કબીરના દોહા-પદોમાંં આધ્યાત્મિકતા રહેલી છે જે વ્યક્તિના આંતર જીવનમાં અજવાળું ફેલાવે છે
ગુજરાત વિશ્વકોશમાં સંત કબીરના ૬૨૧મા પ્રાગટય મહોત્સવ નિમિત્તે વક્તવ્ય
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ભવનમાં ધર્મતત્વ દર્શન વ્યાખ્યાનશ્રેણીમાં સંત કબીરના ૬૨૧મા પ્રાગટય મહોત્સવ નિમિત્તે 'અગિયારમી દિશાનું અજવાળું' વિષય પર વક્તવ્યનું આયોજન કરાયું હતું, જેમાં સાહિત્યકાર ડૉ.કુમારપાળ દેસાઇ, સંતશ્રી નિર્મદ દાસજી અને સંતશ્રી જ્ઞાાનસાહેબ ઉપસ્થિત રહ્યાં હતા. આ વિશે વાત કરતાં મુખ્ય વક્તા તરીકે કુમારપાળ દેસાઇએ કહ્યું કે, દસ દિશાઓને આપણે સારી રીતે જાણીએ છે પરંતુ માનવીના ભીતરમાં રહેલી અજ્ઞાાત એવી અગિયારમી દિશાની સંત કબીરે માનવજાતને ઓળખ આપી છે. કબીરના દોહા અને પદોમાંં એક એવી આધ્યાત્મિકતા રહેલી છે જે વ્યક્તિના આંતર જીવનમાં અજવાળું ફેલાવે છે. કબીર કહે છે કે, તમારી અંદર એક એકાંત કુટિર બનાવી દો અને હંમેશા એમાં થોડા સમય માટે જતા રહો તો તમને ચીર શાંતિ મળશે.'
સામાન્યમાં અસામાન્યતા એજ કબીરની મહાનતા છે
સંત કબીરની ખ્યાતિ માત્ર ભારત સિમિત ન હતી. આજે ૬૦૦ વર્ષ પછી પણ સંત કબીર વિશેનો અભ્યાસ અમેરિકા,ઇંગ્લેન્ડ અને ચીનના વિદ્વાનો દ્વારા કરવામાં આવે છે. સામાન્યમાં અસામાન્યતા એજ કબીરની મહાનતા છે. સમગ્ર જીવન સત્યના માર્ગે ચાલીને લોકોને સત્યનો મહીમા સમજાવ્યો હતો.