23 વર્ષથી માઈક્રોબાયોલોજીના અઘરા ટોપિકને ભગવદ્ગીતાના દ્રષ્ટાંત દ્વારા સમજૂતી આપે છે
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર રાકેશ પંચાલ
ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર રાકેશ પંચાલ ૨૩ વર્ષથી તેમના વિષયમાં અઘરા લાગતા ટોપિકની ઊંડી સમજ શ્રીમદ્ભગવદગીતાના ૧૮ અધ્યાયના વિવિધ શ્લોકની મદદથી ટોપિક અનુરૃપ સ્ટુડન્ટસને પ્રેકિટકલ નોલેજની સમજૂતી આપીને તેનું સોલ્યુશન કરે છે.
આ વિશે વાત કરતાં પ્રોફેસર રાકેશ પંચાલે કહ્યું કે, મને મારા પિતા પાસેથી શ્રીમદ્ભગવદગીતા વાંચવાની પ્રેરણા મળી હતી અને તેને લઇને હું ઘણા વર્ષોથી તેને સાથે લઇને ફરું છું અને તેની નિયમિત પૂજા તેમજ વાંચન કરું છું. શ્રીમદ્ભગવદગીતા એક ગ્રંથની સાથે માનવજીવન માટે એક પથદર્શકગ્રંથ છે તેમ હું માનું છું. ૨૦ વર્ષ સુધી એસ.પી.યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટસને સમજૂતી આપી છે અને હવે ગુજ.યુનિ.માં ૩ વર્ષથી તેનું જ્ઞાાન આપું છું. જેનાથી સ્ટુડન્ટસના અભ્યાસની સાથે વ્યક્તિના વ્યવહારુ ઉકેલમાં તેનો ઉપયોગ કરીને તેનામાં આત્મવિશ્વાસ વધારવાનું કાર્ય કરું છું. શ્રીમદ્ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે રીતે શ્લોકની સમજૂતી આપીને સમજવતા તે રીતે સ્ટુડન્ટસને સમજાવીને તેમને વિષય પ્રત્યેનું જ્ઞાાન આપું છે. સ્ટુડન્ટસ સ્ટડીની સાથે શ્રીમદ્ભગવદગીતા વાંચીને તેને અનુરૃપ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે તેની સાથે તેઓ બીજા લોકોને પણ મદદરૃપ બની રહે છે.
માળામાં જે રીતે મણકા પરોવાયેલા છે તે રીતે (હું) ભગવાન દરેક સજીવના કોષમાં રહેલો છું
શ્રીમદ્ભગવદ ગીતાના અધ્યાય ૭માં જ્ઞાાન-વિજ્ઞાાન યોગનો અધ્યાય આવેલો છે જેમાં ૭માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહે છે કે, માળામાં જે રીતે મણકા પરોવાયેલા છે તે રીતે (હું) ભગવાન દરેક સજીવના કોષમાં રહેલો છે અને સૃષ્ટિ પરના તમામનું સંચાલન કરું છું. તેને લઇને ૧૯૫૪માં વૈજ્ઞાાનિક વૉટસન અને ક્રીકે દરેક સજીવમાં આવેલું ડીએનએનું મોડલ શોધી બતાવ્યું અને દરેક સજીવમાં રહેલું ડીએનએ નુકલીઓટીએડ્સ એકબીજા સાથે માળાના મણકાની જેમ જોડાયેલા છે તે શોધ કરી હતી. આ શોધ કરવા બદલ બંને વૈજ્ઞાાનિકોને નોબલ પ્રાઇઝ મળ્યું હતું. આ ટોપીક હું મોલેકૂલર બાયોલોજીના ક્લાસમાં સ્ટુડન્ટસને સમજાવીને અભ્યાસ કરાવું છું.
તારી જેવી ઇચ્છા હોય એમ જ કર
અધ્યાય ૧૮ના ૬૩માં શ્લોકમાં 'યથેચ્છસિ તથા કુરુ' એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું સંપૂર્ણ જ્ઞાાન આપ્યા પછી શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે, તારી જેવી ઇચ્છા હોય એમ જ કર. (યુદ્ધ કરવું હોય તો યુદ્ધ કર). હું સ્ટુડન્ટસને પોતાના વિષયનું જ્ઞાાન આપ્યા પછી આ વિષયમાં ઊંડો અભ્યાસ કરવો કે સંશોધન કરવું તેનો નિર્ણય જાતે સ્ટુડન્ટે લેવો જોઇએ જેનાથી પોતાની જાતે નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય અને પોતે આગળના વધુ અભ્યાસમાં રસરુચિ કેળવાય છે.
કર્મ કર્યા વિના ક્યારેય જીવન નિર્વાહ થઇ શકતો નથી
અધ્યાય ૩ના પાંચમાં શ્લોકમાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે, આ પૃથ્વીનો કોઇપણ ખૂણો એકક્ષણ માટે કાર્ય કર્યા વિના રહી શકતો નથી. જેથી મનુષ્ય અવતારના મળેલા જીવનને સત્કર્મના સમયમાં વિતાવીને જીવન જીવવું જોઇએ તેવું સ્ટુડન્ટસને જ્ઞાાન આપું છું સાથે તમારા કર્મમાં કુશળતા તે યોગ છે અને તે રીતે પોતાના મનગમતા કામમાં કુશળતાથી કામ કરીને સારું જીવન જીવી શકાય છે.
દ્રષ્ટાંતરૃપ સરળ જ્ઞાન મળતા લાંબો સમય યાદ રહે છે
ક્લાસરૃમમાં અમને અઘરા ટોપિકની સાથે લાઇફનું પ્રેક્ટિકલ નોલેજ શ્રીમદ્ભગવદગીતા વિવિધ શ્લોકના દ્રષ્ટાંતરૃપ દ્વારા અમને મળે છે. વિષયજ્ઞાાનની સાથે દરેક વ્યાવહારિક સમસ્યાનું સમાધાન શ્રીમદ્ભગવદગીતામાં છે તેમ હું માનું છું. અઘરા ટોપિકની સરળ જ્ઞાન સાથે સમજૂતી આપતા અમને લાંબો સમય સુધી યાદ રહે છે. સ્ટડીની સાથે અમને શ્રીમદ્ભગવદગીતાનું નોલેજ મળે છે તે અમારા માટે સારી વાત છે. - હિતાર્થી શાહ, સ્ટુડન્ટ
સ્ટડીની સાથે આત્મવિશ્વાસમાં વધારો થાય છે
સ્ટડીમાં રહેલા અઘરા ટોપિકનું સોલ્યુશન શ્રીમદ્ભગવદગીતામાંથી કરી આપતા અમને ઘણો જ આનંદ આવે છે. સ્ટડીના જ્ઞાન સાથે સર્વશ્રેષ્ઠ એવા ગ્રંથનું જ્ઞાન મળે છે તે મારા માટે ખૂબ મોટી વાત છે. બાયોટેકનોલોજી વિષયને અનુલક્ષીને જ્ઞાન મળતાં એક્ઝામ પ્રત્યેનું ટેન્શન દૂર થઇ જાય છે જેનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. -ગુનીતકૌર ખેરા, સ્ટુડન્ટ