હાસ્યરસ વ્યકિતને કુદરતી મળેલું અનમોલ વરદાન છે
'સર્વકાલીન હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે' વિશે રતીલાલ બોરીસાગરનું વક્તવ્ય યોજાયું
જેને હાસ્ય સમ્રાટ અને વિદ્વતાના નામની ઓળખ મળી છે તેવા ગુજરાતી સાહિત્યના હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાાન-વિજ્ઞાાન વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત 'સર્વકાલીન હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે' વિશે વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કરાયું હતું. વ્યાખ્યાનશ્રેણીમાં હાસ્યકાર રતિલાલ બોરીસાગરેે સાહિત્યરસિકોને પોતાના હાસ્યનું રસપાન કરાવતા કહ્યું કે, જે વ્યકિતનું જીવન હાસ્યથી ભરપૂર હોય તેને દુઃખ પણ ઓછુ હોય છે. હાસ્યરસ વ્યકિતને કુદરતી મળેલ અનમોલ વરદાન છે.
જ્યોતીન્દ્ર દવેએ મુંબઇમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા હતા. જ્યોતીન્દ્ર દવેએ જીવનભર પોતાની હાસ્યકળાથી લોકોને હસાવવાનું કાર્ય કર્યું હતું જેથી તેમને હાસ્ય સમ્રાટ અને વિદ્વતાના નામની ઓળખ મળી હતી. જ્યોતીન્દ્ર દવેએ પોતાના જીવન દરમિયાન લખેલાં પુસ્તકોને કોઇ વ્યકિત આજે પણ વાચે તો ખડખડાટ હસી શકે છે. સમાજના લોકોએ હાસ્ય સાથે જીવનનું કેન્દ્ર બિંદુ બનાવીને જીવન જીવવું જોઇએ તેના પર વધુ ભાર મૂક્યો હતો અને તેમનું જીવન જીવ્યા હતા.
જ્યોતીન્દ્ર દવેની મુખ્ય રચનાઓમાં રંગતરંગ, ભાગ ૧થી ૬, જ્યોતીન્દ્ર તરંગ, રેતીની રોટલી, વડ અને ટેટા, અમે બધાં નવલકથા તેમજ આત્મકથા, હાસ્ય નિબંધ સંગ્રહ-૧૦, હાસ્ય નવલકથા-૧, તેમજ આત્મકથા અને વિષપાન એ તેમના જીવન પ્રારંભિક અવસ્થામાં રચાયેલું ઔતિહાસિક ત્રિઅંકી નાટક છે. જ્યોતીન્દ્ર દવેના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.