પીરાણા નજીક વસતા ૩૦૦ ૫રિવારોને ફેફસા અને હૃદય રોગની બિમારી છે
ધો.૧૦ના સ્ટુડન્ટ આશીઅલી સૈયદે IIM-Aમાં ગ્લોબલ વોર્મિંગ પર લેક્ચર આપ્યું
પીરાણા નજીક વસતા ૩૦૦ જેટલા ફેમિલીમાં ફેફસા અને હૃદય રોગની બિમારી જોવા મળે છે. તેમ ડોન બોસ્કોના ધો.૧૦ના સ્ટુડન્ટ આશીઅલી સૈયદે આઇઆઇએમમાં યોજાયેલા ગ્લોબલ વોર્મિંગ વિશેના લેક્ચરમાં કહ્યું હતું. આશીઅલીએ વિગતે વાત કરતા કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે, પરંતુ વિશ્વના તાપમાનમાં ૧ ડિગ્રી તાપમાન વધારાને ઘટાડવો ખૂબ મુશ્કેલ છે. તાપમાન ઓછું કરવા માટે લોકોએ વૃક્ષો વાવવા સાથે જતન પણ કરવું જોઇએ. ઉપરાંત અમદાવાદમાં તો ખૂબ ઓછા પ્રમાણમાં વૃક્ષો છે, તેથી લોકોએ પોતાના ઘર કે ફેક્ટરીની નજીક વૃક્ષો વાવવા જોઇએ. વૃક્ષો તાપમાનમાં ઘટાડો કરે છે. સાથે જ લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઇએ.
લોકો પર્યાવરણની જાળવણી બાબતે સજાગ નથી
ભારતમાં લોકો કચરાને વિભાજિત કરતા નથી, બધા પ્રકારનો કચરો એકજ સાથે રાખે છે. જેના કારણે કચરાનો નિકાલ કરવો મુશ્કેલ બને છે. ઉપરાંત ઘણી વખત કચરો કલેક્ટ કરવા આવતા સેવકો પણ વિભાજિત કચરાને ભેગો કરતા જોવા મળે છે. અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે સજાગતા જોવા મળતી નથી. તેથી લોકોમાં જાગૃતિ વધે તેવા કાર્યો કરવા જોઇએ. - આશીઅલી સૈયદ, સ્ટુડન્ટ
મિથેન વાયુના કારણે કચરામાં આગ લાગે છે
છેલ્લા ૩૨ વર્ષથી પીરાણામાં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે તેની સાઇઝ ખૂબ વિશાળ બની છે. ઉપરાંત કચરામાંથી મિથેન વાયુ પેદા થતો હોવાથી ઘણી વખત આગના બનાવો બને છે. જેના કારણે હવાના પ્રદૂષણમાં સખત વધારો થાય છે. તેથી પીરાણાના કચરાનો નિકાલ થાય તે બાબતે સરકારે અસરકારક પગલા ભરવા જોઇએ.