20 હજાર કિલો છાણાં અને ઔષધિઓથી અમદાવાદની 200 સોસાયટીમાં 'વૈદિક હોળી' પ્રગટાવાશે
કોરોના વાઇરસના ઇન્ફેક્શનથી બચવા 'વૈદિક હોળી' પ્રગટાવો
વૈદિક હોળીમાં છાણાં, કપુર, ગાયનું ઘી, 32 જડીબુટ્ટીઓ, નવગ્રહ ઔષધિ, સાત ધાન્યનો ઉપયોગ થાય છે જેથી વાતાવરણમાં રહેલા હાનિકારક વાઈરસનો નાશ થવાથી વાઇરલ ઇન્ફેક્શન ઘટે છે
હોળી નજીક આવતાની સાથે હોલીકા દહન માટે લાકડાની માંગ વધી જાય છે. હોળી પછી જોઇએ તો બુઠ્ઠા વૃક્ષો જ જોવા મળે છે. વૃક્ષો અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ચાર વર્ષ પહેલા મનિષકુમાર નસિતે આ માટે કામ શરૂ કર્યું.
નિવા ફાઉન્ડેશનના ફાઉન્ડર મનિષકુમારે હોળી માટે લાકડા ન કપાય તે માટે 'વૈદિક હોળી'નો કોન્સેપ્ટ શરૂ કર્યો. આ માટે તેઓએ લાકડાની જગ્યાએ ગાયના છાણાનો ઉપયોગ કરવાનો વિચાર દર્શાવ્યો. આ સાથે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા મરે, શુદ્ધ ઓક્સિજન મળે, બે ઋતુની વચ્ચેના સમયમાં લોકોને થતા વાઇરલ ઇન્ફેક્શન દૂર થાય, મચ્છરનું પ્રમાણ ઘટે અને વાતાવરણમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય તે માટે આ વૈદિક રીતે પ્રગટાવવામાં આવેલી હોળી મોટો ભાગ ભજવે છે અને આ સાયન્ટિફિકલી સાબીત થયેલું છે.
આ અંગે વાત કરતા મનિષકુમારે કહ્યું કે, વૈદિક હોળી માટે એક કીટ તૈયાર કરી છે, જેમાં ગાયના છાણા, ગીર ગાય વલોણાનું ઘી, કપુર, 32 જડીબુટ્ટીઓ, નવગ્રહ ઔષધિ, સાત પ્રકારના ધાન્ય, શ્રીફળ અને માટલું હોય છે અને આ તમામ વસ્તુઓથી હોળી પ્રગટાવવામાં આવે.
ચાર વર્ષ પહેલા એક સોસાયટીમાં આ રીતે હોળી પ્રગટાવી અને ખૂબ સારું પરિણામ મળતા 2019માં 70 સોસાયટીએ વૈદિક રીતે હોળી પ્રગટાવી હતી. વૈદિક હોળીને કારણે વાતાવરણમાં એટલો ફરક જોવા મળે છે કે આ વર્ષે 200 સોસાયટી આ રીતે હોળી પ્રગટાવશે. અત્યારે જીવલેણ કોરોના વાઇરસનો ભય છે ત્યારે આ વાઇરસના જીવાણુ નાશ પામે તે રીતે વૈદિક પરંપરાને અનુસરી હોળીનું પ્રાગટય કરવું જોઇએ.
સમગ્ર દેશમાં આ પદ્ધતિથી હોળી પ્રગટાવવી જોઇએ
અમારી સોસાયટી છેલ્લાં બે વર્ષથી વૈદિક હોળી કરે છે. આને કારણે વૃક્ષોનો નાશ થતો નથી અને છાણાનો ઉપયોગ કરીને આપણે જે રકમ ચૂકવીએ તે ગૌશાળાને મળવાની હોવાથી આપણે ગાયને પણ બચાવી શકીએ છીએ. આટલા વર્ષોથી આપણા લાકડા કાપીને હોળી પ્રગટાવી પણ એમાંથી શું મેળવ્યું? આના કરતા વૈદિક હોળીથી શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. ગયા વર્ષે 100 કિલો છાણા મંગાવ્યા હતા આ વર્ષે 200 કિલો છાણાથી હોળી પ્રગટાવીશું અને સમગ્ર દેશમાં આ પદ્ધતિથી હોળી પ્રગટાવવી જોઇએ.
- પરેશભાઇ ચાવડા, રાઘવ રેસિડેન્સી, નરોડા
દરેકમાં ગૌરક્ષણની લાગણી જન્મે છે
અમારી સોસાયટીમાં છેલ્લાં બે વર્ષથી આ પદ્ધતિથી હોળી પ્રગટાવાય છે. વૈદિક રીતે હોળી પ્રગટાવવાથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ તો મળે જ છે સાથે સાથે વાતાવરણ પ્રફૂલ્લિત અને સુવાસભર્યું થાય છે સાથે સાથે વૃક્ષો બચે અને બાળકોથી લઇને વડીલોમાં ગૌરક્ષણની લાગણી જન્મે છે. કારણ કે છાણા અને ઘીની ખરીદીથી જે પણ રકમ મળે તે ગૌરક્ષા માટે વાપરી શકાય.
