વિનોદિનીબહેને 13 વર્ષે સામાયિક 'મુકુલ'થી સાહિત્યક્ષેત્રે લખવાની શરૂઆત કરી હતી
વિનોદિનીબહેન નીલકંઠના 114મા જન્મદિને 'ઘર ઘરની જ્યોત' સાહિત્યિક વ્યાખ્યાન
ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે વિનોદિની રમણભાઇ નીલકંઠના ૧૧૪માં જન્મદિન પ્રસંગે 'ઘર ઘરની જ્યોત' સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પત્રકાર ઉપરાંત બાળસાહિત્યલેખક, નવલિકાકાર, નિબંધકાર અને નવલકથાકાર તરીકે નામના મેળવનાર વિનોદિનીબહેને અમૂલ્ય વારસો સાહિત્ય જગતને આપ્યો છે.
વિનોદિનીબહેન નીલકંઠે ગુજરાત સમાચારમાં ઘર ઘરની જ્યોત નામે કોલમ ઘણા વર્ષ સુધી લખી હતી, જેમાં મહિલાઓના પ્રશ્નોને વાચા આપી હતી. વિનોદિનીબહેનના દીકરા સુકુમાર પરીખે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું, જ્યારે દીકરી રંજના પેંઢારકરે વિનોદિનીબહેનના જીવન અને પત્રકારત્વ વિશે તેમજ તેમના કથા સાહિત્ય વિશે મીનલદવે, બાળસાહિત્ય વિશે શ્રદ્ધા ત્રિવેદીએ અને નિબંધકાર વિનોદિની નીલકંઠ પર સંધ્યા ભટ્ટે વક્તવ્ય આપ્યું હતું, જેમાં સંધ્યા ભટ્ટે કહ્યું હતું કે, 'વિનોદિનીબહેનના નિબંધમાં સંવેદનશીલતા અનુભવાય છે. વિનોદિનીબહેનની લેખન શૈલી સામાન્ય લોકો સાથે વાતો કરતાં હોય એ રીતની સરળ હોવાથી તેમના નિબંધો ચિત્રાત્મક રીતે ઉપસી આવતા હતા સાથે નિબંધમાં પ્રગતિશીલ વિચારોનો અનુભવ થતો હતો.
વિચારોમાં અને સાહિત્યસર્જનમાં કાયમ સામાજિક સંબંધો જોવા મળ્યાં છે
મારી માતાને સંસ્કૃત ભાષા પ્રત્યે ઘણો પ્રેમ હતો અને ભાષાને જાણતા પણ હતા. અમને બાળપણમાં બહાર ફરવા લઇ જાય ત્યારે સંસ્કૃત શ્લોકો બોલીને કુદરતની સાથે અમને સારી અનુભૂતિ કરાવતાં હતાં. તેઓ સામાજિક સંબંધોને વધુ પ્રાધાન્ય આપતાં હતાં જેનાથી તેમના વિચારોમાં અને સાહિત્યસર્જનમાં કાયમ સામાજિક સંબંધો જોવા મળ્યાં છે. બાળક ગુમાવ્યાના શોકમાંથી બહાર આવવા માટે તેમને પ્રેમાનંદના એક વ્યાખ્યાનમાંથી પંક્તિ લઇને 'કદલીવન' નવલકથા લખી હતી.-સુકુમાર પરીખ (વિનોદિનીબહેનના પુત્ર)
21 વર્ષની વયે તેમને પહેલું પુસ્તક 'રસદ્વાર' લખ્યું હતું
મારી માતા વિનોદિની બહેનને બાળપણથી ગણિત પ્રત્યે અરુચિ અને લેખન પ્રત્યે અપાર રુચિ હતી. તેમને ૧૩ વર્ષની વયે હસ્તલિખિત સામાયિક 'મુકુલ'થી સાહિત્યક્ષેત્રે લખવાની શરૃઆત કરી હતી. તેમણે સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી હતી. ૨૧ વર્ષની વયે તેમને પહેલું પુસ્તક 'રસદ્વાર' લખ્યું હતું અને ૧૯૫૦થી 'ઘર ઘરની જ્યોત' કોલમ લખવાની શરૃઆત કરી હતી. -રંજના પેંઢારકર (વિનોદિનીબહેનની પુત્રી)