રેઈન વોટર હાર્વેસ્ટિંગ : ચાર મહિના પાણી બચાવો, બાર મહિના વાપરો
ચોમાસામાં જળસંચય કરતી અમદાવાદની સ્માર્ટ સોસાયટીઓ
વોટર હાર્વેસ્ટિંગનો ખર્ચ ૬૦ હજારથી શરૃ કરી સવા બે લાખ થાય છે
ભવિષ્યમાં જળ સંકટ આવશે એવી સ્થિતિ સ્પષ્ટપણે વર્તાઇ રહી છે. પૈસા વેરતા પાણી નહીં મળે એવું પણ બનશે. આવી સ્થિતિમાં કુદરતના આ અમૂલ્ય સ્રોતને બચાવવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો વિકલ્પના એક ભાગ તરીકે ઉપયોગ કરી શકાય. પહેલાં પોળોના મકાનોમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા હતી, જે સમય જતાં નષ્ટ થતી ગઇ પણ હવે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને રિચાર્જ વૅલ દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ કરવું શક્ય છે. જે વરસાદમાં વહી જતા લાખો લીટર પાણીનો ઉપયોગ કરી શકાય છે.
વરસાદનું સંગ્રહ કરેલું પાણી રસોઇ અને પીવામાં કરીએ છીએ
જજીસ બંગ્લોઝ, બોડકદેવ
'આજથી દસ વર્ષ પહેલાં મેં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વિશે ક્યાંક વાંચ્યું હતું. હું તેનાથી ઇમ્પ્રેશ થઇ ગયો અને મેં મારા બંગલામાં કરાવવાનું નક્કી કર્યું. અમે ૧૫ હજાર લીટરની અંડરગ્રાઉન્ડ ટાંકી કરાવી અને આ સિસ્ટમ નખાવી. વરસાદના પાણીનો ઉપયોગ અમે રસોઇ અને પીવામાં કરીએ છીએ. પાંચ જણના અમારા પરિવારને વર્ષ દરમિયાન આ પાણી પૂરતું થઇ પડે છે. આ પાણીનું પીએચ લેવલ યોગ્ય હોવાથી સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી છે.
જમીનની નીચે પાણીનાં સ્તર બહુ નીચે ઉતરી ગયા છે. તેથી છ વર્ષ પહેલાં બંગલાનું રિનોવેશન કરાવ્યું ત્યારે બીજુ નાનું રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન્સ્ટોલ કર્યું. એમાં વરસાદનું પાણી અમારા ફેઇલ ગયેલા બોરમાં થઇ સીધું જમીનમાં ઊતરી જાય છે. એનાથી નીચે ગયેલા પાણીના લેવલને ઉપર લાવી શકાય છે. સારો વરસાદ પડે તો એક-બે લાખ લીટર પાણી રિચાર્જ થાય છે. જો આ સિસ્ટમ બધા અપનાવે તો લાખો લીટર પાણી જમીનમાં ઉતારી શકાય. જેમ દરેક નાગરિકના મૂળભૂત અધિકારો છે એ રીતે કુદરતી સ્રોતનું જતન કરવું એ મૂળભૂત ફરજ છે. આ ફરજનું દરેક નાગરિકે પાલન કરી પવિત્ર ફરજને અદા કરવી જોઇએ.' - રવિન્દ્રભાઇ શાહ, એડવોકેટ- હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ
નવી-જૂની દરેક સોસાયટીમાં રિચાર્જ વૅલ બનાવવા જોઇએ
આસ્કા એલિગન, ગોતા
'અમારી સોસાયટીમાં રિચાર્જ વૅલને કારણે વરસાદનું પાણી ગટરમાં વહી ન જતા બનાવેલા રિચાર્જ વૅલ દ્વારા જમીનમાં ઊતરી જાય છે. ચોમાસું આવે એ પહેલાં સોસાયટીની મહિલાઓ ભેગી થઇને એને સાફ કરી નાંખે છે. અમારા ગામમાં બે દિવસે એક વખત પાણી આવે છે. પાણીની સમસ્યા વિકટ બની રહી છે. આવી સ્થિતિમાં સોસાયટી નવી હોય કે જૂની બધે રિચાર્જ વેલ બનાવવા જોઇએ.'- સંજય પટેલ, (ચેરમેન)
એક દાગીનો ઓછો પહેરીશું તો ચાલશે પણ પાણીનો સંગ્રહ નહીં કરો તો નહીં ચાલે
ચિનાર બંગલો, પ્રહલાદનગર
'હું મૂળ ભરૃચની છું. મેં મારા બાળપણમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ પીવાના પાણી તરીકે થતો જોયો છે. સમયની સાથે બધું વિસરાઇ ગયું. આશરે ૧૩ વર્ષ પહેલાં અમદાવાદમાં અમારો બંગલો બની રહ્યો હતો ત્યારે એક વખત પાણીની બહુ તરસ લાગતાં બાજુવાળા પાસે પીવાનું પાણી માંગ્યું. એ પાણી બોરનું હતું એનું ટીડીએસ ૧૮૦૦ ઉપર હતો. તપાસ કરતાં ખબર પડી કે અહીં તો આવું જ પાણી આવે છે. એ વખતે કોર્પોરેશનનું પાણી આવતું નહોતું. એટલે વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો વિચાર આવ્યો. પણ કરવું કેવી રીતે? હું માઇક્રોબાયોલોજી ભણી હતી તેથી એ દિશામાં તપાસ શરૃ કરી.
