મમ્મીનું મોટિવેશન અને પપ્પાના કોચિંગથી રેસલિંગમાં સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો
'દરેક ગર્લ્સે સેલ્ફ ડિફેન્સ માટે પણ રેસલિંગ, બોક્સિંગ, કરાટે જેવી કોઇપણ એક્ટિવિટી કરવી જ જોઇએ.' આ શબ્દ છે, ધોરણ 11માં અભ્યાસ કરતી રિદ્ધિ પરમારના.
જીવનમાં અમુક વસ્તુમાંથી આપણે એટલાં બધાં ઇન્સ્પાયર થઇએ છીએ કે કરિયરની દિશા બદલાઇ જાય છે. શાહઆલમ, કાંકરિયા વિસ્તારમાં રહેતી રિદ્ધિ એ ક્યારેય રેસલિંગમાં જવાનું વિચાર્યું નહોતું. તેને તો પપ્પાની જેમ બોક્સિંગમાં રસ હતો. તે બોક્સિંગ શીખી પણ ખરી પરંતુ અમુક સંજોગો વસાત બોક્સિંગ બંધ થઇ ગયું. આપણે જે ક્ષેત્રમાં ઊંડો રસ ધરાવતાં હોઇએ અને એ અચાનક બંધ થઇ જાય તો દુઃખ થાય એ સ્વાભાવિક છે. એમાંથી રિદ્ધિ પણ પસાર થઇ, પરંતુ ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી પછી ભણવા પર ફોક્સ કર્યું અને વેકેશનમાં સમય વેડફવા કરતાં મમ્મીના કહેવાથી રેસલિંગ રમવાનું શરૃ ક્યું.
એક વર્ષથી રેસલિંગમાં ઝંપલાવનાર રિદ્ધિએ સાયન્સમાં બી ગૂ્રપ રાખ્યું છે તેથી સવારે સ્કૂલ પછી ટયૂશન અને સાંજે બે કલાક પ્રેક્ટિસ કરવા ખોખરા સ્પોર્ટ્સ ક્લબમાં જાય છે. આ અંગે તેની મમ્મી ફાલ્ગુનીબહેન કહે છે, તે રાત્રે ઘરે આવે ત્યારે થાકી જાય છે પણ તેને મજા આવે છે. એમાંય સ્કૂલ ગેમમાં ડિસ્ટીક લેવલે ફસ્ટ આવી અને હવે સ્ટેટ લેવલે સિલ્વર મેડલ મળતા તેનો ઉત્સાહ બેવડાઇ ગયો છે.રિદ્ધિ કહે છે, 'મને મારા મમ્મી-પપ્પાનો, સ્કૂલનો અને કોચનો ફૂલ સપોર્ટ છે. રમવાથી મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. જ્યારે હું રમતી નહોતી ત્યાં સુધી ડર લાગતો હતો હવે નીડર બની ગઇ છું. ભવિષ્યમાં ઓલિમ્પિકમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાની ઇચ્છા છે.'
ફિલ્મમાંથી પ્રેરણા મળી
'દંગલ ફિલ્મ જોઇ પછી મને એવું થયું કે મારી દીકરીની સેફ્ટી માટે મારે કંઇક કરવું જોઇએ. તપાસ કરતાં ખબર પડી કે, ખોખરામાં સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્લબ ચાલે છે. એની ફી અમારા મીડલ ક્લાસ ફેમિલિને પરવડે એવી છે. તેથી મારી દીકરી અને દિકરાને લઇને ત્યાં ગઇ અને એમને જે એક્ટિવિટીમાં રસ હોય એ કરાવવાનું શરૃ કર્યું. મારી દીકરી અને દિકરો બંને અત્યારે રેસલિંગ શીખે છે.'- ફાલ્ગુની પરમાર (મમ્મી)
હું બોક્સિંગમાં આગળ રમી ન શક્યો એનો અફસોસ પણ દીકરીને ઈન્ટરનેશનલ લેવલે રમાડવાની ઈચ્છા
૯૬-૯૭માં બોક્સિંગમાં હું રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ લઇ આવ્યો હતો. અમુક કારણોસર આગળ રમી ન શક્યો તેનો વસવસો છે. પરંતુ મારી દીકરીને ઇન્ટરનેશનલ લેવલ સુધી રમાડીશ. તે આગળ વધે એ માટે તેને વર્કઆઉટ કરાવું છું. - હિરેનભાઇ પરમાર (પિતા)