શૂટિંગ દરમિયાન ટ્રાઇપોડ તુટયું પરંતુ 15 દિવસમાં ડોક્યુમેન્ટરી તૈયાર કરી
NIDના સ્ટુડન્ટ રાહુલ જૈનની 3000 વર્ષ જુના વૃક્ષની ડોક્યુમેન્ટરીને ચાઇના યુથ ફિલ્મ પ્રોજેક્ટમાં સ્થાન
એનઆઈડીમાં ફિલ્મ એન્ડ વીડિયો કોમ્યુનિકેશન વિભાગમાં અભ્યાસ કરતા રાહુલ જૈનની ડોક્યુમેન્ટરીને ચાઇના યુથ ફિલ્મ પ્રોજેક્ટ ૨૦૧૯માં સ્થાન મળ્યું છે. રાહુલ જૈને ચીનના શાંદોંગ વિસ્તારના ધાર્મિક વૃક્ષ પર ડૉક્યુમેન્ટરી 'અન્ડર ધ ગોકિંગો ટ્રી' બનાવી હતી, જેમાં તેણે બૌદ્ધ ધર્મ સાથે ચીનમાં વર્ષોથી અડીખમ ઊભા રહેલા ૩૦૦૦ વર્ષ જૂના વૃક્ષની વાર્તા દર્શાવી છે. રાહુલ જૈને ડૉક્યુમેન્ટરીના વિશેના અનુભવ શેર કરતા કહ્યું કે, ડૉક્યુમેન્ટરીની સ્ક્રિપ્ટ, શૂટિંગ અને એડિટિંગ મારે ૧૫ દિવસમાં પૂર્ણ કરવાનું હતું. તમે કોઇ વ્યક્તિ પર ફિલ્મ બનાવો છો, ત્યારે તેના જીવન વિશે બોલી શકે તેવા ઘણા લોકો મળે છે પરંતુ વૃક્ષ વિશે બોલી શકે તેવા માણસો ખૂબ ઓછા હોય છે. તેથી વૃક્ષની વાર્તા સમજવા માટે શૂટિંગ શરૃ કરતા પહેલા ત્રણ દિવસ સુધી મેં સ્થળ પર જઇને નિરીક્ષણ કર્યું હતું. શૂટિંગ દરમિયાન મારૃ ટ્રાઇપોડ પણ તૂટી ગયું હતું, તેના કારણે પણ મુશ્કેલીઓ આવી હતી.
'સાયન્સ, સિઝન અને મોમેન્ટ'ને અનુરૃપ થીમ
યુથ ફિલ્મ પ્રોજેક્ટમાં સ્ટુડન્ટસને 'સાયન્સ, સિઝન અને મોમેન્ટ' વિષયને અનુરૃપ કેટલીક થીમ આપવામાં આવી હતી, જેમાં રાહુલ જૈન દ્વારા કલ્ચરલ થીમની પસંદગી કરાઇ હતી. આ પ્રોજેક્ટમાં રાહુલ જૈન અને બીજા ચીન સિવાયના દેશોથી આવેલા સ્ટુડન્ટસના મેન્ટોર તરીકે એનઆઈડીના પ્રો. અરૃણ ગુપ્તા હતા. જેઓએ સ્ટુડન્ટસને ફિલ્મ મેકિંગ વિશેનું માર્ગદર્શન આપ્યું હતું.
સાયન્સ પર ઓછું અને કલ્ચર પર વધારે ફોકસ
ધાર્મિક વિષય હોવાથી રાહુલે પોતાની ડૉક્યુમેન્ટરીમાં સાયન્સ પર ઓછું ફોકસ કર્યું છે, અને કલ્ચર પર વધારે ધ્યાન આપ્યું છે. ડૉક્યુમેન્ટરી બૌદ્ધ મંદિરમાં બની હોવાથી ત્યા સતત ઘંટના અવાજ આવે છે, તેથી જગ્યા ચીનની નહીં પરંતુ ભારતની હોવાનો અહેસાસ થાય છે. સાથે જ ચીનના લોકો પણ ભારતીયોની જેમ જ વૃક્ષોની પૂજા કરે છે. તે વાત ડૉક્યુમેન્ટરી સારી રીતે સમજાવે છે.