યુરી ગાગરિનની 89 મિનિટની અવકાશયાત્રાના લીધે અમેરિકા અપોલો મિશન માટે ઉશ્કેરાયું હતું
સાયન્સ સિટીમાં જર્ની ટુ મૂન કાર્યક્રમમાં લેક્ચર સીરિઝનું આયોજન કરાયું હતું
૧૯૬૧માં રશિયા દ્વારા યુરી ગાગરિનને સ્પેસ ટ્રાવેલ માટે અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ વિશ્વના પહેલા વ્યક્તિ છે કે, જેમણે અવકાશમાંથી પૃથ્વીને નિહાળી છે. પરંતુ રશિયાના મિશન બાદ અમેરિકાએ પોતાનો સ્પેસ પરચો જગ જાહેર કરવા માટે મિશન અપોલો પ્રોગ્રામની શરૃઆત કરી હતી. તેમ સાયન્સ સિટી ખાતે યોજાયેલી અપોલો મિશન પરની ટોકમાં ગુજકોસ્ટાન ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સ્પેસના સંશોધનની બાબતે રશિયા અને અમેરિકા વચ્ચે મોટા પ્રમાણમાં હરીફાઇ જોવા મળતી હતી. સાયન્સ સિટી ખાતે ૧૫મી જુલાઇથી ૨૦મી જુલાઇ સુધી જર્ની ટુ મૂન વીકની ઉજવણી કરાઇ રહી છે. જેમાં બાળકોને સ્પેસક્રાફ્ટ અને રોકેટના મોડેલીંગ બનાવવાની માહિતી, ઉપરાંત અંતરીક્ષના મિશનની ફિલ્મ અને અવકાશનું અવલોકન કરાવવામાં આવે છે.
નાસાને અપોલો મિશન માટે શરૂમાં નિષ્ફળતા મળી હતી
યુરી ગાગરિનની ૮૯ મિનિટની અવકાશિય સફર અમેરિકા માટે અંતરીક્ષ સંશોધનમાં હાર હતી. તેથી નાસા દ્વારા અપોલો મિશનની શરૃઆત કરાઇ હતી. અપોલો-૧ મિશનમાં નાસાને નિષ્ફળતા મળી હતી અને જેમાં ત્રણ અવકાશયાત્રીઓના મૃત્યુ પણ થયા હતા. પરંતુ નાસાએ હાર માની નહીં અને અપોલો-૧૧ મિશનમાં સફળતા મેળવી હતી. - ડૉ. સુમિત શાસ્ત્રી, ગુજકોસ્ટ પ્રોજેક્ટ ડિરેક્ટર
12 અવકાશયાત્રીઓએ ચંદ્રની જમીન પર પગ મુક્યો છે
અત્યાર સુધીમાં ચંદ્ર પરના ૬ મિશન સફળ રહ્યાં છે, જેમાંના દરેક મિશનના બે અવકાશયાત્રીઓએ ચંદ્રની ધરતી સુધી પહોંચી શક્યા છે. એટલે કે ૧૨ અવકાશયાત્રીઓએ ચંદ્રની જમીન પર પગ મુક્યો છે. જ્યારે દરેક મિશનમાં રહેલા એક અવકાશયાત્રીએ યાનમાં રહીને સંદેશા વ્યવહારનો કન્ટ્રોલ કર્યો હતો. દરેક મિશન દરમિયાન ચંદ્ર વિશેની કેટલીક માહિતી એકત્રિત કરાઇ છે. - પ્રો. આર.એમ. પંડયા, નિવૃત સાયન્ટિસ્ટ ઇસરો