Get The App

સર્જન ટાવરના રહિશોની પાણી બચાવવાની અનોખી ઝૂંબેશ

ઘરકામ કરવા આવતા કામવાળા સાથે મિટિંગ કરી પાણીનું મહત્વ સમજાવ્યું : પાણીનો વ્યય કરનાર ફેમિલીને રૂ.500નો દંડ

Updated: Jun 12th, 2019

GS TEAM

Google News
Google News
સર્જન ટાવરના રહિશોની પાણી બચાવવાની અનોખી ઝૂંબેશ 1 - image


સંતાનોના ઉજજ્વળ ભવિષ્ય માટે પૈસાની જે રીતે બચત કરીએ છીએ. એ રીતે હવે અત્યારથી જ પાણીની બચત કરવી જરૃરી છે. મેમનગરમાં આવેલા ૨૫ વર્ષ જૂના સર્જન ટાવરમાં એનું અમલીકરણ શરૃ થઇ ગયું છે.  

એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે ઘરકામ કરતાં કામવાળા સૌથી વધારે પાણીનો વ્યય કરે છે. તેઓ વાસણ અને કપડાં ધોતી વખતે નળ ચાલુ રાખે છે. કામવાળાને તો કામથી મતલબ હોય છે. તેઓ પાણીની બચતથી અજાણ હોય છે. તેથી તેમને એ અંગેનું જ્ઞાાન આપવું બહુ જરૃરી છે. એ પ્રયત્ન સર્જન ટાવરમાં કરવામાં આવ્યો. 

પાણી વેડફનારને 500 રૂપિયા દંડ કરવામાં આવે છે

'અમારી સોસાયટીમાં ૬૪૪ ફ્લેટ અને ૧૪ બ્લોક છે. દરેકને પાણી યોગ્ય પ્રમાણમાં મળે અને પાણીનો બગાડ ન થાય એ માટે એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે, જેના ઘરમાંથી પાણી ઓવર ફ્લો થઇને બહાર આવે અથવા અજાણતા પાણીનો નળ ખુલ્લો રહી ગયો હોય તો તેમની પાસેથી ૫૦૦ રૃપિયા દંડ પેટે લેવામાં આવે છે. જેથી બીજી વખત દંડ ભરવો ન પડે તેનું એ ધ્યાન રાખશે અને પાણીનો બગાડ અટકશે. બીજું સોસાયટીમાં કામ કરતાં કામવાળાઓને પાણી છૂટથી ન વાપરવાની સમજ આપવામાં આવી છે.'  દેવેન્દ્રભાઇ ભાવસાર, ચેરમેન

કામવાળાઓને નળ ચાલુ રાખીને વાસણ ઘસવાની ટેવ બંધ કરાવી

'પહેલાં અમારા કામવાળા બહેનને નળ ચાલુ રાખીને વાસણ ઘસવાની ટેવ હતી. એ ટેવ ટોકી ટોકીને બંધ કરાવી છે અને તેમને મોટું ટબ લાવી આપ્યું છે જેથી વાસણ ધોયા પછી ટબનું પાણી ચોકડી ધોવામાં લઇ લે. પોતા કરતી વખતે એક ડોલમાં પાણી લઇને એક જ રૃમમાં પોતા મારતી. હવે એ જ પાણી બે રૃમમાં પોતામાં ઉપયોગ કરે છે. અમે ઘરના સભ્યો પણ શાવરમાં નાહવાનું ટાળીએ છીએ. હું પોતે પાણી બચાવવામાં માનું છું તેથી પાણી બચાવવાના મારાથી બનતા પ્રયત્ન કરું છું.' - હેતલ મેહતા

મારા બાળકોને અત્યારથી પાણીના મૂલ્યને સમજાવું 

'હું સૌરાષ્ટ્રની છું એટલે પાણીના મહત્ત્વને બહુ સારી રીતે સમજુ છું. અહીં પાણી સરળતાથી મળી રહે છે એટલે લોકો છૂટથી ઉપયોગ કરે છે. તેથી પાણીની બચત અંગે વિચારતા નથી. હું શક્ય હોય એટલું પાણી બચાવવાનો પ્રયત્ન કરું છું. જેમ કે, કામવાળા બહેન વાસણમાં વધારે પાણી ન વાપરે એટલે ટબ લઇ આવી છું. શાવરમાં નાહવાથી પાણી કેટલું વપરાય છે એની ખબર નથી પડતી એટલે ઘરમાં બધાને ડોલમાં પાણી ભરી નાહવાની સલાહ આપું છું. મારા બાળકો નાના છે તેઓ અત્યારથી જ પાણીની વેલ્યુ સમજે એટલે તેમને પાણીની બચત કરતા શીખવું છું.- શ્વેતા સવાણી

Tags :