વિશ્વમાં માનવઅધિકારના સંરક્ષણ માટે ગરીબી મોટો પડકાર છે
જીએનએલયુ દ્વારા 'સોશિયલ વર્ક, લૉ એન્ડ હ્યુમન રાઇટ્સ' વિષય પર નેશનલ કોન્ફરન્સ
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જીએનએલયુ) દ્વારા 'સોશિયલ વર્ક, લૉ એન્ડ હ્યુમન રાઇટ્સ' વિષય પર નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વાત કરતા યુનાઇટેડ નેશન્સના ભુતપૂર્વ રેપોટીયર ડૉ. કિશોર સિંઘે કહ્યું કે, માનવઅધિકારના સંરક્ષણ માટે વૈશ્વિક ધોરણે ગરીબી એ મોટો પડકાર છે. ગરીબીને કારણે આર્થિક અને સામાજીક હકો નાબૂદ થાય છે.દરેકને પર્યાપ્ત માત્રામાં સુરક્ષિત પાણી, પર્યાપ્ત ભોજન, આવાસ, શિક્ષણનો અધિકાર અને પોલિટીકલ પાર્ટિસિપેશન જેવા હકો મળ્યા છે.
પરંતુ જેઓ ગરીબી રેખા નીચે જીવે છે તેના માટે આવા હકોનું મુલ્ય શું? ગરીબીને કારણે તેઓ તેમના હકથી વંચિત રહે છે અને આ તમામ વસ્તુઓ તેમના માટે સ્વપ્ન સમાન છે.જેઓને લખતા કે વાંચતા નથી આવડતું તેમના માટે મુક્ત અભિવ્યક્તિના અધિકારનું કોઈ મૂલ્ય નથી. આજે દુનિયામાં ત્રીજા ભાગથી વધારે વસ્તી દારૃણ ગરીબીમાં જીવે છે તેથી માનવ અધિકારના પ્રચાર અને પ્રસાર માટે મોટું અને પહેલું કામ ગરીબી છે.