'વાયુ' સાઇક્લોનને પગલે સ્વૈચ્છિક મદદ કરવા 'HAM’ એક્ટિવ થયા
આફતના સમયે લોકો સાથે કનેક્ટિવિટી રાખવા માટે એમેચ્યોર રેડિયો સ્ટેશન 'હેમ'ની મદદ લેવામાં આવતી હોય છે, સંદેશા વ્યવહાર માટે હેમ રેડિયો ઓપરેટરની જરૃર પડતી હોય છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલી જીઆઇએઆર (ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ એમેચ્યોર રેડિયો) સંસ્થાના ગુજરાતભરમાં ૧૦૦થી વધારે હેમ રેડિયો સ્ટેશન છે. જેના ઉપયોગથી અસરગ્રસ્ત ગામડાના લોકોની પરિસ્થિતિ રાજ્ય સરકાર સુધી પહોંચાડી શકાય છે. તેવા જ કેટલાક હેમ રેડિયો ઓપરેટરની વાત જેઓ ઘણી આફતોમાં સંદેશાની આપ-લે માટે કામ કરી ચૂક્યા છે અને હાલ વાયુ સાઇક્લોનને પગલે લોકોની મદદ કરવા એક્ટિવ થયા છે.
૧૯૮૪થી ઘરે હેમ રેડિયો સ્ટેશન છે
મેં ૧૯૮૪થી ઘરે હેમ રેડિયો સ્ટેશનનું સેટ અપ કર્યું છે, અને અત્યાર સુધીમાં ૧૦થી વધારે આફતોમાં કામ કર્યું છે. જેમાં ત્સુનામી સમયે અમે જ્યારે અંદામાનમાં હતા ત્યારે પાણી વધારે હોવાથી રસ્તા પર બેસીને રેડિયોનું સેટઅપ કર્યું હતું. અમારી ટીમના મેમ્બર્સ વિવિધ આફતોમાં કામ પર લાગેલા હોય છે. આફત સમયે હેમ રેડિયો સંદેશા વ્યવહાર માટે ઉત્તમ સાધન છે. કારણ કે હેમની રેન્જ બીજા રેડિયો કરતા વધારે હોય છે. - પ્રવિણ વાલેરા, પીઆઇ
ત્રણ પ્રકારના હેમ રેડિયો હોય છે
જીઆઇએઆર સંસ્થાના હેમ દેશની આફતો સમયે એક્ટિવ થતા હોય છે, પરંતુ રેગ્યુલર રીતે પણ માહિતીની આપ-લે રેડિયો દ્વારા કરવામાં આવતી હોય છે. હેમ રેડિયોના હેન્ડિ,વીએસએફ અને એસએફ ત્રણ પ્રકાર હોય છે. જેમાં હેન્ડિની ક્ષમતા ૨૦ કિમી સુધીની, વીએસએફની ક્ષમતા ૨૫૦ કિમી સુધીની અને એસએફની ક્ષમતા વિશ્વભર સુધીની હોય છે. - અનિલ પટેલ, સાયન્સ કોમ્યુનિટી સેન્ટર
હેમ એટલે હેલ્પ ઓલ મેનકાઇન્ડ
મારી પાસે ૧૯૭૬થી હેમનું લાઇસન્સ છે, તેથી ગુજરાતની ઘણી આફતોમાં મેં કામ કર્યું છે. પરંતુ ઘણી વખત ગવર્મેન્ટ સર્વિસના કારણે પહોંચી શક્યો નહોતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી નિવૃત છું, એટલે હેમ તરીકે દેશમાં આવતી કુદરતી આફતો સમયે સેવા આપું છું. હેમ રેડિયો ઓપરેટરને હેમ તરીકે જ ઓળખવામાં આવે છે. જેનો અર્થ હેલ્પ ઓલ મેનકાઇન્ડ જેવો થાય છે. - જગદીશ પંડયા
કુદરતી આફતો સમયે સંસ્થાના સભ્યો સેવા માટે તૈયાર રહે છે
ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ એમેચ્યોર રેડિયો સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે, સંસ્થામાં રાજ્યના ૫૦૦થી વધારે હેમ રેડિયો ઓપરેટર રજિસ્ટર્ડ છે. જેઓ દેશમાં આવતી કોઇપણ કુદરતી આફતો સમયે સંદેશાવ્યવહાર માટે કાર્યરત થાય છે. સંસ્થાના દરેક મેમ્બર કાયમી ધોરણે હેમ રેડિયો દ્વારા વિવિધ વિસ્તારની માહિતી પહોંચાડે છે. સંસ્થા પાસે ૧૦ ઇમરજન્સી કીટ છે, જેમાં વાયરલેસ સાધનો, બેટરી, તંબુ અને પ્રાથમિક સારવાર માટેની પેટી જેવી વસ્તુનો સમાવેશ થાય છે.