યંગસ્ટર્સના અનરિયાલિસ્ટિક ગોલ આત્મહત્યાનું કારણ બની રહ્યા છે
મેન્ટલ હેલ્થ એક્ઝિબિશન અને અવેરનેસ પ્રોગ્રામ
બી.એમ.ઇન્સ્ટિટયૂટ ખાતે કમ્યુનિટિ અવેરનેસ એક્ઝિબિશન અને ફ્રી મેન્ટલ હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો, જેમાં ૭ દિવસની મહેનત પછી સ્ટુડન્ટસે માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવવા તેના લક્ષણ, કેવા પગલાં લેવા અને અન્યને આ પરિસ્થિતિમાં કેવી મદદ કરી શકાય તે દર્શાવતા પોસ્ટર્સ તૈયાર કર્યા અને ડિજિટલ ઇન્ફોર્મેશન માટે શોર્ટ ફિલ્મ દર્શાવી હતી. આ અંગે વાત કરતા ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર ડૉ.મધુ સિંઘે કહ્યું કે, આજના શોધ અને સંશોધન બતાવે છે કે વિશ્વમાં દર ૪૦ સેકન્ડે એક માણસ આત્મહત્યા કરે છે. ગુજરાતમાં દરરોજ ૭૫ લોકો આત્મહત્યા કરે છે. આજે આત્મહત્યા કરનારનું પગલું સૌને દેખાય છે પણ તેની પાછળની વ્યથા નથી દેખાતી. હાલ અનરિયાલિસ્ટીક ગોલ યંગસ્ટર્સમાં આત્મહત્યાનું મુખ્ય કારણ બની રહી છે. આજે પણ આને એક સ્ટીગ્મા તરીકે ઓળખીયે છીએ અને આ વિશે વાત કરવાનું ટાળીએ છીએ.
સોશિયલ મીડિયા તેમજ પારિવારિક ઝઘડાને લીધે માનસિક સ્ટ્રેસ વધ્યો છે
ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ડિયન એકેડમી ઓફ હેલ્થ સાઇકોલોજી દ્વારા 'મેન્ટલ હેલ્થ ૨૦૧૯ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ' નું આયોજન સેનેટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ એન્ડ ટ્રેનર ડૉ. યુવરાજ કાપડીયાએ કહ્યું કે, બાળપણથી દરેકના મનમાં ઘણા સિદ્ધાંતો હોય છે અને તેને અનુરૃપ જીવવાનો પ્રયત્ન કરે છે. સોશિયલ મીડિયા તેમજ પારિવારિક ઝઘડાની પરિસ્થિતિને લીધે માનસિક સ્ટ્રેસમાં વધારો થયો છે. આજે ૬૦થી ૭૦ ટકા લોકો શારીરિક, માનસિક અને રિલેશનશીપ તેમજ અંગત કારણોને લીધે સ્ટ્રેસમાં આવી જતા હોય છે.
૯૩૦થી વધુ પોલીસ કર્મીઓના મૃત્યુ સુસાઇડના કારણે થયા છે
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર ખાતે 'ઓક્યુપેશનલ સ્ટ્રેસ એન્ડ મેન્ટલ હેલ્થ' પર બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સનો મુખ્ય હેતુ કેન્દ્ર તેમજ રાજ્યોની પોલીસ સંગઠનો વધી રહેલા માનસિક તણાવોને કેવી રીતે ઓછા કરી શકાય અને પોલીસ સુસાઇડને ઓછા કરવા માટેનો છે. કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલા રીપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૯૩૦થી વધુ પોલીસ કર્મચારીઓના મૃત્યુ સુસાઇડના કારણે થયા છે. જ્યારે સેનટ્રેલ અર્ધલશ્કરી દળમાં કર્મચારીના મૃત્યુ લડાઇ કરતા ખરાબ આરોગ્યથી વધારે થાય છે. પોલીસ કર્મચારીઓના વ્યાવસાયિક અને માનસિક તણાવ પર ઓછું ધ્યાન આપવાથી ઘણી વખત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થાય છે. ઉપરાંત પોલીસ કર્મચારીઓને તેમના પરિવાર સાથે ગુણવત્તા યુક્ત સમય પસાર કરી શકતા નથી. તે કારણથી પણ તેઓ માનસિક તણાવ અનુભવતા હોય છે.