ગાંધીજીના શાંતિના મેસેજ સાથે નવા દેશભક્તિ ગીતોની રજૂઆત થશે
ઈન્ક્રેડિબલ ગાંધી ફેસ્ટિવલ અંતર્ગત ર ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીની 150મી જયંતીની ઉજવણી
'જો ડ્રગ્ઝ વેચીને નવી પેઢીને ખોટા અને નશાખોરીના રસ્તે ચઢાવવી ગુનો ગણાતો હોય, તો વલ્ગર ગીતો અને બિનજરૃરી ઓબ્સીન સ્ક્રિપ્ટ્સ લખનારા લોકોને પણ નવી પેઢીને વિકૃતિના નશા તરફ ધકેલવાનો નશો કરાવવા બદલ તાત્કાલીક નાર્કોટિક્સ એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવા જોઈએ.''
'ચલ છૈયા છૈયા', 'ઋત આ ગઈ રે', 'જોગી આયા', 'ચક દે ઈન્ડિયા', 'જય હો' જેવા અનેક સુપરહીટ ગીતો આપનારા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના ગાયક અને શાસ્ત્રીય બેઝ ધરાવતા જૂજ પૈકીના એક એવા સુખવિન્દર સિંઘ એક મુલાકાતમાં આ મુજબ જણાવ્યું હતું. સુખવિન્દરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગીતના ટ્રેન્ડ વિશે કહ્યું, ''આજે એટલા સારા અને ક્રિએટીવ મ્યુઝીક ડિરેક્ટરો અને ગાયકો માત્ર ૨૫-૩૦ વર્ષની ઉંમરે જે સર્જન કરી રહ્યાં છે, તે એક અદ્ભુત વાત છે.
પરંતુ કેટલાક સસ્તી અને ઝડપી પ્રગતિ માટે વલ્ગર, દ્વિઅર્થી ગીતોના રવાડે ચઢી જાય છે એ એમના કરતા સમાજ માટે વધારે જોખમી છે. જેમને કાયદાકીય રીતે પણ રોકવા જ પડશે, નહીંતર આવા સડેલા લેખકો આખી પેઢી સડેલી તૈયાર કરશે માનસિક રીતે. મેં ક્યારેય પૈસા ખાતર હલકા ગીતો ગાયા નથી. ૨૦૦૯માં મને માત્ર ૩ ગીત મળ્યા હતા, જ્યારે મેં ૧૦ નબળા ગીતો ગાવાની ના પાડી હતી. સમાજ માટે તમે તમારા ક્ષેત્રના સારા ઉદાહરણ બનો, વાહીયાત સફળતાના મુગટ નહીં. તમે પહેલા તમે તમારી નિયત ભરો, પેટ તો ઓટોમેટીક કુદરત ભરશે.''જ્યારે ગીતકાર સમીર અન્જાને કહ્યું, ''ગાંધીજીના જીવન અને કાર્ય પર એવું ગીત લખવું છે, જેને નવી પેઢી પણ વધાવી લે અને મોડર્ન કોન્ટેક્સ્ટમાં અપીલ કરે.''
ગીતકાર સમીર અન્જાને સાબરમતી આશ્રમ અને ગુજરાત વિદ્યા૫ીઠની મુલાકાત લીધી હતી
ઇન્ક્રેડિબલ ગાંધી ફેસ્ટિવલના ફાઉન્ડર અને ક્યુરેટર જયદીપ મહેતા, કેતન રાવલ અને ઋષભ પટેલ દ્વારા ઓર્ગેનાઇઝ થનાર કાર્યક્રમ ૨ ઓક્ટોબરના રોજ સાંજે ૫.૩૦થી ૮.૦૦ વાગ્યા દરમિયાન યોજાશે. સુખવિન્દર સિંઘ ગાંધીજીના જીવન અને સિધ્ધાંતો પર એક નવું ગીત તૈયાર કરવા ગીતકાર સમીર અન્જાન સાથે સાબરમતી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ આવ્યા હતા જે અંગે તેમણે કહ્યું, ''ગાંધીજી પર સમીર અન્જાને ગીત લખવા અને મારે ગાવાના, એમના આશ્રમના વાઈબ્રેશન્સ ફીલ કરવા હતા અને આખો દિવસ ત્યાં રહીને અભ્યાસ કર્યો છે. આ ગીત લખાઈ જાય પછી હું જ કમ્પોઝ કરવાનો છું, જેમાં શાંતિના મેસેજ ઉપરાંત ચાર્જ્ડ-અપ થઈ જવાય એવો રીધમ હશે.''