- કમલેશભાઇ પટેલ, વ્હાઇટ હાઉસ, નિકોલ
આ વર્ષે ચાર સોસાયટીમાં એક સાથે વૈદિક હોળી પ્રગટાવીશું
શહેરના દરેક વિસ્તારમાં એક જ સમયે વૈદિક હોળી થશે તો કોરોના જેવા વાઇરસ પણ દૂર થશે અને વાઇરલ ઇન્ફેક્શન પણ નહીં થાય. આ વર્ષે ચાર સોસાયટી એક સાથે હોળી પ્રગટાવીશું જેમાં રત્નમણી, સુર્યોદય સોસાયટી, સુપ્રભાત સોસાયટી અને ગુલાબટાવરના રહેવાસીઓ સાથે હોળી પ્રગટાવશે.
- પરેશભાઇ, સૌભાગ્ય સોસાયટી, ગુલાબટાવર
વૈદિક રીતે પાંચ સોસાયટીની સામૂહિક હોળી પ્રગટાવાશે
ગયા વર્ષે સારો પ્રતિભાવ મળ્યો હતો તેથી આ વખતે આસપાસની પાંચ સોસાયટીના રહીશોએ એક સાથે સામૂહિક વૈદિક હોળી પ્રગટાવવાનો નિર્ણય કર્યો છે. લાકડા પણ બચે અને છાણાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે તે માટે ગયા વર્ષે નાના પાયે હોળી પ્રગટાવી હતી આ વર્ષે કોમન પ્લોટમાં મોટાપાયે હોળી પ્રગટાવવામાં આવશે. શહેરમાં દરેક જગ્યા પર વૈદિક હોળી પ્રગટે તે માટે કામ કરી રહ્યો છું અને આ વર્ષે ૩૦૦ સોસાયટીનો લક્ષ્ય બનાવ્યો છે.
- વિનીત જોહ્રી,શ્રી બાલાજી રેસિડેન્સી, મોટેરા
ગયા વર્ષે બીજી સોસાયટી પાસેથી વૈદિક હોળી વિશે સાંભળ્યું હતું અને પછી અમે તે પ્રમાણે હોળી પ્રગટાવી હતી. વૈદિક રીતે હોળી પ્રગટાવી ત્યારે એની અનુભૂતિ થઇ કે જાણે યજ્ઞાની સામે બેઠા હોય. તેનાથી આંખો પણ બળતી નહતી તેથી બાળકો પણ તેની નજીક ગયા. ત્યારબાદ જે રીતે વાતાવરણમાં ફેરફાર નોંધાયો તે જોતા પછી આ વર્ષે સોસાયટીના લોકોએ સામેથી કહ્યું કે વૈદિક રીતે હોળી કરો. આ માટે મોંઘું- સસ્તું જોતા નથી કેમ કે આ સ્વાસ્થ્ય માટે સારું છે અને તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે.
- સંજયભાઇ બ્રહ્મભટ્ટ,બાલકૃષ્ણનગર, સૈજપુરબોઘા
દરેક વિસ્તારમાં વૈદિક હોળી માટે સિવિક સેન્ટર ઊભા કરવા જોઇએ
વૈદિક હોળીનો કોન્સેપ્ટ અમને કોઇ વૉટ્સએપ મેસેજ પરથી જાણવા મળ્યો હતો. ધાર્મિક દ્રષ્ટિએ આ કોન્સેપ્ટ ખૂબ સારો છે અને ગયા વર્ષે અમે અમારી સોસાયટીમાં વૈદિક હોળી પ્રગટાવી હતી અને તેના પછી અમને ખુબ સારું લાગ્યું અને હાલ ૪૦-૫૦ સોસાયટીમાં આના માટે જાગૃતિ લાવવાનું કામ હાલ ચાલુ જ છે. મને લાગે છે કે કોઇ એક વ્યક્તિ આ માટે કામ ન કરી શકે આના માટે ગવર્મેન્ટે દિવાળી પછી આ માટે કામ કરવું જોઇએ અને સિવિક સેન્ટર ઊભા કરવા જોઇએ.
- અનુજભાઇ પાઠક, સંસ્કાર એપાર્ટમેન્ટ, સેટેલાઈટ
વૈદિક હોળીની પ્રદક્ષિણા નવજાત બાળકને કરાવો તો દીર્ઘાયુ બને છે
વૈદિક રીતે હોળી પ્રગટાવવામાં એક કિલો ગાયનું ઘી હોમવાથી શુદ્ધ ઓક્સિજન પેદા થાય છે. જેના ઘણા ફાયદા છે, ગાયના છાણાથી અને ઘીના ઉપયોગના ઘણા ફાયદા છે. લાકડા અને ટાયર સળગાવીને હોળી કરવી તે આપણી પદ્ધતિ જ નથી. વૈદિક હોળીથી કોરાના વાઇરસ જેવા અન્ય હાનિકારક વાઇરસ એટલા રેડિએશનમાં આવી શકતા નથી. વૈદિક હોળીની પ્રદક્ષિણા નવજાત બાળકને કરાવો તો બાળકને દીર્ઘાયુ બને છે.
- રોહિતભાઇ રાવલ, સર્વોપરી એલિગન્સ, ન્યુ રાણીપ