ક્લાસરૂમ ઓછા હોવાથી સવારે આર્ટસ-કોમર્સ અને બપોરે સાયન્સ ભણાવાય છે
- ગુજરાતની પહેલી લાઇફ સાયન્સની સમર સ્કૂલમાં આવેલા આદિવાસી સ્ટુડન્ટ શાનકરે કહ્યું
ગુજકોસ્ટ દ્વારા એમ.જી. સાયન્સ કોલેજમાં સમર સ્કૂલનું આયોજન કરાયું છે, લાઇફ સાયન્સ વિષય પર ગુજરાતમાં પહેલી વખત ૧૦ દિવસીય સમર સ્કૂલનું આયોજન થયું છે. સમર સ્કૂલમાં ગુજરાતની આઠ યુનિવર્સિટીના ૩૦ સ્ટુડન્ટે ભાગ લીધો છે. ૧૦ દિવસમાં સ્ટુડન્ટસને બોટની, માઇક્રોબાયોલોજી, ઝુલોજી અને બાયોકેમિસ્ટ્રી વિષયની ઊંડાણ પુર્વકની માહિતી આપવામાં આવી છે. સમર સ્કૂલમાં નવસારીના આદિવાસી વિસ્તારથી આવેલા શાનકર દિનકરે અનુભવ શેર કરતા કહ્યું કે, મારી કોલેજનું કેમ્પસ ખૂબ નાનું છે, અને ઓછા ક્લાસરૃમ હોવાથી સવારે આર્ટસ-કોમર્સ અને બપોરના સમયે સાયન્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે અહીંયાનું કેમ્પસ અને અજ્યુકેશન બંને ઉત્તમ છે. તેનો લાભ મળ્યો તે મારા માટે આનંદની વાત છે. સાથે જ અહીંયા આવીને લાઇફ સાયન્સના ચારેય સબ્જેક્ટ વિશે જાણવા મળ્યું છે.
રિસર્ચ સબ્જેક્ટ સિલેક્શન વિશે માહિતી અપાઇ
સમર સ્કૂલમાં સ્ટુડન્ટસને લાઇફ સાયન્સ અને રિસર્ચ વિશે માહિતી મળે માટે એક્સપર્ટ સ્પીકર્સની લેક્ચર સીરિઝ યોજાય છે. જેમાં બોટની, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રીના એક્સપર્ટ અને રિસર્ચર દ્વારા સ્ટુડન્ટસને રિસર્ચના સબ્જેક્ટ સિલેક્ટ કરવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સાયન્સની સાથે જીપીએસઇ અને યુપીએસઇ જેવી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય તેની માહિતી પણ સ્ટુડન્ટસે લેક્ચર સીરિઝ દ્વારા મેળવી છે.
લાઇફ સાયન્સના ચાર સબ્જેક્ટના પ્રેક્ટિકલ કર્યા
સ્ટુડન્ટસને સમર સ્કૂલમાં પ્રેક્ટિકલ નોલેજ મળે માટે એમ.જી. સાયન્સ કોલેજની લેબોરેટરીમાં લાઇફ સાયન્સના ચાર વિષયોના પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવે છે. જેમાં તેઓએ બોટનીના પ્રેક્ટિકલ દરમિયાન સ્ટુડન્ટસે વૃક્ષ અને છોડને જોડતા શીખ્યા હતા. ઉપરાંત પબ્લિક સ્પીકિંગની સ્કિલ વધે માટે સ્ટુડન્ટસે ક્લાસરૃમમાં પોતાના અનુભવો શેર કર્યા હતા.