કડવા પાટીદારની 27 વર્ષીય દીકરી સોનુ પટેલ દીક્ષા લઈ પ્રવજ્યાના પંથે પ્રયાણ કરશે
અમદાવાદ રાજનગરે રિવરફ્રન્ટ પાલડીના પટાંગણમાં વૈરાગ્ય રંગોત્સવ મંડપે સામુહિક દીક્ષા
સાબરમતી નદીના કિનારે પાલડી વિસ્તારમાં રિવરફ્રન્ટ પર ઉત્સવ ઉપવનમાં સૂરિરામચંદ્ર સામ્રજ્યવર્તી, જીર્ણોદ્ધાર જ્યોતિર્ધર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે ૩૦મી જાન્યુઆરીએ વસંતપંચમીના શુભ દિવસે અમદાવાદ, લાડોલ, સતલાસણા, મુંબઇ, બેંગ્લોર, પૂના, આણંદ જેવા શહેરોમાં વસવાટ કરતાં આશરે ૨૦ મુમુક્ષુઓ દીક્ષા લેશે. દીક્ષા ઇચ્છુક મુમુક્ષુઓમાં ૧૪ વર્ષથી માંડી ૮૮ વર્ષની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આખો પરિવાર એક સાથે દીક્ષા લઇ રહ્યો હોય એવા લોકો પણ આ સમારંભમાં સામેલ છે.
પહેલાં આર્મીમાં જોડાઇ દેશનું રક્ષણ કરવું હતું, હવે દીક્ષા લઇને છ-છ કાયના જીવોની રક્ષા કરવી છે
'હું નાની હતી ત્યારથી મને બંદૂક બહુ ગમતી હતી. મારે આર્મીમાં ભરતી થઇ દેશની સેવા કરવી હતી. પણ હાઇટ નાની પડતાં એ શક્ય ન બન્યું એટલે એન્જિનિયર બનવાનું નક્કી કર્યું. અમે પટેલ હોવા છતાં અમારે ત્યાં ઘણી વખત મહારાજ સાહેબ વોરવા આવતા. મહારાજ સાહેબને શરદી, ખાસી થયા હોવાથી, હું ઘરે આવી ત્યારે મમ્મીએ મને ઉપાશ્રયમાં દવા આપી આવવા કહ્યું. અમે પટેલ છીએ એટલે મહારાજ સાહેબ કેવા લાગે એ મેં જોયા નહોતા. હું દવા લઇને ઉપાશ્રયમાં ગઇ, ત્યાં મહારાજ સાહેબને મળી. તેમની સાથે વાતો કરી. એ વખતે મારી ઉંમર ૨૦ વર્ષની હતી. તેઓ દીક્ષા શા માટે લે છે? દીક્ષા લીધા પછી આખો દિવસ શું કરે છે? વગેરે જેવા જાત જાતના પ્રશ્નો પૂછયાં. એમની સાથે વાતો કરીને મને પણ દીક્ષા લેવાનું મન થયું. મેં ઉપાશ્રયમાં જવાનું શરૃ કર્યું. જૈન ધર્મનો અભ્યાસ કર્યો. અઠ્ઠાઇ, સાત જાત્રા પાલિતાણાની કરી. એન્જિનિયરનો અભ્યાસ છોડી સાધવી પાસે રહેવા લાગી. હવે માતાપિતાની ઇચ્છાથી હું દીક્ષા લઇ રહી છું. પહેલાં આર્મીમાં જોડાઇ લોકોનું રક્ષણ કરવું હતું, હવે દીક્ષા લઇને છ-છ કાયના જીવોની રક્ષા કરવી છે.' - સોનુ પટેલ
સંસારમાં દોડધામ કરીને એક લેવલ પર પહોંચવા છતાં સુખની પ્રાપ્તિ ન થઇ
'અન્ડર ૧૯માં નેશનલ અને ઇન્ટરનેશન લેવલે ક્રિકેટ રમી ચૂકી છું. સતત છ વર્ષ સ્પોર્ટસ રમ્યા બાદ સંજોગોવસાત આગળ રમી શકી નહીં. રેકી, હિલિંગ, આર્યુવેદમાં ચરક સંહિતા જેવા વિવિધ થેરાપીમાં માસ્ટરી મેળવ્યા બાદ ક્રોનિક ડિસીસને દૂર કરવા ક્લિનિક શરૃ કર્યું. બી.પી. થી માંડી કેન્સરના દર્દીઓની ટ્રિટમેન્ટ કરી હતી. મમ્મીએ મને ધર્મનું જ્ઞાાન મેળવવાની પ્રેરણા આપી. બીજી બાજુ આઇઆઇએમ અમદાવાદમાંથી એમ.બી.એ. કરવું હતું એ માટે ૯૬.૪ પર્સનટાઇલ પણ મેળવ્યાં. પરંતુ જેમ જેમ ધર્મનું જ્ઞાાન મેળવતી ગઇ તેમ એમાં ઊંડી ઉતરી ગઇ. મને એમાં સુખ મળવા લાગ્યું. છેવટે આ સંસાર ત્યજી દેવાનું નક્કી કર્યું.' - ઉષ્મા જૈન
તપ કરીને આત્મકલ્યાણના માર્ગે જવું છે
'હું ૨૦ વર્ષની હતી ત્યારે મને દિક્ષા લેવાનો ભાવ થયો હતો. પણ એ વખતે હું બોલી ન શકી. પછી લગ્ન થયાં અને જવાબદારીઓ આવી એટલે વિચાર બદલાઇ ગયો અને દિક્ષા લેવાની ઇચ્છા મનને એક ખૂણે દબાઇ ગઇ, પરંતુ જ્યારે મારી દીકરીમાં આ ભાવ જાગૃત થયો ત્યારે મેં તેને ન રોકી. તેને દિક્ષા લીધેને આજે ૨૮ વર્ષ થઇ ગયાં. એ પછી મારામાં ભાવ દ્રઢ થતો ગયો અને મેં દિક્ષા લેવાનું નક્કી કર્યું. પરંતુ પતિ અને દીકરીની બીમારીએ મને રજા ન આપી. આજે હું એ જવાબદારીમાંથી મુક્ત થઇ ગઇ છું. હવે તપ કરીને આત્મકલ્યાણના માર્ગે જવું છે.' - સુશીલાબહેન શાહ
સંસારના નશ્વર સુખનો ત્યાગ કરી મોક્ષના માર્ગે આગળ વધવું છે
'હું બિઝનેસમેન છું, મારી બે બહેન અને માતા દીક્ષા લઇ ચૂક્યાં છે. મનમાં ૨૫ વર્ષથી દીક્ષાનો ભાવ ચાલે છે. એમાં છેલ્લાં સાત વર્ષથી ભાવ દ્રઢ બન્યો અને આ દીશા તરફ જવાના પ્રયત્નો પ્રબળ બન્યાં. હવે પરિવારે પરવાનગી આપી છે. તેથી તેમનો આભારી છું. આત્મ કલ્યાણ અને ચારિત્ર ધર્મને ઉજળું બનાવવા તથા મોક્ષ માર્ગે આગળ વધવા દીક્ષા લેવી છે. સુખ નાશ્વર છે. જ્યારે અહીં જે સુખ છે એ કાયમી છે.' - રજનીકાંત શાહ