નમ્રતાબહેન 16 વર્ષથી સંગીત સાધના દ્વારા મળતી રકમ ડાયાલિસીસ પેશન્ટની મદદમાં ફાળવે છે
રોગ અનેક દવા એક... સંગીત અનેક રોગોમાં હિલિંગનું કામ કરે છે. પોતાના મધુર સૂરોની સૂરાવલિ થકી પાંચ દાયકા વટાવી ચૂકેલા નમ્રતાબહેન શોધન દર્દીઓ માટે સેવાકીય કાર્ય કરે છે.
નમ્રતાબહેન સાત વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૃ કર્યું. ધીરે-ધીરે સ્કૂલમાં અને પછી કોલેજમાં પ્રાર્થના ગાવા લાગ્યા. સાથે આકાશવાણીમાં પણ પ્રોગ્રામ આપવા લાગ્યા. આ ઉપરાંત શ્રુતિ ગ્રૂપ સાથે તેમણે કામ કર્યું. લગ્ન બાદ તેઓ અમેરિકા જઇ વસ્યા. નમ્રતાબહેન કહે છે, 'ચાર વર્ષે અમેરિકાથી અહીં આવ્યા પછી હસબન્ડ રોનકના કહેવાથી ફરી સંગીતની સાધના નું શરૃ કરી. ૨૦૦૧માં ભૂકંપ આવ્યા બાદ હું પ્રાર્થના સભામાં જવા લાગી. અચાનક સ્વજનને ગુમાવવાને કારણે ડિપ્રેશનમાં સરી પડેલાં લોકો મારા ક્લાસ પર આવવા લાગ્યા. તેમને સંગીત દ્વારા હિલિંગ આપવાનું કામ શરૃ કર્યું. એ પછી ૨૦૦૩માં નિકિતા ઘીઆ જે પોતે ડાયાલિસીસ પર હોવા છતાં નૃત્ય કરતી અને એ દ્વારા એકઠાં થયેલાં નાણાં ડાયાલિસીસ પેશન્ટને આપતી. તેને મળીને મને વિચાર આવ્યો કે, જો એક પેશન્ટ થઇને બીજા પેશન્ટ માટે આટલું બધું કરી શકતી હોય તો હું સંગીત દ્વારા તેમને મદદ કેમ ન કરી શકું. મેં મારા સ્ટુડન્ટની ફી, પ્રોગ્રામ દ્વારા મળતી રકમને નડિયાદની કિડની હોસ્પિટલમાં આપવાનું શરૃ કહ્યું. હવે ઘણાં વર્ષોથી જીવરાજ મહેતા હોસ્પિટલમાં ડાયાલિસીસના દર્દીઓ માટે ડોનેટ કરું છું. આ કાર્ય સુયોગ્ય રીતે થઇ શકે એ માટે ડૉ.દર્શના ઠક્કરે અને મેં 'સ્પર્શ ફાઉન્ડેશન' બનાવ્યું છે. જે હેઠળ આ પ્રવૃત્તિ કરું છું. મહિને બે વખત ડાયાલિસીસ ચાલતા હોય ત્યારે હોસ્પિટલમાં દર્દીઓ સામે તેમને પ્રેરણા પૂરી પાડે એવા ગીતો ગાઉં છું. આનાથી દર્દીઓ થોડા સમય માટે પોતાના દુઃખો ભૂલી જાય છે અને મને આનંદ મળે છે.'
દરેકમાં ભગવાને કોઇક કલા મૂકી છે
સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પ્રોગ્રામ આપતાં નમ્રતાબહેન રોજ સવારે એક કલાક રિયાઝ કરે છે. તેઓ કહે છે, 'મારા જીવનમાં ઘણાં અપ એન્ડ ડાઉન આવ્યાં પણ સંગીતે મને જાળવી રાખી. કોઇને મેનોપોઝ તો કોઇને એકલતાં, તો કોઇને બીમારી એમ 'સારેગમ કી' સારવાર સંગીત છે. દરેકમાં ભગવાને કોઇક કલા મૂકી છે. આપણે તેને બહાર લાવવાની જરૃર છે. આપણને મનુષ્ય જીવન મળ્યું છે તો જીવન જીવવાનો સંતોષ થાય એ માટે સોસાયટીને પરત આપવાનો આપણો કોઇ આઇએસઆર (ઇન્ડિવિઝયુઅલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હોવો જોઇએ.'