Get The App

રાખડીની કલા અમારા લોહીમાં છે, ત્રણ પેઢીથી આ કાર્ય કરીએ છીએ

રાખડી બનાવતી શહેરની મુસ્લિમ પરિવારની બહેનો કહે છે

Updated: Aug 3rd, 2022

GS TEAM

Google News
Google News
રાખડીની કલા અમારા લોહીમાં છે, ત્રણ પેઢીથી આ કાર્ય કરીએ છીએ 1 - image

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન તહેવારને એક સપ્તાહનો સમય  બાકી છે ત્યારે શહેરના વિવિધ બજારમાં અવનવી ડિઝાઇનવાળી ટ્રેન્ડી રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે. રાખડીઓ તૈયાર કરવાના કાર્યમાં મોટેભાગે મુસ્લિમ બહેનો જોડાયેલી છે અને તેઓ એક વર્ષથી નહીં પણ ત્રણ- ચાર પેઢીથી રાખડીઓ તૈયાર કરવાના કામમાં જોડાયેલી છે સાથે રાખડીઓ બનાવીને ઘણા લોકોને રોજગારી આપવાનું કામ કરે છે.

અમારો પરિવાર ત્રણ પેઢીથી રાખડીઓ તૈયાર કરે છે

ત્રીજી પેઢીથી રાખડી તૈયાર કરવાના વ્યવસાય સાથે અમારો પરિવાર જોડાયેલો છે. ઘરે રહ્યા પછી કોઇ કામ ન રહેતા મોટાભાગની મુસ્લિમ બહેનો રાખડી બનાવવાનું કામ જોડાઇ જાય છે. આ વર્ષે અમે નવી ડિઝાઇન સાથે એક લાખથી વધારે રાખડીઓ બનાવી છે. સામાન્ય રીતે સમગ્ર વર્ષ રાખડીઓ બનાવતા હોય છે પણ ખાસ કરીને ઉત્તરાયણના બીજા દિવસથી સમગ્ર દિવસથી રાખડીઓ બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ થાય છે. મુસ્લિમ બહેનો રાખડીઓ તૈયાર કરે છે અને હિન્દુ બહેનો પોતાના ભાઇને પવિત્ર રાખડી બાંધે છે જેને લીધે એકતાનો મેસેજ આપવાનું કામ કરે છે. રૃદ્રાક્ષવાળી નવી ડિઝાઇન સાથે રાખડીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તે માટે અમે તેવી રાખડીઓ બનાવીએ છીએ. રાખડીઓ તૈયાર કરવાની કામગીરીથી ૨૫થી વધારે બહેનોને રોજગારી મળે છે અને તહેવારની પણ ઉજવણી થાય છે. રાખડી બનાવવાની કુશળતા છે ત્યાં સુધી આ વ્યવસાય સાથે જોડાયેલા રહેવાની અમારી ઇચ્છા છે. -આફરીનબહેન શેખ, ઢાલગરવાડ

ભાભી રાખડીનો ટ્રેન્ડ આવ્યો ત્યારે અમે જાણ્યા પછી ખુશ થયા હતા

અમે સમગ્ર વર્ષથી રાખડીઓ બનાવવાની કામગીરી કરીએ છીએ. ચાર પેઢીથી અમારા પરિવારના સભ્યોથી રાખડીઓ બનાવવાની કામગીરીમાં જોડાયેલા છે. ઓડર લીધા હોય એ રાખડીઓ તૈયાર થયા પછી કોઇ કારણસર ઓડર કેન્સલ થતા ઘણું નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો હતો તેમ છતાં અમે રાખડીઓ બનાવવાનું કામ કરીએ છીએ. ભાભી રાખડી બાંધવાનો ટ્રેન્ડ આવ્યો ત્યારે અમે ઘણાં લોકોને પૂછ્યું હતું અને આ રાખડી બાંધવાનું શું મહત્વ છેે તે જાણવાથી મને ઘણો આનંદ થયો હતો. રક્ષાબંધનનો તહેવાર હિન્દુ-મુસ્લિમ ભાઇઓ-બહેનો માટે પવિત્ર તહેવાર છે. રક્ષાબંધનના અંતિમ દિવસોમાં દિવસના 20 કલાકથી વધારે સમય સુધી રાખડીઓ તૈયાર કરવામાં આવે છે. અમે ડાયમંડ, રૂદ્રાક્ષમાંથી નવી ડિઝાઇન સાથે રાખડીઓ બનાવીએ છીએ જેને લીધે અમને પણ માનવજીવન માટે ઉત્તમ કાર્ય કરવાનો આનંદ છે. દરેક જ્ઞાાતિના લોકો એકબીજાના તહેવારમાં મદદરૂપ થાય છે તે આપણી આગવી ઓળખ છે. - નોસીનબહેન બેલીમ, ખમાસા

રાખડી બનાવી અમારો મુખ્ય વ્યવસાય બની રહ્યો છે

વર્ષો પહેલાં પરિવાર દ્વારા રાખડીઓ તૈયાર કરવાની કામગીરી કરતા હતા તે કલાને આજે પણ અમે સાચવી રાખી છે અને નવી ડિઝાઇન સાથે અવનવી રાખડીઓ બનાવીને માર્કેટ સુધી પહોંચાડીએ છીએ. રાખડીઓ તૈયાર કરવાથી અમને જે આવક મળે છે તેમાંથી અમારું પરિવારનું ભરણપોષણ થાય છે. રાખડીઓ બનાવવાની કામગીરી અમારા માટે એક ઉત્સવથી પણ વધારે પ્રિય છે. પરિવારના સભ્યોએ ખૂબ મહેતન કર્યા પછી આજે અમને જે શીખવી ગયા છે તેને જાળવીને અમે પણ રાખડીઓ બનાવી રહ્યા છે. દરેક તહેવારની એક આગવી ઓળખ હોય છે અને તે રીતે રક્ષાબંધનનો તહેવાર અમારા પરિવારને એક નવી રોશની આપે છે અને દરેક જ્ઞાાતિના લોકોમાં સદભાવનાનો મેસેજ આપે છે. ઘરનું કામકાજ ઝડપથી પૂરું કરીને કલાત્મક અને ટ્રેન્ડ સાથેની રાખડીઓ બનાવીએ છીએ જેથી બહેન પોતાના ભાઇને મનગમતી રાખડી બાંધીને ખુશી મેળવે છે. રાખડી બનાવવી કામગીરી અમારા જીવનનો મુખ્ય ભાગ બન્યો છે તેને લીધે અમે ઘણાં ખુશ છીએ.  - અફરોજબહેન મિરઝા, ત્રણ દરવાજા

Tags :