પક્ષપાત દ્વારા આપણે જાતે જ દેશની ભાષાઓને નબળી બનાવી રહ્યા છીએ
IITમાં ગાંધીનગર ખાતે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના સહયોગથી રાજભાષા સેમિનાર
હિન્દી તેમજ અન્ય પ્રાદેશિક ભાષાઓ સત્તાવાર પત્રવ્યવહારમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. પક્ષપાત દ્વારા આપણે જાતે જ દેશની ભાષાઓને નબળી બનાવી રહ્યા છીએ. તેમ સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ હિંદી આગ્રાના ડિરેક્ટર પ્રો. નંદકિશોર પાંડેએ આઈઆઈટી ગાંધીનગર ખાતે હ્યુમન રીસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના સહયોગથી આયોજિત 'રાજભાષા' પર સેમિનારમાં કહ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, ભાષા પ્રત્યેના પક્ષપાતને કારણે બીજી ભાષા પ્રત્યે લોકોની માનસિકતા બદલાતી હોય છે. તેના કારણે પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ ઓછું થાય છે. સંવિધાનમાં હિન્દી ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો અપાયો છે, પરંતુ સત્તાવાર ભાષાના નીતિ નિયમોનું સંપૂર્ણ પાલન કરાયું ન હોવાથી તેમા મુશ્કેલી સર્જાય છે. સેમિનારમાં ૨૦૦થી વધારે સ્કૂલ અને કોલેજના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.
આઝાદીની લડાઇમાં હિન્દી ભાષા પ્રચલીત હતી
દેશની આઝાદી માટે લડાઇ ચાલી હતી, ત્યારે મોટાભાગે રાજભાષા હિન્દીના પ્રયોગો થયા હતા. મોટા નેતાઓના ભાષણમાં પણ હિન્દીનું ચલણ વધારે જોવા મળ્યું હતું. કારણ કે, આઝાદીની લડાઇના સમયે લોકોમાં દેશપ્રેમ લાવવા માટે હિન્દી ભાષા અનિવાર્ય હતી. અમિર ખુસરો, મીર્ઝા ગાલિબ, મીર તાકિ મીર પણ પોતાને હિન્દી કવિ તરીકે ઓળખાવતા હતા. કારણ કે, મોટાભાગના લોકો હિન્દીને સારી રીતે જાણતા હતા. - પ્રો. રજનિશ કુમાર શુક્લા, વીસી એમજીઆઇસી
ગુજરાત સમૃદ્ધિ અને હેરિટેજ કલ્ચર માટે જાણીતું છે
ગુજરાત રાજ્ય પોતાની સમૃદ્ધતા અને હેરિટેજ કલ્ચર માટે જાણીતું છે, ઉપરાંત ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના મેજર સેન્ટર પણ અહીંયા જોવા મળે છે. ગુજરાત હેરિટેજ ઉપરાંત હેન્ડિક્રાફ્ટ, ડાયન્ડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ પ્રખ્યાત છે. સત્તાવાર ભાષા પર પહેલો સેમિનાર પણ ગુજરાતમાં થાય છે, તે મહત્ત્વની વાત છે. - સુનિતિ શર્મા, એમએચઆરડી ઓફિશિયલ લેંગ્વેજ ડિરેક્ટર
બાળકોનો શરૃઆતનો અભ્યાસ માતૃભાષામાં થવો જોઇએ
બાળકો શરૃઆતમાં પોતાની માતૃભાષામાં અભ્યાસ કરે તે અત્યંત જરૃરી છે. તેના દ્વારા બાળકને પોતાની ભાષાનું જ્ઞાાન સાથે મહત્ત્વ સમજાશે. હિન્દી ભાષાનો વિકાસ કરવા સાથે વ્યાપ વધારવો હોય તો રિઝનલ ભાષાનો વિકાસ કરવો જરૃરી બને છે. હિન્દી ભાષાનું જ્ઞાાન વધવાથી વિવિધ રાજ્યોના સ્ટુડન્ટસનું કનેક્શન પણ વધશે. આપણું ધ્યાન હિન્દી વિરૃદ્ધ અંગ્રેજી ન હોવું જોઇએ, આપણું ધ્યાન હિન્દી વિરૃદ્ધ બીજી તમામ રિઝનલ ભાષાઓ તરફ હોવું જોઇએ. - પ્રો. સુધીર જૈન, ડિરેક્ટર આઇઆઇટી, ગાંધીનગર