કોઇ સંબંધ વિના વૃદ્ધાશ્રમના વડીલોને દત્તક લઇ અમૂલ્ય સેવા આપી રહ્યા છે
સંતાનોએ વૃદ્ધાશ્રમ ભેગા કરી દીધા હવે મામુલી એવી 250 રૂપિયા ફી પણ ભરતાં નથી ત્યારે
એક માતા-પિતા બે-બે કે ત્રણ-ત્રણ સંતાનને ઉછેરી શકે છે પણ એ જ સંતાનો એક માતાપિતાને સાચવી શકતા નથી. જ્યારે માતાપિતા કામ કરવા અક્ષમ બની જાય છે, અનેક બીમારીઓ તેમને ઘેરી વળે છે. આવી અવસ્થામાં સંતાનો માતાપિતાના પ્રત્યેની ફરજોનું ઋણ અદા કરવાને બદલે તેમને ઘરમાંથી તગેડી મૂકે છે. તેઓ ફોસલાવીને માતાપિતાને વૃદ્ધાશ્રમ ભેગા મોકલી દે છે અને શરૃઆતમાં વૃદ્ધાશ્રમની ફી ચૂકવે છે પણ ધીરેધીરે 'અમારી સ્થિતિ સારી નથી',
'અમારી પાસે પૈસા નથી' એવા અનેક બહાના બનાવી એ દિશામાં ડોકાવાનું બંધ કરી દે છે. પેટે જણ્યા સંતાનો માતાપિતા તરફ મોં ફેરવી લે છે ત્યારે જેમની સાથે કોઇ સંબંધ ન હોય એવા લોકો તેમને દત્તક લઇને માનવતા હજુ મરી પરવારી નથી એ સિદ્ધ કરે છે. જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં આશરે ૧૮૫ બા-દાદા રહે છે. એમાં ૬૫ વર્ષથી માંડી ૯૪ વર્ષના વડીલોનો સમાવેશ થાય છે. તેમને સવારના ચા-નાસ્તાથી માંડી બે ટાઇમ ભોજન, દવાઓ એમ બધુ મળીને મહિનાના ખર્ચ પેટે ફક્તને ફક્ત ૨૫૦ રૃપિયા લેવામાં આવે છે. મહિનાના ૨૫૦ રૃપિયા એ કંઇ એટલી મોટી રકમ નથી કે તેને સામાન્ય વ્યક્તિ ચૂકવી ના શકે. એમાંથી આશરે ૨૦ બા-દાદા એવા છે કે એમના સંતાનો ૨૫૦ રૃપિયા જેવી મામુલી રકમ ચૂકવવામાં ગાલ્લા તલ્લાં કરે છે. આવા વડીલોને દત્તક લઇને તેમના અંતરના આશીષ મેળવનારની આજે વાત કરીશું.
જેને ખરેખર મદદની જરૃર હોય તેને મદદ કરીએ છીએ
'અમે પહેલાં વડોદરા રહેતાં હતાં, ત્યાં અનાથાશ્રમમાં ઉપરાંત પૈસા વગર કોઇ હેરાન થતું હોય અને જેને ખરેખર જરૃર હોય તેને અમે મદદ કરતાં હતાં. અહીં આવ્યાં બાદ અમે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના સંપર્કમાં આવ્યાં. વડીલોની તકલીફોને જાણવાનો પ્રયત્ન કર્યો. જેમાં અમને ખબર પડી કે અમુક વડીલોના સંતાનો તેમની ફી ચૂકવતાં નથી. તેથી મેં છ મહિના માટે વડીલને દત્તક લઇને અમારાથી બનતી મદદ કરી. આ કામમાં મારા પતિનો મને પૂરેપૂરો સપોર્ટ છે. તેથી ભવિષ્યમાં પણ આ પ્રકારની મદદ કરતાં રહીશું.' - દીપિકા શાહ, સેટેલાઇટ
માતાના અવસાન પછી મળેલી મિલકતને સદકાર્યમાં વાપરું છું
'આજથી એક દાયકા પહેલાં મારા સસરાની તીથી ઉજવવા અમે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં ગયા હતાં, ત્યારથી અહીંના વૃદ્ધો માટે કંઇક કરવું એવું મનમાં નક્કી કર્યું હતું. વળી હું મારા માતાપિતાનું એક માત્ર સંતાન હતી. છેલ્લે મમ્મીના મૃત્યુ પછી મળેલી મિલકતને સદ્કાર્યમાં વાપરવાનું મેં નક્કી કર્યું. તેથી પાંજરાપોળમાં, ગરીબો માટે ચાલતી ટીફિન સેવામાં અને વૃદ્ધાશ્રમમાં જ્યાં મને જરૃરિયાત લાગે ત્યાં આથક મદદ કરતી હોઉં છું. એનાથી જીવનમાં કંઇક કર્યા નો સંતોષ મળે છે.' - અંજના શાહ, વસ્ત્રાપુર
ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી બીજાને હેલ્પફૂલ થવું જોઇએ
'હું સુરેન્દ્રનગરમાં રહું છું, અહીંના બાલ આશ્રમ, અંધ વિદ્યાલય અને વૃદ્ધાશ્રમમાં અવાર નવાર નાની મોટી મદદ કરીએ છીએ. મેં જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ વિશે બહુ સાંભળ્યું એટલે ખાજલી અને સાટા ત્યાં આપવા ગયાં હતાં. અહીં રહેતા વડીલોની સ્થિતિ અંગે પૂછતાં જાણવા મળ્યું કે, ઘણાં સંતાનો માતાપિતા પાછળ ૨૫૦ રૃપિયા જેવી સામાન્ય રકમ ખર્ચવામાં પાછી પાની કરે છે. જે જોઇને મેં મદદ કરી હતી. હું એવું માનું છું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી બીજાને હેલ્પફૂલ થવું જોઇએ.' - નિલેશ હકાણી, બિઝનેસમેન
વડીલો ઉંમરલાયક હોવાથી અમે ત્રણ-ત્રણ મહિનાની દત્તક યોજના રાખી છે
'અહીં રહેતાં મોટાભાગના બા-દાદાઓ હોમલી ફિલ કરે એવો અમારો સતત પ્રયત્ન રહેતો હોય છે. દરેક તહેવારો, દરેક પ્રકારના મેડિકલ કેમ્પ, સારી ફિલ્મ આવી હોય તો જોવા જવાનું, વિવિધ જગ્યાએ દેવ દર્શને લઇ જવા જેવી અનેક પ્રવૃત્તિ અમે કરાવતા હોઇએ છીએ. એ બધાનો સમાવેશ મહિનાની ૨૫૦ રૃપિયાની ફીમાં આવી જાય છે. દીકરાની સ્થિતિ ખરાબ હોય તો સમજ્યા કે તે ફી ચૂકવી ના શકે પણ સારા ઘરના દીકરાઓ જવાબદારીમાંથી છટકવાની બારી શોધે ત્યારે અમને તો દુઃખ થાય જ છે પણ એ વડિલોને જે પીડા થાય છે તે વર્ણવી અશક્ય છે. આવી સ્થિતિમાં જે મદદ કરવા તૈયાર હોય એવા લોકો તેમને દત્તક લેવા આગળ આવે છે. વડીલો ઉંમરલાયક હોવાથી અમે ત્રણ-ત્રણ મહિનાની દત્તક યોજના રાખી છે.' ડિમ્પલ શાહ, ટ્રસ્ટી