Get The App

પુસ્તક લાઇબ્રેરી અનેક જોઇ હશે પરંતુ છેલ્લા આઠ વર્ષથી અમદાવાદના વાડજ વિસ્તારમાં 'સાડી લાઇબ્રેરી' ચાલે છે

સ્લમ અને અંડર પ્રિવિલેજ મહિલાઓ મોંઘી સાડી પહેરી શકે તે માટે એક પણ રૃપિયો લીધા વિના સાડી પહેરવા અપાય છે

Updated: Nov 2nd, 2019

GS TEAM

Google News
Google News
પુસ્તક લાઇબ્રેરી અનેક જોઇ હશે પરંતુ છેલ્લા આઠ વર્ષથી અમદાવાદના વાડજ વિસ્તારમાં 'સાડી લાઇબ્રેરી' ચાલે છે 1 - image


'લાઇબ્રેરી'.. સામાન્ય રીતે આ શબ્દ સાંભળતા પુસ્તકોની લાઇબ્રેરી જ જણાય પરંતુ શહેરમાં એવી લાઇબ્રેરી છે જ્યાં સાડી ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે અને તેનું નામ છે 'સાડી લાઇબ્રેરી' મહિલાઓને દરેક પ્રસંગે અને વારતહેવારે કંઇક નવું પહેરવાનો શોખ હોય છે અને તેઓ માર્કેટમાંથી મોંઘા દાટ કપડા ખરીદે છે, તો બીજી તરફ સ્લમ વિસ્તાર અને અંડર પ્રિવિલેજ મહિલાઓ જરૃર પૂરતા કપડાં પણ વારતહેવારે ખરીદી શકતા નથી આ બાબતને ધ્યાનમાં રાખીને ૯ વર્ષ પહેલા ગ્રામશ્રી દ્વારા એક નવો રસ્તો શોધી કઢાયો અને એ છે સાડી લાઇબ્રેરીનો. સ્લમ એરિયાની બહેનોને વધુ દૂર ન જવું પડે તે માટે અમદાવાદના સ્લમ વિસ્તાર રામાપીરના ટેકરા ખાતેના ગ્રામશ્રીના રુદ્ર સેન્ટરમાં હાલ આ સાડી લાઇબ્રેરી કાર્યરત છે.

એક પણ રૃપિયો ભાડું લીધા વગર માત્ર ડ્રાયક્લિન કરી પાછી આપવાની શરતે અપાય છે 

અમારા ગુ્રપમાં ભરતગૂંથણ કરતી બહેનોનું ગુ્રપ ખૂબ મોટું છે આ ઉપરાંત રામાપીરના ટેકરે રહેતી મહિલાઓ અને અમારી સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલી બહેનોને અમે આ સાડી આપીએ છીએ. આ કામગીરી ૯ વર્ષથી થઇ રહી છે પરંતુ આ અંગે લોકોને જાણ નથી એટલે રામાપીરના ટેકરાની અને ભરતગૂંથણ કરતી બહેનો જ હાલ તેનો બહોળો લાભ ઉઠાવી રહી છે. લાડી લાઇબ્રેરીમાં રહેલ કોઇ પણ સાડી કે ચણીયાચોળીને એક પણ રૃપિયો લીધા વગર માત્ર ડ્રાયક્લિન કરીને પાછી આપવાની શરતે આપવામાં આવે છે અને બહારની કોઇ મહિલા હોય તેને ૫૦ રૃપિયા જેવા નજીવા દરે એક અઠવાડીયાથી ૧૦ દિવસના સમય માટે આ કપડા આપી છે. - છવી સંઘવી, ગ્રુપ મેમ્બર

૨૫૦થી લઇને ૮ હજાર સુધખની સાડીઓ છે

ઘણી એવી મહિલાઓ છે જે બેથી ત્રણવાર પહેરેલી સાડી રિપીટ નથી કરતી અને તે માત્ર કબાટમાંજ પડી રહે છે તે માટે ગ્રામશ્રીની સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થતી અમદાવાદ લેડીઝ સર્કલ-૬૪ની બહેનો આવી સાડીઓ કલેક્ટ કરે છે અને વધુને વધુ સ્લમની બહેનો આનો લાભ લે તે માટે અવેરનેસ લાવવાનું કાર્ય કરે છે,જેથી સ્લમની મહિલાઓ મોંઘી સાડીઓ પહેરી અને તેમનો શોખ પુર્ણ કરી શકે. અહીં ૨૫૦ રૃપિયાથી લઇને ૮ હજાર સુધીની સાડીઓ મુકાયેલી છે.  સ્લમની મહિલાઓ દુકાન અને શો રૃમ જેવી ફિલીંગનો અનુભવ કરી શકે તે રીતની ગોઠવણી કરવામાં આવી છે. અહી ૨૦૦ થી વધુ નંગ સાડી, ચણીયાચોળી તેમજ શેરવાની પણ છે.

દિવાળીમાં ૨૦ દિવસ પહેલાં મહિલાઓએ બુકિંગ કરાવ્યું

દર વીસ દિવસે લાઇબ્રેરીમાં રહેલી સાડીઓની કંડીશન ચેક કરવામાં આવે છે જોતે પ્રસંગમાં પહેરવા લાયક ન હોય તે તરત તેનો નિકાલ કરવામાં આવે છે. નિકાલમાં ખૂબજ જરૃરિયાત મંદ મહિલાઓને આ આપી દેવામાં આવે છે આમ, અંત સુધી આવેલી સાડીઓને મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.સામાન્ય રીતે જેના ઘરે પ્રસંગ હોય ત્યારે તે બહેન સાડી લઇ જાય પરંતુ દિવાળીના સમયમાં લાઇબ્રેરીમાં સ્લમની બહેનોએ ૨૦ દિવસ પહેલા જ તેમને ગમતી સાડીઓનું બુકિંગ કરાવ્યું હતું.  - નીતાબેન જાદવ, કો-ઓર્ડિનેટર

Tags :