના પછી થશે. -દર્શન રાવલ, ફૂડ એન્ટરપ્રિન્યોર અલાયન્સ એસોસિએશન
સ્ટાફના 80 સભ્યોને ચાલુ પગારે ઘરે જવાની છૂટ આપી છે
હાલ દેશમાં ઉંઘતા ઝડપાયા હોય તેવી પરિસ્થિતિ છે. કોઇએ વિચાર્યુ નહતું કે આવી પરિસ્થિતિ આવશે. પણ, સંજોગો પ્રમાણે કામ કરવું જ રહ્યું. મેં મારા સ્ટાફ અને કસ્ટમરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ ૧૫ દિવસ એટલે કે ૩૧ માર્ચ સુધી રેસ્ટોરન્ટ બંધ કરી છે. અમારે ત્યા બે બ્રાન્ચનો ટોટલ ૮૦ સ્ટાફ છે તે દરેકને ચાલુ પગારે પોતપોતાના ઘરે નેપાળ અને રાજસ્થાન જવાની પણ છૂટ આપી છે. આવક નથી છતા સ્ટાફનો પગાર, ભાડુ, પ્રોપર્ટી ટેક્સ, મેઇન્ટેનન્સ અને એસ્ટેબ્લિસ ટેક્સ તો ભરવો જ પડશે. આ પરિસ્થિતિને સમજપુર્વક સંભાળવાની જરૃર છે કારણ કે પૂર, ભૂકંપ, અક્ષરધામ અટેક, બર્ડફ્લૂમાં પણ કદાચ બે-પાંચ દિવસ રેસ્ટોરન્ટ બંધ રાખી હશે પરંતુ આટલા લાંબા સમય માટે પહેલી વખત બંધ રાખી છે. -દિલીપભાઇ ઠક્કર, ગોપી ડાઇનિંગ હોલ
15 દિવસમાં એક હોટેલની એક કરોડની ખોટ છે
ટૂરિજમ ઇન્ડસ્ટ્રી હાલ ઝીરો છે તેની અસર પણ બિઝનેસ પર થઇ છે. તમામ બૂકિંગ કેન્સલ થઇ ગયા છે. હોટલમાં ૯૦ રૃમ છે હાલ તેમાંથી માત્ર ૩ રૃમ ભરેલા છે. આવા સમયમાં સર્વાઇવ કરવું ખુબ અઘરું છે અને ૨૫૦ લોકોને પેમેન્ટ કરવું પણ અઘરું છે. હજું આવું કેટલા સમય સુધી ચાલશે તેનો ખ્યાલ નથી. હજુ કોઇ સ્ટાફને છૂટા કર્યા નથી હજું ૧૦-૧૫ દિવસ પરિસ્થિતીનો તાગ મેળવી નિર્ણય લઇશું. ૧૫ દિવસમાં એક હોટેલનો એક કરોડનો લોસ છે. સંકલ્પની વર્લ્ડ વાઇલ્ડ ૨૬ રેસ્ટોરન્ટ છે યુએસમાં તેની આવક ૩ હજાર ડોલર હતી જે ૫૦૦ ડોલર થઇ ગઇ છે. માર્કેટમાં સાંભળવા મળ્યું છે કે ૬ લોકોએ તેમની હોટલ સેલ માટે મુકી છે અને ઘણા લોકો બિઝનેસ સટડાઉન કરી રહ્યા છે. -અતુલ બુદ્ધરાજા, રમાડા વર્લ્ડવાઇલ્ડ અને સંકલ્પ