L.D. એન્જિનિયરિંગના 'રિઓલો' ઇનોવેશનની વિશ્વના 100 સ્ટાર્ટઅપમાં પસંદગી
'સ્ટાર્ટઅપ ઇસ્તંબુલ ૨૦૧૯'માં સ્ટુડન્ટસ ઇનોવેશન પ્રેઝન્ટ કરશે
વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને રોચક રીતે ગણિત, વિજ્ઞાાન- ટેકનોલોજી, મેડિકલ, ઓટોમોબાઇલ, સંરક્ષણને લગતા વિવિધ અઘરા મુદ્દાઓ તેમજ કોઇ બિલ્ડીંગ, જીવજંતુ, પ્રાણી, હૃદય જેવા શરીરના અંગોને જીવંત સ્વરૃપે બતાવીને ઓછા સમયમાં વધુ લોકોને તેની વિસ્તૃત માહિતી આપી શકાય તેવું ઇનોવેશન એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના ત્રીજા વર્ષમાં સ્ટડી કરતા સ્ટુડન્ટસની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
સ્ટુડન્ટસની ટીમ દ્વારા આ સ્ટાર્ટઅપને 'રિઓલો' નામ આપવામાં આવ્યું છે અને તે ફોલોગ્રામ ટેકનોલોજીની મદદથી તૈયાર કર્યું છે. આ વિશે વાત કરતાં સ્ટુડન્ટસ માલવ શાહે કહ્યું કે, રિઓલો સ્ટાર્ટઅપની મદદથી નાની વસ્તુને થ્રીડી તકનીકની મદદથી મોટો આકાર સાથે જોઇ શકાય છે. તેમજ આ ઇનોવેશન સ્ટાર્ટઅપને સોફ્ટવેર અને એનિમેશનની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે. વિદ્યાર્થીઓને સરળ રીતે તેની સમજૂતી આપવામાં ખૂબ મદદરૃપ બની રહે છે. વિશ્વના મોટાભાગના દેશમાંથી આવેલ એપ્લિકેશનમાંથી 'રિઓલો સ્ટાર્ટઅપ'ની પસંદગી થઇ છે તે અમારી ટીમ માટે ખુશીની વાત છે. આગામી સમયમાં ઇસ્તંબુલ ખાતે 'સ્ટાર્ટઅપ ઇસ્તંબુલ'માં ઇનોવેશન સ્ટાર્ટઅપને પ્રેઝન્ટેશન કરીશું.
વિશ્વના ૧૫૦થી વધુ દેશમાંથી આવેલ ૧.૩૭ લાખ એપ્લિકેશન આવી હતી, જેમાં અમારી ટીમની ઇનોવેશન એપ્લિકેશનની પ્રથમ ૧૦૦ સ્ટાર્ટઅપમાં પસંદગી પામી છે. અમારું લક્ષ્ય આગામી ઇસ્તંબુલમાં યોજાનાર સ્ટાર્ટઅપમાં પ્રેઝન્ટેશન કરીને ટીમ વિજેતા બને તેવો અમારો પ્રયાસ કરીશું. - માલવ શાહ