650 ગ્રામ વજન સાથે અધૂરા મહિને જન્મેલી બાળકીને 'કાંગારૂ મધરકેર' દ્વારા 53 દિવસ બાદ જીવનદાન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલની અજબ ઘટના - નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવાયો
ગર્ભાવસ્થાના 7 માસે શિશુનો જન્મ થતાં અરૂણાબેનના ત્યાં પારણું બંધાયું ત્યારે તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી હતી. પરંતુ આ લાગણી સાથે એક ગંભીર ચિંતા પણ પ્રસરી હતી. આ બાળકી માત્ર 650 ગ્રામ વજન સાથે જન્મી હોવાના કારણે સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો હતો. સિવિલના તબીબો માટે પણ આ ઘટના પહેલી વહેલી હોવાના કારણે ખૂબ જ પડકારજનક બની રહી. અસામાન્ય સંજોગો સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબોએ સતત 53 દિવસ સારવાર કરી જીવનદાન આપ્યું છે. અરૂણાબહેનની બાળકી 'લક્ષ્મી' 1 કિલો 200 ગ્રામ વજન સાથે પોતાના ઘર સ્વસ્થ થઇને પહોંચી.
પિડિયાટ્રીકસ ડિપાર્ટમેન્ટના વડા ડા. જોલી વૈષ્ણવ અને ન્યુબોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ (એન.આઇ.સી.યુ.)ના ઈન્ચાર્જ ડા. સુચેતા મુનશી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં માત્ર 650 ગ્રામ જેટલું ઓછુ વજન ધરાવતા બાળકનો સૌ પ્રથમ કિસ્સો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે બાળકનું વજન દોઢ કિલોથી ઓછું હોય તો 'વેરી લો બર્થ વેઈટ'ની કેટેગરીમાં સ્થાન પામે છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરાના વતની 26વર્ષીય અરૂણાબહેન ચમારની પ્રથમ સુવાવડના સમયે બાળકીને જન્મ આપતાં આ સ્થતિ ઊભી થઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશર, લોહીના ત્રાક-કણો ઓછા થતાં તેમજ લિવર પર સોજાની ગંભીર તકલીફ ઊભી થતા માતા અને બાળકના હિતમાં માત્ર 7મહિને હોસ્પિટલમાં નોર્મલ ડિલીવરી કરાવી હતી. બાળકી માટે સિવિલ હોસ્પિટલ દ્વારા 'કાંગારૂ મધર કેર'ની પણ વ્યવસ્થા કરી હતી. દિવસમાં 8 થી 12 કલાક સુધી બાળકીને તેની માતાની છાતી પર રાખવામાં આવી હતી. આ સ્પર્શ અને સંપર્કથી બાળકને પોષણની સાથે-સાથે તેનું વજન, રોગપ્રતિકારક શક્તિ અને તેની પાચનક્રિયાનો પણ પૂર્ણરૃપથી વિકાસ થયો હતો.
ફેફસાં અલ્પવિકસિત હોવાથી શરૂઆતના 3 દિવસ બાળકીને વેન્ટિલેટર પર રખાઈ હતી
'બાળકનો અધૂરાં માસે જન્મ થયો તેમજ વજન પણ 650 ગ્રામ હોવાથી અનેક પ્રકારની જટિલતાઓ જેવી કે ફેફસાં અને મગજનો અપૂરતો વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિ નહિવત હોવાના લીધે બાળકને 'ન્યૂબોર્ન ઈન્ટેસિવ કેર યુનિટ'(એન.આઇ.સી.યુ.) ખાતે રાખી સારવાર આપવામાં આવી. બાળકીના જન્મ સમયે ફેફસાં અલ્પવિકસિત હોવાથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતા શરૂઆતના ત્રણ દિવસ દરમિયાન બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યુ હતું. નવજાત શિશુને પૂરતા પ્રમાણાં ગ્લુકોઝ, પ્રોટીન અને અન્ય વિટામિન મળી રહે તે માટે 15 સેન્ટીમીટર જેટલી વાળ જેવી પાતળી લાઈન નસમાં નાખવામાં આવી હતી, જેના દ્વારા સતત 23 દિવસ સુધી બાળકને પોષણ મળતંુ રહ્યું. તાજા જન્મેલા બાળક માટે માતાનું ધાવણ ઉત્તમ ગણાય છે, જેથી બાળકના નાકમાં નળી નાખીને માતાનું ધાવણ આપવામાં આવતું હતું.