ઘણી મથામણના અંતે અમે ૩૫ હજાર લિટરનો પાણીનો ટાંકો ગાર્ડનની નીચે બનાવડાવી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નખાવી. પહેલો વરસાદ પડે એટલે અમે ધાબુ સાફ કરી દઇએ. બીજા વરસાદમાં વાલ ખોલી દઇએ એટલે ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા પાણીના ટાંકામાં જમા થાય. બે-ત્રણ સારા વરસાદમાં જ પાણીનો ટાંકો ભરાઇ જાય છે. સંગ્રહ કરેલું પાણી પ્યોરીફાઇ થઇ રસોડામાં આવે છે. એનો ઉપયોગ પીવામાં અને રસોઇમાં થાય છે. બારેમાસ આ જ પાણી વાપરવા છતાં પાણી ખૂટતું નથી. પાણીને બચાવવાની જવાબદારી ફક્ત ગવર્મેન્ટની નથી આપણી પણ છે. એક દાગીનો ઓછો પહેરીશું તો ચાલશે પણ પાણી વગર નહીં ચાલે.' - ગીતાબહેન પરીખ
રિચાર્જ વૅલને કારણે અમારા બોરના પાણીનું લેવલ ઊડું ઉતરી ગયું નથી
આર્યન ક્રિસ્ટલ, ગોતા
'નવા કન્સ્ટ્રક્શનમાં રિચાર્જ વૅલ કરાવવો કમ્પ્લસરી છે તેના વગર બીયુ પરમિશન મળતી નથી. તેથી જેટલી પણ નવી સ્કિમ બની છે અથવા બની રહી છે એમાં રિચાર્જ વૅલ બન્યા છે. એ બહુ સારી બાબત છે. અમારી સોસાયટીમાં બે રિચાર્જ વૅલ છે. તેનાથી વરસાદનું પાણી જમીનમાં ઊતરી જવાથી આમારા બોરમાં પાણીનું લેવલ બધાની જેમ ઊંડું ઊતરી ગયું નથી.' - પરેશભાઇ પટેલ (ચેરમેન)
રેઇન વોટર હાર્વેસ્ટિંગના ફાયદા
કુદરતી શુદ્ધ પાણી પીવા મળે છે.
કોઇજાતના જીવાણું કે વિષાણું હોતા નથી
પાણીને શુદ્ધ કરવા ક્લોરિનેશન કરવું પડતું નથી.
આખુ વર્ષ પાણી શુદ્ધ રહે છે.
પીએચ નોર્મલ હોય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત
જે ટાંકામાં વરસાદનું પાણી જમા થતું હોય એમાં સૂર્યપ્રકાશનું કિરણ પ્રવેશે નહીં એ રીતે તેને સીલ કરવું જોઇએ. નહીં તો એમાં માઇક્રોઓર્ગેનિઝમ ડેવલપ થાય છે અને તે પીવાલાયક રહેતું નથી. માઇક્રોઓર્ગેનિઝમનો ગ્રોથ ન થાય એ માટે ટાંકામાં તાંબાનું કોઇપણ વાસણ નાખવું જોઇએ.