શહેરના વિમેન્સ ગ્રૂપે લૉકડાઉનમાં પણ સક્રિય રહી મેડિટેશન, ફિટનેસ રેસિપી તથા અન્ય ક્રિએટિવ પ્રવૃત્તિઓ કરી આ સમયને યાદગાર બનાવ્યો
સોશિયલ મિડિયાના માધ્યમથી ક્રિએટિવિટીને બધા બહાર લાવ્યા
કોરોનાને લીધે મહિલાઓના ગ્રૂ૫ અને ક્લબોમાં થતી સોશિયલ એક્ટિવિટી ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ અટકી ગઇ છે. આવી સ્થિતિમાં ભલે એકમેકને મળવાનું શક્ય ન બનતું હોય પણ સોશિયલ મિડિયાના માધ્યમથી તેઓ પોતે તો રિફ્રેશ થતાં જ રહ્યાં સાથે પરિવારના સભ્યોને પણ એમાં જોડી એમને પણ મજા કરાવી દીધી. એટલું જ નહીં પહેલાં ક્યારેય ન કરેલી એવી અનેક ક્રિએટીવ પ્રવૃત્તિઓ ઘરે બેઠાં ઓનલાઇન કરી પોતાની અંદર પડેલી ક્રિએટિવિટીને બધાએ બહાર કાઢી. લોકડાઉનના સમયને વિમેન્સ ગ્રૂપે યાદગાર બનાવી દીધો.
મેડિટેશન અને અનોખી રેસિપી બનાવતા શીખ્યાં
'અમારા ગ્રૂપમાં ૧૨૫ મહિલાઓ જોડાયેલી છે. ત્રણ મહિનાથી અમે એકબીજાને મળી શક્યાં નથી પરંતુ સોશિયલ મિડિયા દ્વારા સતત એકબીજાના સંપર્કમાં રહ્યાં છીએ. લૉકડાઉન દરમિયાન શાકભાજી મળતાં નહોતા અને પરિવારને રોજ નવું શું બનાવીને ખવડાવું એ મોટો પ્રશ્ન હતો. દરેકે પોતાની સૂઝબૂઝ અને અનુભવને કામે લગાડી યુનિક રેસિપી બનાવી. જેમકે, સોજીની સેન્ડવીચ, ઢોકળા મન્ચ્યુરીન વગેરે. આની રેસિપી અને ફોટા ગ્રૂપમાં શેયર કર્યાં જેથી બીજી બહેનો શીખી શકે. સાથે મળી અમે ઓનલાઇન હાઉસી રમ્યાં. એક લેડીના હસબન્ડ અચાનક સિવિયર થઇ જતાં ફાઇનાન્શિયલી કટોકટી સર્જાતા, બધાએ હેલ્પ કરી. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને મનને શાંત રાખવા મેડિટેશન શીખ્યા.' - રાખી શાહ, સમ્યક ગ્રૂપ પાલડી
નિબંધ, સ્લોગન અને ડ્રોઇંગ ઉપરાંત વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું
'ગ્રૂપ માં શાહીબાગ વિસ્તારની આશરે ૨૦૦ બહેનો જોડાયેલી છે. લોકડાઉન દરમિયાન પરિવારને સાથે જોડી અનેક પ્રવૃત્તિ ઓનલાઇન કરવામાં આવી. જેમકે, કોરોનાના લક્ષણો અને બચાવ પર પ્રતિયોગિતાનું આયોજન કર્યું, જેમાં દરેકે પોતાના વિચારો નિબંધ, સ્લોગન અથવા ડ્રોઇંગ કે પોસ્ટરના રૃપમાં વ્યક્ત કર્યા. હનુમાન જયંતીના દિવસે ઘરમાં પરિવાર સાથે બેસી હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવ્યાં. બહેનોને મનોરંજન મળી રહે એ માટે વિવિધ પ્રકારની ગેમ્સ ઓનલાઇન રમાડવામાં આવી. વૃક્ષોનું મહત્વ સમજાવી વૃક્ષારોપણ કરવા માટે ગૂ્રપના સભ્યોને પ્રેર્યા. ઝૂમ એપ દ્વારા બધી બહેનોને જોડી એકબીજાના વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું.' - સુધા કાબરા. -અખિલ ભારતીય મહિલા મારવાડી ગ્રૂપ , શાહીબાગ
