'બસમાં યંગ બોય્સ કરતા પિતાની ઉંમરના પુરૂષોનો વધુ ત્રાસ હોય છે'
'સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ પ્રિઝર્વેશન' પર સેમિનારમાં વિદ્યાર્થિનીઓએ કહ્યું કે,
જે.જી. ઇન્સ્ટિટયુટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા જે.જી કન્વેન્શન હોલ, એશિયા કેમ્પસ ખાતે વુમન ડેવલપમેન્ટ સેલ અંતર્ગત 'અવેરનેસ ઓન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ પ્રિઝર્વેશન' વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં, ઇન્ડસ્ટ્રી એકેડેમિશિયન, લાઇફ કોચ અને મોટીવેશનલ સ્પીકર બિંદિયા બક્ષી છાયા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કોલેજની વિદ્યાર્થીનીઓને જાતીય સતામણી, તેના કારણો અને તેના વિવિધ સ્વરૃપો વિશે જાગૃત કર્યા. આ સાથે જુદા જુદા સ્થળ અંગે ચર્ચા કરી કે જ્યાં આવી ઘટનાઓ બનવા પામે છે તેને કેવી રીતે ટાળવી તે વિષયમાં ધ્યાન દોર્યું હતું. આ અંગે વાત કરતા બિંદીયા બક્ષીએ કહ્યું કે, સામાન્ય રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની મોટી ઘટના ત્યારે બનતી હોય છે જ્યારે આપણે કોઇ નાની ઘટનાની અવગણના કરીએ છીએ.
ડબલ મીનીંગ જોક, સેક્સ્યુઅલ ફેવર તેમજ એકધારુ જોયા કરવુ એ પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે
ભારતમાં બાળપણથી જ છોકરાઓમાં હું કંઇક છું તેવુ સુપિરિયર સ્ટેટસ આપવામાં આવે છે અને ત્યાથી જ જેન્ડર ઇનઇકવાલીટીનુ બીજ રોપવામાં આવે છે. આ ચેઇનને ત્યાથી જ રોકવાની જરૃર છે. આ ઉપરાંત સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે માત્ર રેપ કે ફિઝીકલ અબ્યુઝ જ નહી. તમારી સાથે કોઇ ડબલ મીનીંગ જોક કરે, સેક્સ્યુઅલ ફેવર માંગે, તમે અનકમ્ફર્ટેબલ હોવ છતા તમારા શરીરના અંગોને જોયા કરે, અશ્લિલ તસવીર મોકલે આ પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે તેને નજરઅંદાજ કરવાની ભુલ ન કરવી જોઇએ. છોકરીઓ હિંમત નથી બતાવતી કહેતા શરમાય છે કાંતો બીવે છે જેના કારણે આવા કેસ વધી રહ્યા છે.- બિંદિયા બક્ષી છાયા
અમે બહાર બધાની સામે જીતી શકીએ છીએ પરંતુ ઘરમાં હારી જઇએ છીએ
આ સેશન દરમિયાન વિદ્યાર્થીનીઓએ તેમની વાત શેરલ કરી હતી ત્યારે એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, છોકરીઓમાં તો હિંમત છે પણ માતા-પિતા દ્વારા ચૂપ કરાવી દેવામાં આવે છે. અમે બહાર બધાની સામે જીતી શકીએ છીએ પરંતુ ઘરમાં હારી જઇએ છીએ કારણકે પેરેન્ટસ સાથે આ પ્રકારની વાત કરવાની ફ્રિડમ નથી. આ ઉપરાંત કઇ જાહેર જગ્યા પર છોકરીઓ વધારે હેરાનગતીનો ભોગ બને છે તે વિશે વાત કરતા વિદ્યાર્થીનીઓ એ કહ્યું કે, બસમાં મુસાફરી કરતી વખતે યંગ બોય્સથી કોઇ તકલીફ નથી પરંતુ અમારા પિતાની ઉંમરના પુરુષોનો સૌથી વધારે ત્રાસ હોય છે.