બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે પછીના મોટા માઇલસ્ટોન હાસ્યલેખક હતા
સાહિત્ય પરિષદમાં બકુલ ત્રિપાઠીના જન્મદિને 'સચરાચરમાં' સાહિત્યિક વ્યાખ્યાન
ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહમાં હાસ્યનિબંધકાર અને નાટયકાર એવા બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીના ૯૨મા જન્મદિન પ્રસંગે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરના અધ્યક્ષસ્થાને 'સચરાચરમાં' સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું, જેમાં હસિત મહેતાએ બકુલ ત્રિપાઠીની 'સાહિત્યસૃષ્ટિ' વિશે વાત કરી હતી. સાહિત્યિક વક્તવ્યમાં હસિત મહેતાએ કહ્યું કે, જોતાની સાથે હસવું આવે તેવું બકુલ ત્રિપાઠીનું વ્યક્તિત્વ હતું. ગુજરાતી સાહિત્યમાં જ્યોતીન્દ્ર દવે પછીના સૌથી મોટા માઇલસ્ટોન હાસ્યલેખક હતા. બકુલ ત્રિપાઠીએ સાહિત્ય સૃષ્ટિ સિવાય નાટક, ફિલ્મ, ભાષાંતર, દૂરદર્શન અને રેડિયોમાં કામ કર્યું છે.
ભારતભરની બધી ભાષાઓમાં સાતત્યપૂર્ણ રીતે કટારલેખક તરીકે કામ કરીને લિમ્કાબૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવીને ગુજરાતી સાહિત્યને વધુ ઊંચાઇ સુધી લઇ ગયા છે. વ્યકિતને હસતો કરવાનું કાર્ય તેમનું પ્રાથમિક કાર્ય હતું. બકુલ ત્રિપાઠીની દ્વોણાચાર્યનું સિંહાસન, અષાઢની સાંજે, પ્રિય સખી અને ભજિયા અને શ્રીખંડ, પૂરી અને યાત્રા હાસ્યસંગ્રહ છે. આઝાદી પછીના સમયમાં રાજકારણ વિશે સૌથી વધુ લખ્યું અને આગવું સ્થાન જમાવ્યું હતું.
રતિલાલ બોરીસાગરે બકુલ ત્રિપાઠી વિશે વિવેચનાત્મક વાત કરતા કહ્યું કે, હાસ્યકારમાં બકુલ ત્રિપાઠી મોટા ગજાના હાસ્યલેખક હતા. ગુજરાત સમાચાર દૈનિકપત્રમાં કામ કરીને ૫૦ વર્ષ સુધી પોતાના કટાક્ષ લેખક તરીકે કામ કર્યું હતું. પ્રથમ પંકિતના હાસ્યકાર હતા તેમનામાં ક્રિએટીવ ફોર્સ ખૂબ જ વધારો હતો.