ભારતીય શહેરોની જમીનનો યોગ્ય ઉપયોગ ન કરવાથી ગીચતા વધી છે
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અર્બન અફેર્સ લોકલ એરિયા પ્લાન સબ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જે અંતર્ગત ૨૫ સ્માર્ટ શહેરનો વિકાસ કરવામાં આવશે. સ્કીમની સમજ આપતા પ્રોગ્રામ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કરવામાં આવશે, જે અંતર્ગત સેપ્ટ યુનિવર્સિટીમાં પ્રથમ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના દુર્ગા શંકર મિશ્રા અને સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. બિમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. બિમલ પટેલે કહ્યું કે, ભારતીય શહેરોના જમીનનો યોગ્ય ઉપયોગ કરાવામાં આવતો નથી. શહેરોમાં જમીન મોટા પ્રમાણમાં છે, પરંતુ ભારતીય શહેરો વધારે ગીચ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ જમીનનો અયોગ્ય ઉપયોગ છે. સ્માર્ટ સિટી બનાવવા માટે જમીનનો યોગ્ય ઉપયોગ કરવો અત્યંત જરૃરી છે. જ્યારે યુરોપીયન શહેરોમાં કાર્યક્ષમ જમીનને વર્ગીકૃત કર્યા બાદ પ્લાનિંગ કરવામાં આવે છે.
બેઝિક ફેસેલિટી, ઓપન સ્પેસ અને રોડ નેટવર્કનો વિકાસ કરવામાં આવશે
ભારતના ૨૫ શહેરમાં સૌપ્રથમ ત્યાંની જરૃરિયાત વિશેની જાણકારી મેળવી તેના પર કામ કરાશે. ઉપરાંત બેઝિક ફેસેલિટી, ઓપન સ્પેસ અને રોડ નેટવર્કનો વિકાસ કરવામાં આવશે. કારણ કે આ સામાન્ય વસ્તુઓ દ્વારા શહેરને ઉત્તમ રહેવાલાયક સ્થળ બનાવી શકાય છે. -દુર્ગા શંકર મિશ્રા, સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