પરિવારની 6 વર્ષથી માંડી 70 વર્ષની વ્યક્તિ ઓનલાઇન પ્રવૃત્તિમાં જોડાઇ
'અમારા ગ્રૂપમાં વિવિધ વિસ્તારની આશરે ૨૫૦૦ મહિલાઓ છે. લૉકડાઉન દરમિયાન પરિવારના લોકો અમારા ગૂ્રપ સાથે જોડાઇને આનંદ માણી શકે એ હેતુથી દરેક એક્ટિવિટીમાં એમને સામેલ કરવામાં આવ્યાં હતાં. બધા ભેગા મળી ઓનલાઇન હાઉસી રમ્યા. દરેક વ્યક્તિના મગજમાં ઘણું બધું ચાલતું હોય છે એને કાગળમાં ઉતારવાની, ઘરમાં જે કંઇ અવેલેબલ હોય એની મદદથી ક્રિએટીવ વિડિયો બનાવવી અપલોડ કરવો. જીવનમાં પહેલાં ક્યારેય ન કરી હોય એવી કોઇ પ્રવૃત્તિ કરી તેના ફોટા પાડી મૂકવાં. કોરોના વોરિયર્સને સન્માન આપતાં પેઇન્ટિંગ બનાવડાવ્યાં. આ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓમાં ૬ વર્ષથી માંડી ૭૦ વર્ષ સુધીના લોકો જોડાયા. તાજેતરમાં જ મેનોપોઝ અંગે મહિલાઓને માહિતી આપતી ઇવેન્ટ ઓનલાઇન યોજવામાં આવી.' - પ્રિયંકા વાઘેલા-વામા ક્લબ, સિંધુ ભવન
ઇમ્યુનિટિ વધારવા યોગ અને આસન કરીએ છીએ
'અમારું ગ્રૂપમાં ૫૦ વર્ષની ઉપરની બહેનો માટે છે. એમાં ૩૦ બહેનો જોડાયેલી છે. ઉંમર લાયક લોકો માટે કોરોના વધુ નુકશાનકારક હોવાથી 'મને કોરોના થઇ જશે તો?' એવી ચિંતા કરતા લોકો હતાશા કે ડિપ્રેશનમાં સરી શકે. એવું ન થાય અને તેઓ હકારાત્મક્તા તરફ વળે એટલે પ્રાણાયામ, યોગાસન, બ્રિધિંગ એક્સરસાઇઝ કરાવવાનું શરૃ કર્યું, ડાયાબિટીસ અને થાઇરૉઇડ હોય એમના માટે સ્પેશિયલ પ્રકારના આસન કરાવીએ છીએ. આમ સોમથી શનિ સવાર સાંજ ઓનલાઇન આ પ્રવૃત્તિ ચાલુ રાખી. એનાથી તેઓ એક્ટિવ રહેવાની સાથે માનસિક રીતે મજબૂત પણ રહી શકે. એમાં ગૂ્રપ સિવાય પરિવારના સભ્યોને પણ જોડયા છે. - જાગૃતિબહેન ત્રિવેદી રોયલ ગ્રૂપ, નહેરુનગર
કોફી પાઉડરનો ઉપયોગ કરી કોફી પેઇન્ટિંગ કરતા શીખ્યાં
'અમારા ગ્રૂપમાં અલગ અલગ વિસ્તારની લગભગ ૩૫થી ૪૦ બહેનો જોડાયેલી છે. અમે દર મહિને વાસણામાં સ્લમ બાળકોને ખીચડી, દૂધ, બિસ્કિટ, નાસ્તો અથવા સ્વીટ આપીએ છીએ. એમની જરૃરિયાતો પુરી કરીએ છીએ પરંતુ લોકડાઉન દરમિયાન એ શક્ય બન્યું નથી. તો અમે ઓનલાઇન બોલિવૂડ હાઉસી, આર્યુવૈદ દ્વારા ઇમ્યુનિટી વધારવાની ટેકિનક, યોગ અને આસનો, હતાશ ન થઇ જવાય અને પોઝિટિવિટી મળે એટલે સ્પેશિયલ સેશન રાખવામાં આવ્યું હતું. દરેકના ઘરમાં કલર હોય કે ન હોય, પીછીં ન હોય તો ટૂથબ્રશનો ઉપયોગ કરી કોફી પાઉન્ડરનો કલર તરીકે ઉપયોગ કરી કોફી પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. - પારૂલ ઠક્કર અસ્મિતા ક્લબ, સેટેલાઇટ