બે વર્ષથી એક પણ રજા લીધી નથી, મહેનતની સાથે ઉત્સાહ પણ જરૂરી
એલ.જે. ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા 'સેલ્સ એવેન્જર' ટૉકનું આયોજન કરાયું
એલ.જે ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા મેનેજમેન્ટના સ્ટુડન્ટસ સેલ્સ અને કોર્પોરેટ વર્લ્ડમાં હરિફાઇના સમયમાં ટકી સકે તે માટે 'સેલ્સ એવેન્જર' ટૉકનું આયોજન કરાયું હતું. આ ટૉકમાં ગઇકાલે ત્રણ સેલ્સ એક્સપર્ટે પોતાની સકસેસ સ્ટોરી શેર કરી, જેમાં મુખ્ય સ્પિકર તરીકે કોલગેટના સિનિયર એક્ઝિક્યુટિવ તુલસી રૃપારેલીયા, એક એજ્યુકેશન મોબાઇલ એપના કરન ભાટિયા અને નાયરા એનર્જીના સેલ્સ મેનેજર રાજદીપ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્ટુડન્ટસને મહેનતનો મંત્ર શીખવ્યો હતો સાથે સાથે 'આઇ નો એવરિથિંગ' એટિટયૂટ છોડી સતત શીખતા રહેવાની સલાહ આપી હતી.
પૈસા કમાવવા કરતા શીખવા પર ધ્યાન આપો
અનુભવ અને ઠોકરને કારણે તમે શીખશો અને શ્રેષ્ઠ બનશો. પહેલા ચાર વર્ષ મેં કોઇપણ પ્રસંગમાં હાજરી નથી આપી પોતાનો જન્મદિવસ નથી ઉજવ્યો પરંતુ સમય જતા ખબર પડે છે કે કોર્પોરેટ વર્લ્ડમાં તમારી બાઉન્ડ્રી સેટ કરવી પણ એટલી જ જરૃરી છે. પૈસા કમાવવા કરતા શીખવા પર વધારે ધ્યાન આપો અંતે તમને અનુભવ કામમાં આવશે. - તુલસી રૃપારેલીયા
જીવનના દરેક તબક્કાની પ્રાથમિકતા અલગ હોય છે
તમારા જીવનમાં અપેક્ષાઓ હશે અને તે પુરી નહી થાય તો તમે દુઃખી થશો એટલે ઉત્સાહથી કાર્ય કરો. જીવનના દરેક સમયે પ્રાથમિકતા અલગ હોય છે તેને સમજો. મેં ૧૭ દેશમાં કામ કર્યું છું અને બે વર્ષથી રજા લીધી નથી. માત્ર ચાર કલાકની ઊંઘ લઉ છું. સખત મહેનતની સાથે કાર્ય પ્રત્યે ઉત્સાહ બતાવો. - કરણ ભાટિયા
સફળતા મેળવવા પ્લાનિંગ સૌથી મહત્વની બાબત
અત્યારે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ભરપૂર તકો રહેલી છે. સફળતા મેળવવા માટે આયોજનએ સૌથી મહત્વની બાબત છે. દરેક વ્યક્તિએ તેને અનુસરવું જોઇએ. આ સાથે એક કન્ઝ્યુમરને લગતી તમામ બાબતથી તમે પરિચિત હોવા જોઇએ. - રાજદીપ ચૌહાણ