56% બાળમજૂરોમાંથી 30% ચાની લારી પર મજૂરી કરે છે
ગુજરાત યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગની ફાલ્ગુની મકવાણા દ્વારા સર્વે
બાળમજૂરીનો કાયદો હોવા છતા અવારનવાર બાળકો મજૂરી કરતા જોવા મળે છે, લોકોને બાળમજૂરીના કાયદા અને સજા વિશે જાણકારી હોય છે. પરંતુ બાળકોને સ્કૂલ કે વાલીઓ દ્વારા કાયદાની સમજ આપાઇ નથી. ગુજરાત યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગની ફાલ્ગુની મકવાણાના સર્વેના આધારે બાળમજૂરી કરતા ૬૫ ટકા બાળકોને આ કાયદા વિશે ખબર નથી. ઉપરાંત ૯થી ૧૪ વર્ષની ઉંમરના ૫૬ ટકા બાળકો મજૂરી સાથે જોડાયેલા છે, જેમાંથી ૩૦ ટકા બાળકો ચાની લારી પર કામ કરે છે.
રોજી સ્વરૂપે 100 રૂપિયા જેટલી આવક થાય છે
બાળમજૂરી સાથે જોડાયેલા ૫૦ ટકા બાળકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મજૂરી કરે છે, જ્યારે બાકીના ૫૦ ટકા વડિલોના પ્રેશરથી આ કામ કરે છે. બાળમજૂરી કરતા બાળકોને સરેરાશ રોજી સ્વરૃપે ૧૦૦ રૃપિયા જેટલી આવક થાય છે. જે પણ બાળમજૂરી કરતા બાળકોની સંખ્યા પાછળનું કારણ હોય શકે છે, પરંતુ બાળમજૂરી કરતા ૫૪ ટકા બાળકો શારિરીક તેમજ ૩૮ ટકા બાળકો માનસિક ચિંતાનો અનુભવ કરે છે.
70% પ્રાથમિક સ્કૂલ અને 30% હાઇસ્કૂલમાં ભણે છે
બાળમજૂરી કરતા બધા બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે, જેમાં ૭૦ ટકા પ્રાથમિક સ્કૂલ અને ૩૦ ટકા હાઇસ્કૂલમાં ભણે છે. બાળમજૂરી કરતા ૨૮ ટકા બાળકોને સ્કૂલનો અભ્યાસ પસંદ આવે છે, જ્યારે ૭૨ ટકાને સ્કૂલે જવું પસંદ નથી. અભ્યાસ સાથે મજૂરી કરતા બાળકોમાંથી ૩૮ ટકાને વ્યવસાય કરવો છે, ૨૮ ટકાને નોકરી કરવી છે અને ૩૪ ટકા બાળકોને મજૂરી કરવી છે.
રિસર્ચ કરવા સાથે બાળમજૂરીના કાયદાની જાણકારી આપી
જ્યારે મેં રિસર્ચ માટે બાળમજૂરીનો વિષય પસંદ કર્યો ત્યારે હું તેમની સંવેદનાથી અજાણ હતી. પરંતુ જ્યારે બાળકો સાથે વાત કરી અને તેમના અનુભવો સાંભળ્યા ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું. મેં તેમના જીવન અંગે રિસર્ચ કરવા સાથે બાળમજૂરીના કાયદાથી પણ અવગત કર્યા હતા. - ફાલ્ગુની મકવાણા