નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરી દિવ્યાંગ વિદ્યાર્થીઓની કેટેગરીમાં ધો-12 સા.પ્ર.માં મેળવી જ્વલંત સિદ્ધિ
દ્રષ્ટિ ગૂમાવી પણ હિમ્મત નહી
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા શહેરમાં કેટલાક પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવ્યા છે. સામાન્ય રીતે ઘણા લોકો પોતાની શારીરિક ક્ષતિને પોતાના જીવનની સૌથી મોટી અડચણ માનીને પોતાની કારકિર્દી પર પુર્ણવિરામ મુકી દે છે તો વળી કેટલાક નિરાશ થઇને જીવન ટૂંકાવી દેવાનો પણ પ્રયત્ન કરતા હોય છે ત્યારે આવા દરેક લોકો માટે તલહા ઘાંચી અને ફહદ પઠાણનું જીવન એક ઉત્તમ ઉદાહરણ બની શકે છે. પોતાની આંખોથી દુનિયાને જોનાર વ્યક્તિને જ્યારે એક એક ક્ષણે જોવા માટે બીજાનો સહારો લેવો પડે ત્યારે તે કેટલો ઓશિયાળો બની જાય તે પરિસ્થિતિનું આલેખન શક્ય નથી પરંતુ આવી કપરી પરિસ્થિતિને હંફાવી દેનારા લોકો હીરો કરતા કંઇ કમ નથી. તલહા ઘાંચી અને ફહદ પઠાણ બન્ને સંપૂર્ણપણે બ્લાઇન્ડ છે છતાં નોર્મલ બાળકોની સાથે એફ.ડી સ્કૂલમાં એક જ બેન્ચ પર બેસીને ભણ્યા છે. દિવ્યાંગ સ્ટુડન્ટ્સને આ બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે માત્ર ૨૦ ટકા ગુણની જરૃર હોય છે પરંતુ ધોરણ-૧૨ આર્ટ્સમાં તલહા ૫૩ ટકા અને ફહદ ૪૬ ટકા સાથે ઉતિર્ણ થયો છે.
ભૂગોળ વિષય મેદાનમા લઇ જઇને સમજાવતી હતી
તલહા અને ફહદ વધુ સારી રીતે ભણી શકે તે માટે સરકારની યોજના અંતર્ગત અઠવાડિયામાં બે દિવસ અંધજનમંડળમાંથી સ્પેશિયલ એજ્યુકેટર હર્ષિદાબેન મહેતા તેમને ભણાવવા આવતા હતા. નોર્મલ ક્લાસની સાથે સાથે આ દિવ્યાંગ સ્ટુડન્ટ સ્પેશિયલ એજ્યુકેશન પણ લઇ શકે તે માટે સ્કૂલે પણ તેમના અલગ ક્લાસની વ્યવસ્થા કરી હતી જેમાં તેઓ તેમને ભણાવતા. આ અંગે વાત કરતા હર્ષિદાબહેને કહ્યું કે, તેઓને તર્કશાસ્ત્ર ફાવતુ નહતું એટલે મે તેમને ભૂગોળ વિષય લેવડાવ્યો હતો જે સ્કૂલમાં નહતો અને આ વિષયમાં તેઓને વધારે તકલીફ પડતી. તેઓ સરળતાથી સમજી શકે તે માટે તેમને મેદાનમાં લઇ જઇને સમજાવતી હતી. આગળ તલહાને પેરામેડિકલ અને ફહદને કોલેેજ કરવા માટે માર્ગદર્શન આપ્યું છે.
અચાનક દ્રષ્ટિહીન થયેલો તલહા નોર્મલ બાળકો સાથે ભણી 53%એ ઉતિર્ણ થયો
જુહાપુરા વિસ્તારમાં રહેતો તલહા ભણવામાં ખુબ હોશિયાર, દરેક વર્ષે ઉંચા પરિણામ સાથે પાસ થતો અચાનક ૭માં ધોરણમાં તેને થોડું ઓછું દેખાવા માંડયું. ડોક્ટરને કન્સલ્ટ કરતાં તેઓએ કહ્યું કે જેમ જેમ સમય જશે તેમ તેમ હજુ તેની દ્રષ્ટિ નબળી થતી જશે. ૯માં ધોરણમાં તે સંપૂર્ણ દ્રષ્ટિહીન થઇ ગયો. કે.જી.થી જ નોર્મલ શાળામાં ભણતા તલહાને બ્રેઇન લિપિ આવડતી નહતી. અત્યાર સુધી નોર્મલ સ્કૂલમાં ભણતો હોવાથી તેણે ત્યાંજ ભણવાનું ચાલુ રાખવાનું પસંદ કર્યું અને સ્કૂલે પણ સહકાર આપ્યો. આ અંગે વાત કરતા તલહાના ભાઇ ભુકરાન ઘાંચીએ કહ્યું કે, સારું પરિણામ મેળવવા તે જાતે જ મહેનત કરતો. સ્કૂલ ઉપરાંત ઘરે આવી તે લેક્ચર સાંભળતો અને હું તેને પ્રશ્નો પુછતો. મારા પિતાનું અવસાન થયું હોવાથી નાના ચાર ભાઇ-બહેનને ભણાવવા માટે હું માત્ર ૧૦ ધોરણ ભણી શક્યો એટલે હું તલહાને ભણાવવા વધારે મહેનત કરું છું. હવે તલહા વધુ અભ્યાસ માટે ફીઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરશે.
દરેક સ્કૂલે ભણાવવાની ના પાડી દિધી હતી
ફહદ પઠાણના પિતા ઇસ્માઇલ પઠાણ પાલનપુરમાં મજૂરી કામ કરે છે. પોતાના માતા-પિતાની સપનાં પૂરાં કરવા માટે ફહદ અમદાવાદ ભણવા આવ્યો હતો. તેની આંખોની દ્રષ્ટિ જતી રહેતા સરખેજ ખાતે આવેલી અને બ્લાઇન્ડ લોકોને મદદ કરતી સંસ્થાએ તેમની હોસ્ટેલમાં રહેવા જગ્યા આપી પરંતુ હવે દિવ્યાંગ સ્ટુડન્ટને નોર્મલ બાળકો સાથે બેસાડીને કંઇ સ્કૂલ ભણાવે તે પ્રશ્ન હતો. આ અંગે વાત કરતા ફહદે કહ્યું કે, દરેક સ્કૂલે મને ભણાવવાની ના પાડી દીધી હતી તેઓને ડર હતો કે અન્ય બાળકો વિરોધ કરશે અને ડિસીપ્લીન નહી જળવાય. ત્યારબાદ એફ.ડી સ્કૂલે મને એડમિશન આપ્યું અને પહેલી બેન્ચ પર હું અને તલહા અન્ય બાળકોની સાથે બેસીને ભણતા હતા જેેને પરિણામે હું ૪૬ ટકા લાવી શક્યો.