પાર્કિન્સનના દર્દીઓ લખી અને દોરી શકે તે માટે જાયરોસ્કોપ આધારિત પેન ડિઝાઈન કરી
એનઆઇડીના પ્રોડક્ટ ડિઝાઇન વિભાગના બે સ્ટુડન્ટની જેમ્સ ડાયસોન એવોર્ડ માટે પસંદગી
તાજેતરમાં યોજાયેલા જેમ્સ ડાયસોન એવોર્ડ ૨૦૧૯માં એનઆઇડી પાલડી કેમ્પસના પ્રોડક્ટ ડિઝાઇનના સ્ટુડન્ટસ વિજેતા અને ઉપવિજેતા બન્યા છે, જેમ્સ ડાયસોન એવોર્ડ ડિઝાઇન વિભાગના સ્ટુડન્ટસને આપવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટસની ડિઝાઇન ઇનોવેટિવ હોવા સાથે પ્રોબ્લમ સોલ્વિંગ હોવી જરૃરી છે. એનઆઇડીની પ્રોડક્ટ ડિઝાઇનની પૂર્વ સ્ટુડન્ટ અશ્વથી સાથીસનએ પાર્કિન્સનના દર્દીઓને લખવ અને ડ્રોઇંગમાં મદદરૃપ થાઇ શકે તેવી પેન બનાવી છે. તેના આ ઇનોવેશન બદલ તેમને નેશનલ વિનરનો એવોર્ડ એનાયત કરાયો છે, જ્યારે એનઆઇડીના બીજા સ્ટુડન્ટ આદિત્ય વોરાએ સ્લમ વિસ્તારના લોકોની રોજિંદી સમસ્યા પર પોર્ટેબલ ટોઇલેટ બનાવ્યું છે. જેમને નેશનલ રનરઅપનો એવોર્ડ એનાયત થયો છે.
પેનમાં કોપર રીંગયુક્ત બેટરીવાળી મોટર લગાવાઇ છે
પાર્કિન્સન સામાન્ય રીતે ૬૦ પછીની ઉંમરના લોકોમાં જોવા મળે છે, પરંતુ આજે આ રોગ યુવાઓમાં પણ જોવા મળે છે. પાર્કિન્સના દર્દીઓને અચાનક હાથમાં ધુ્રજારી આવે છે, જેથી તેઓ પોતાના સમાન્ય કામ કરવામાં પણ અસક્ષમ હોય છે. જ્યારે આ પ્રોડક્ટ દ્વારા તેઓ સારી રીતે લખી અને દોરી શકશે. દર્દીઓ માટે બનેલી આ પ્રોડક્ટમાં પણ કેટલાક સુધારા કરાશે. પાર્કિન્સનના દર્દીઓ માટે બનાવવામાં આવેલી પેન જાયરોસ્કોપના સિદ્ધાંતો પર ચાલે છે, પેન દર્દીના હાથની ધુ્રજારી ઓછી કરે છે. પેનમાં કોપર રીંગયુક્ત બેટરીવાળી મોટર લગાવાઇ છે. જેને ચાલુ કરતા જાયરોસ્કોપના સિદ્ધાંતોને અનુસરીને ફરે છે, જેના કારણે દર્દીના હાથની ધુ્રજારીની અસર તેના લખાણ પર ઓછી જોવા મળે છે. - અશ્વથી સાથીસન, નેશનલ વિનર
સ્લમની સમસ્યા જાણીને પોર્ટેબલ ટોઇલેટ તૈયાર કર્યું
મેં એનઆઇડી કેમ્પસની નજીકના વિસ્તારના સ્લમ વિસ્તારના લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન જાણવા મળ્યું કે ઝુંપડીમાં રહેતા હોવાથી તેઓની મુખ્ય સમસ્યા ટોઇલેટ છે. તેથી મેં પોર્ટેબલ ટોઇલેટ પર કામ કરવાની શરૃઆત કરી હતી. પોર્ટેબલ ટોઇલેટમાં સોલિડ વેસ્ટ અને વોટર વેસ્ટ માટે અલગ કમ્પાટમેન્ટ છે, ઉપરાંત સોલિડ વેસ્ટના કમ્પાર્ટમેન્ટમાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો છે. જેથી વેસ્ટનો નિકાલ સહેલાઇથી કરી શકાય છે. પોર્ટેબલ ટોઇલેટનો ઉપયોગ સ્લમ વિસ્તારમાં, રેફ્યુજી કેમ્પમાં અને મિલેટીન્યસ કરી શકશે. જેના દ્વારા સ્વચ્છતા જળવાશે અને અસક્ષમ લોકો માટે સુવિધા ઊભી થશે. - આદિત્ય વોરા, નેશનલ રનરઅપ